તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
તૃણમૂલ કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો : અભિનેત્રી અને સાંસદ કોયલ મલ્લિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
મમતા બેનર્જીની પાર્ટીમાંથી સાંસદો અને ધારાસભ્યોનો સતત બહિર્ગમન : ઉપરાઉપરી દિગ્ગજ નેતાઓના રાજીનામાથી પશ્ચિમ બંગાળના રાજકારણમાં ભારે ગરમાવો

નવી દિલ્હી:પશ્ચિમ બંગાળના સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. મમતા બેનર્જીના નેતૃત્વવાળી પાર્ટીમાંથી સાંસદો અને ધારાસભ્યોના પક્ષ છોડવાના ચાલી રહેલા સિલસિલા વચ્ચે ગુરુવારે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટીએમસીના વરિષ્ઠ નેતા અને અભિનેત્રીમાંથી રાજકારણી બનેલા કોયલ મલ્લિકે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે, જે મમતા બેનર્જી માટે ખૂબ જ મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.
સત્તાવાર સૂત્રો અને સમાચાર એજન્સી એએનઆઈ (ANI) ના અહેવાલો અનુસાર, તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ કોયલ મલ્લિકે દેશના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ સી. પી. રાધાકૃષ્ણનની મુલાકાત લીધી હતી. આ બેઠક દરમિયાન તેમણે વિધિવત રીતે પોતાનું રાજીનામું અધ્યક્ષને સુપરત કર્યું હતું.
કોયલ મલ્લિકનું આ રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે તેના એક જ દિવસ પહેલા ટીએમસીના વરિષ્ઠ ધારાસભ્ય અને મમતા બેનર્જીના અત્યંત નજીકના સાથી ગણાતા મદન મિત્રાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. મદન મિત્રા ટીએમસી છોડીને રિતાબ્રતા બેનર્જીના નેતૃત્વ હેઠળના બળવાખોર ટીએમસી જૂથમાં સામેલ થઈ ગયા છે, જેના કારણે પક્ષમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે.
પશ્ચિમ બંગાળના રાજકીય સમીકરણો પર નજર કરીએ તો, આ પૂર્વે પણ ટીએમસીના ઘણા દિગ્ગજ નેતાઓએ પક્ષ સાથે છેડો ફાડ્યો છે. અગાઉ સુખેન્દુ શેખર રાય, સુષ્મિતા દેવ અને પ્રકાશ ચિક બડાઈકે રાજ્યસભાના સભ્યપદેથી તેમજ ટીએમસીમાંથી રાજીનામું આપી દીધું હતું અને ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાયા હતા.
આ પૂર્વ ટીએમસી નેતાઓએ પશ્ચિમ બંગાળમાં યોજાનારી રાજ્યસભાની પેટાચૂંટણી માટે સોમવારે ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી પત્રો પણ ભરી દીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપે અગાઉ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓને પક્ષમાં સામેલ ન કરવાનો સંકલ્પ લીધો હતો, તેમ છતાં આ પૂર્વ ટીએમસી નેતાઓને ટિકિટ આપવાના પોતાના નિર્ણયનો ભાજપ દ્વારા બચાવ કરવામાં આવી રહ્યો છે. એકપછી એક નેતાઓના રાજીનામાથી બંગાળના રાજકારણમાં ભારે ચહલપહલ મચી ગઈ છે.
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
