<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

તોતાપુરી કેરીના ભાવો તળિયે બેસતા આંધ્રના ખેડૂતો સંકટમાં: મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કેન્દ્ર પાસે માંગી ₹૨૮૧ કરોડની તાકીદની આર્થિક મદદ

ઇન્ટરનેશનલ માર્કેટમાં પલ્પની નિકાસ અટકતા અને પ્રોસેસિંગ કંપનીઓએ હાથ ખેંચતા સર્જાઈ ગંભીર સ્થિતિ: મુશ્કેલીના સમયે જગતના તાતને બચાવવા આંધ્ર સરકારે કિલોએ ₹૪ સબસિડી જાહેર કરી, દિલ્હી દરબારમાં ધા

વિજયવાડા : સમગ્ર દેશમાં કેરીના સૌથી મોટા ઉત્પાદક રાજ્ય આંધ્રપ્રદેશમાં આ વર્ષે તોતાપુરી (Totapuri) કેરી પકવતા ખેડૂતો ગંભીર નાણાકીય સંકટ અને ભાવોના કડાકાનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાંથી લાખો ખેડૂત પરિવારોની આજીવિકા બચાવવા માટે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ સીધો મોરચો સંભાળ્યો છે. તેમણે કેન્દ્ર સરકારની બજાર હસ્તક્ષેપ યોજના (MIS) હેઠળ 'ભાવ ઉણપ ચુકવણી યોજના' (PDPS) લાગુ કરીને પીડિત ખેડૂતો માટે ₹૨૮૧ કરોડની તાકીદની કેન્દ્રીય સહાય પૂરી પાડવા માટે દિલ્હી દરબારમાં સત્તાવાર વિનંતી કરી છે.

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણને પત્ર લખી રજૂ કરી વેદના

મુખ્યમંત્રી નાયડુએ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણને એક તાકીદનો પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારની અણધારી અસ્થિરતા અને વૈશ્વિક ઘટનાક્રમોને કારણે આ વર્ષે ભારતીય કેરીના પલ્પ (મેંગો પલ્પ) ની નિકાસ લગભગ સ્થગિત થઈ ગઈ છે. આ નિકાસ અટકવાના કારણે સ્થાનિક સ્તરે કાર્યરત મોટી મોટી પ્રોસેસિંગ ફેક્ટરીઓ અને ઉદ્યોગોએ કેરીની ખરીદીમાં મોટો ઘટાડો કર્યો છે, જેને લીધે ઓપન માર્કેટમાં તોતાપુરી કેરીના ભાવો સાવ તળિયે બેસી ગયા છે અને ખેડૂતોનો વાવેતર ખર્ચ પણ નીકળવો મુશ્કેલ બન્યો છે.

આંધ્રપ્રદેશના રાયલસીમા ક્ષેત્રમાં લાખો પરિવારોની આજીવિકા દાવ પર

આંધ્રપ્રદેશ ભારતમાં કેરીના ઉત્પાદનનું મુખ્ય હબ છે, જ્યાં ૩.૯૯ લાખ હેક્ટરમાં કેરીની ખેતી થાય છે અને વાર્ષિક ઉત્પાદન અંદાજે ૫૨.૬૫ લાખ મેટ્રિક ટન જેટલું વિશાળ છે. ખાસ કરીને ચિત્તૂર, તિરુપતિ, અન્નમય અને કડપા જેવા રાયલસીમા (Rayalaseema) ના વિસ્તારોમાં આશરે ૯૧,૦૧૧ હેક્ટરમાં માત્ર તોતાપુરી કેરીનો પાક લેવાય છે, જેનું ઉત્પાદન જ ૮.૬૫ લાખ મેટ્રિક ટન થાય છે. આ આખોય પટ્ટો અને તેના લાખો ખેડૂત પરિવારો આ કેરીના વેપાર પર જ નિર્ભર છે, જેઓ હાલ ભારે આર્થિક તણાવમાં જીવી રહ્યા છે.

રાજ્ય સરકારની મોટી જાહેરાત: કિલોએ ₹૪ વધારાના આપશે

આ કપરા સમયમાં ખેડૂતોને આત્મહત્યા કે મોટા આર્થિક નુકસાનથી બચાવવા માટે ચંદ્રબાબુ નાયડુની સરકારે રાજ્ય સ્તરે ખરીદી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આંધ્ર સરકારે પોતાના બજેટમાંથી ૭.૦૩ લાખ મેટ્રિક ટન તોતાપુરી કેરીની સીધી ખરીદી હાથ ધરી છે અને પ્રાઈસ ડેફિસિયન્સી પેમેન્ટ સ્કીમ (PDPS) ના માધ્યમથી ખેડૂતોને બજાર ભાવ ઉપરાંત પ્રતિ કિલોએ ₹૪ ની વધારાની આર્થિક સહાય આપવાનો મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારને જૂનથી ઓગસ્ટ ૨૦૨૬ ની ચાલુ સીઝન દરમિયાન આ યોજનામાં ભાગીદાર બનીને સહાય ફાળવવા આગ્રહ કર્યો છે જેથી જગતના તાતને નફાકારક ભાવની ગેરંટી આપી શકાય.

(8:35 PM IST)