તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th June 2026
કૃષિ મંત્રીની જાહેરાતનું સુરસુરિયું : મોરબીના જેતપર ગામે ખેડૂતોના આંદોલન વચ્ચે પણ ખાનગી કંપની દ્વારા વીજ પોલ નાખવાની કામગીરી ચાલુ રાખવામાં આવતા રોષ
૧૮ જૂનથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા આગેવાન નેહુલભાઈ અમૃતિયાના જ ખેતરમાં પાકની પથારી ફેરવી કંપનીએ કામ શરૂ રાખ્યું : મંત્રીની સૂચનાને પણ ખાનગી વીજ કંપની ગણકારતી ન હોવાનો ઘાટ સર્જાયો

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી:મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી ખાનગી વીજ કંપનીઓની હાઈવોલ્ટેજ વીજ લાઇનો પસાર થઈ રહી છે. આ લાઇન માટે વીજ પોલ (થાંભલા) ઊભા કરવા સામે ખેડૂતોમાં ભારે અસંતોષની લાગણી જોવા મળી રહી છે, કારણ કે ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોને પાસેરામાં પૂણી જેટલું એટલે કે અત્યંત ઓછું વળતર આપવામાં આવી રહ્યું છે. આ મામૂલી વળતર ખેડૂતોને બિલકુલ મંજૂર ન હોવાથી ગત ૧૮ જૂનથી મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, જે આજે ૧૧મા દિવસે પણ યથાવત છે.
ધરણાંના આ સમયગાળા દરમિયાન થોડા સમય પહેલા એક જાહેર કાર્યક્રમમાં રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ દાવો કર્યો હતો કે ખાનગી વીજ કંપનીના માણસોને હાલ કામ બંધ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ બહાર આવી છે. અફસોસની વાત એ છે કે જેતપર ગામે જ્યાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, ત્યાં જ આજની તારીખે પણ ખાનગી કંપની દ્વારા વીજ પોલ નાખવાનું કામ જોરશોરથી ચાલુ રાખવામાં આવ્યું છે.
ઉપવાસી નેહુલભાઈ અમૃતિયાના ખેતરમાં જ પાકનો સોથ વાળ્યો:
આજે આંદોલનના ૧૧મા દિવસે ચોંકાવનારી સ્થિતિ ત્યારે સર્જાઈ જ્યારે આમરણાંત ઉપવાસ આંદોલન પર બેઠેલા મુખ્ય આગેવાન નેહુલભાઈ અમૃતિયાના પોતાના જ ખેતરની અંદર ખાનગી વીજ કંપનીના માણસો વીજપોલ ઊભો કરવા માટે પહોંચી ગયા હતા. કંપનીના માણસો દ્વારા અત્યારે ખેતરમાં ભારે મશીનરી સાથે કામગીરી ચલાવવામાં આવી રહી છે, જેના કારણે આખા ખેતર અને ઊભા ખેતીના પાકની પથારી ફેરવી નાખવામાં આવી છે. એકબાજુ રાજ્યના કૃષિ મંત્રી કામ બંધ રાખવાની જાહેરાતો કરે છે અને બીજીબાજુ વીજ કંપનીઓ ખુલ્લેઆમ ધમધમાટ કામ ચાલુ રાખે છે, તે જોતાં ક્યાંક ને ક્યાંક કૃષિ મંત્રીને પણ ખાનગી વીજ કંપનીઓ ગણકારતી ન હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.
મુખ્યમંત્રીના લેખિત આમંત્રણ વિના મંત્રણા કરવા ન જવા ખેડૂતો મક્કમ:
આંદોલનકારી ખેડૂતોને મનાવવા માટે અત્યાર સુધીમાં બે થી ત્રણ વખત સરકારના ઉચ્ચ અધિકારીઓ તરફથી મંત્રણા કરવા માટે થઈને માત્ર મૌખિક આમંત્રણો આપવામાં આવ્યા છે. જો કે, ઉપવાસ છાવણી ખાતે બેઠેલા ખેડૂતો અને તેઓની કમિટીએ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. ખેડૂત આગેવાનોએ અધિકારીઓને રોકડો જવાબ આપતા કહી દીધું છે કે, જ્યાં સુધી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તેઓને લેખિતમાં મંત્રણા કરવા માટે સત્તાવાર રીતે બોલાવવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ કોઈપણ સંજોગોમાં મંત્રણા કરવા ગાંધીનગર જશે નહીં. હાલ એક તરફ ન્યાયની અપેક્ષા સાથે ખેડૂતોનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે અને બીજી તરફ કંપનીની જોહુકમી ચાલુ છે, ત્યારે આ આંદોલનનો અંત ક્યારે આવશે અને ખેડૂતોને ક્યારે સાચો ન્યાય મળશે તે કહેવું મુશ્કેલ બન્યું છે.
(5:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
