<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! અત્યંત ખતરનાક ‘God Mode’ મેલવેરનો એટેક : તમારા સ્માર્ટફોનનો પૂરેપૂરો કંટ્રોલ લઈ શકે છે આ વાયરસ

એક્સેસિબિલિટી સર્વિસનો દુરુપયોગ કરી મેસેજ અને OTP ચોરી લેતો નવો માલવેર : ફેક એપ્સ અને અજાણી લિંક્સ દ્વારા ફેલાતા વાયરસથી બચવા સુરક્ષા એજન્સીઓએ જારી કરી ગંભીર ચેતવણી

નવી દિલ્હી: એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર્સ માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સાયબર સુરક્ષા એજન્સીઓએ એક નવા અને અત્યંત એડવાન્સ્ડ પ્રકારના મેલવેર એટેક અંગે એલર્ટ જારી કર્યું છે. આ મેલવેર સામાન્ય વાયરસ કરતા ઘણો શક્તિશાળી છે અને એકવાર ફોનમાં ઇન્સ્ટોલ થયા બાદ તેને હટાવવો લગભગ અશક્ય બની જાય છે. આ વાયરસ સ્માર્ટફોનની મોટાભાગની સિસ્ટમ હાઇજેક કરી શકે છે, જેના કારણે યુઝર્સની પર્સનલ અને નાણાકીય જાણકારીઓ પર ગંભીર જોખમ ઊભું થયું છે.

 

શું છે ‘God Mode’ મેલવેર અને તે કેવી રીતે કરે છે કામ?

આ નવા મેલવેરને સુરક્ષા નિષ્ણાતોએ ‘God Mode’ નામ આપ્યું છે કારણ કે તે ડિવાઇસ પર સંપૂર્ણ કંટ્રોલ મેળવવાની ક્ષમતા ધરાવે છે. આ વાયરસ એન્ડ્રોઇડની ‘એક્સેસિબિલિટી સર્વિસીસ’નો દુરુપયોગ કરીને સિસ્ટમમાં ઘૂસણખોરી કરે છે. એકવાર એક્સેસ મળી ગયા પછી તે તમારા મેસેજ વાંચી શકે છે, તમારી દરેક એક્ટિવિટી પર નજર રાખી શકે છે અને તમારી જાણ બહાર ફોન પર ઓપરેશન કરી શકે છે. તે બેંકિંગ OTP ઇન્ટરસેપ્ટ કરી શકે છે, કોન્ટેક્ટ લિસ્ટ ચોરી શકે છે અને ફોનના બેઝિક ફંક્શન્સને પણ મેનેજ કરી શકે છે.

 

વાયરસ ફેલાવાની પદ્ધતિ અને તેના લક્ષણો:

આ મેલવેર મુખ્યત્વે ફેક એપ્લિકેશન્સ દ્વારા ફેલાય છે. આ એપ્સ દેખાવમાં જાણીતી બેંકિંગ અથવા યુટિલિટી એપ્સ જેવી જ હોય છે. યુઝર્સ ઘણીવાર મેસેજિંગ એપમાં આવેલી લિંક્સ અથવા અજાણી વેબસાઇટ્સ પરથી APK ફાઇલો ડાઉનલોડ કરીને તેને અજાણતા ઇન્સ્ટોલ કરી લે છે.

 

આ મેલવેરની ઓળખ કરવા માટેના સંકેતો:

  ઇન્સ્ટોલેશન બાદ એપ આખા ફોનનો કંટ્રોલ મેળવવાની પરમિશન માંગે છે.

  ફોનમાં આઇકોન વગરની અજાણી એપ્સ આપમેળે દેખાવા લાગે છે.

  કેટલીક એપ્સ વારંવાર એક્સેસ પરમિશન માટે રિક્વેસ્ટ મોકલે છે.

  શંકાસ્પદ SMS આવવા અથવા કોલ્સ રીડાયરેક્ટ થવા જેવી સમસ્યા સર્જાય છે.

  ઘણીવાર વાયરસ ઇન્સ્ટોલ થયા પછી યુઝર એપને અનઇન્સ્ટોલ કરી શકતા નથી કે પરમિશનમાં ફેરફાર કરી શકતા નથી.

 

સુરક્ષિત રહેવા માટેના જરૂરી ઉપાયો:

સરકારી સંસ્થાઓ અને સુરક્ષા એજન્સીઓએ યુઝર્સને બચવા માટે કેટલાક મહત્વના સૂચનો આપ્યા છે:

૧. હંમેશા ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store) જેવા ઓફિશિયલ પ્લેટફોર્મ પરથી જ એપ્સ ઇન્સ્ટોલ કરો.

૨. અજાણ્યા સોર્સ પરથી આવતી APK ફાઇલો ક્યારેય ડાઉનલોડ ન કરવી.

૩. મેસેજ કે સોશિયલ મીડિયા પર આવતી શંકાસ્પદ લિંક્સ પર ક્લિક કરવાનું ટાળવું.

૪. કોઈપણ એપને પરમિશન આપતા પહેલા ખાસ તપાસો કે તે કઈ વિગતો માંગે છે. જો કોઈ એપ ફોનનો પૂરો કંટ્રોલ માંગે, તો તે જોખમી હોઈ શકે છે.

 

એન્ડ્રોઇડ યુઝર્સ જો સતર્ક રહીને આ સાવચેતી રાખશે, તો જ તેઓ આ ‘God Mode’ મેલવેરના શિકાર બનતા બચી શકશે.

(12:10 AM IST)