<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

ભારતની સુરક્ષા ક્ષમતામાં વધુ એક સિદ્ધિ ઉમેરાઈ : અગ્નિ-1 બેલિસ્ટિક મિસાઈલનું સફળપૂર્વક પરીક્ષણ

મિસાઈલની સૌથી મોટી વિશેષતા તેની ગતિશીલતા અને ઝડપી તૈનાતીની ક્ષમતા છે, જે યુદ્ધના મેદાનમાં દુશ્મનો માટે અત્યંત ખતરનાક સાબિત થઈ શકે

ભારતની સુરક્ષા ક્ષમતામાં વધુ એક ભવ્ય સિદ્ધિ ઉમેરાઈ છે. ભારતે પોતાની સ્વદેશી બનાવટની અને અદ્યતન ટેકનોલોજીથી સજ્જ અગ્નિ-1 બેલિસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કરીને દુનિયાને ફરી એકવાર પોતાની સૈન્ય તાકાતનો પરચો આપ્યો છે. આ પરીક્ષણ સાથે જ ભારતીય સંરક્ષણ દળોની મારક ક્ષમતામાં અનેકગણો વધારો થયો છે.

ઓડિશાના ચાંદીપુર સ્થિત એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી વ્યૂહાત્મક ફોર્સ કમાન્ડની દેખરેખ હેઠળ આ મિસાઈલનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. સંરક્ષણ મંત્રાલયે આપેલી માહિતી મુજબ, આ મિસાઈલે તમામ ટેકનિકલ અને ઓપરેશનલ માપદંડોને સફળતાપૂર્વક પાર કર્યા છે. અગ્નિ-1 એક શક્તિશાળી સપાટીથી સપાટી પર માર કરતી ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઈલ છે, જે પરંપરાગત અને પરમાણુ બંને પ્રકારના પેલોડ વહન કરવા માટે સંપૂર્ણ સક્ષમ છે. આ મિસાઈલની સૌથી મોટી વિશેષતા તેની ગતિશીલતા અને ઝડપી તૈનાતીની ક્ષમતા છે, જે યુદ્ધના મેદાનમાં દુશ્મનો માટે અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે.

DRDO દ્વારા વિકસિત આ મિસાઈલનું પરીક્ષણ અત્યંત આધુનિક પદ્ધતિથી કરવામાં આવ્યું હતું. ટેલીમેટ્રી અને ટ્રેકિંગ માટે જમીન અને જહાજ આધારિત સ્ટેશનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેણે મિસાઈલના ઉડાન માર્ગ અને લક્ષ્ય વેધવાની પ્રક્રિયાને પળેપળ ટ્રેક કરી હતી. આ સફળ પ્રક્ષેપણથી ભારતની 'મિનિમમ ક્રેડિબલ ડિટરન્સ' નીતિને વધુ મજબૂતી મળી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ સિદ્ધિ પર ગર્વ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ વિકાસ દેશની સંરક્ષણ તૈયારીઓમાં એક જબરદસ્ત ક્ષમતા ઉમેરશે અને રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં ભારતનો આત્મવિશ્વાસ વધારશે.

ભારતના આ મિસાઈલ કાર્યક્રમની સફળતા પાછળ DRDO ના વૈજ્ઞાનિકોની વર્ષોની મહેનત અને દેશના ઉદ્યોગોનો સહયોગ જવાબદાર છે. મલ્ટિપલ પેલોડ સાથેના આ પરીક્ષણે સાબિત કર્યું છે કે ભારત હવે એક જ મિસાઈલ સિસ્ટમથી અનેક વ્યૂહાત્મક લક્ષ્યોને એકસાથે નિશાન બનાવી શકે છે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં અલગ-અલગ સ્થાનો પર રાખેલા વિવિધ લક્ષ્યોને આ મિસાઈલે સચોટ રીતે ભેદીને પોતાની ઘાતકતા દર્શાવી છે. આ સફળતા માત્ર સૈન્ય પ્રદર્શન નથી, પરંતુ ભારતના વધતા સંરક્ષણ સ્વાવલંબન અને ટેકનોલોજીકલ પ્રગતિનું પ્રતીક છે, જે દુશ્મન દેશો માટે એક સ્પષ્ટ અને કડક સંદેશ છે કે ભારત પોતાની સુરક્ષા માટે સંપૂર્ણ સજ્જ છે.

(11:02 PM IST)