તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th September 2026
ટાટા ગ્રૂપમાં ફરી મોટો ભડકો: વેણુ શ્રીનિવાસને ટાટા ટ્રસ્ટ્સના વહીવટ પર ઉઠાવ્યા ગંભીર સવાલો, ચેરિટી કમિશનર પાસે તપાસની માગ
નોએલ ટાટાની ચેરમેન અને આજીવન ટ્રસ્ટી તરીકેની નિમણૂક સામે સવાલો; ટાટા સન્સના વ્યાપારી નિર્ણયોમાં ટ્રસ્ટ્સની દખલગીરી અંગે દર્શાવી ભારે ચિંતા

નવી દિલ્હી, તા.૩૦: દેશના સૌથી મોટા અને પ્રતિષ્ઠિત ઔદ્યોગિક ઘરાના ગણાતા ટાટા ગ્રૂપ (Tata Group)માં વહીવટી વિવાદ વકર્યો છે. સર દોરાબજી ટાટા ટ્રસ્ટ (SDTT) અને સર રતન ટાટા ટ્રસ્ટ (SRTT)ના ટ્રસ્ટી તથા ટાટા સન્સના બોર્ડમાં જોઈન્ટ નોમિની ડાયરેક્ટર વેણુ શ્રીનિવાસને મહારાષ્ટ્ર ચેરિટી કમિશનરને એક સત્તાવાર પત્ર લખીને ટાટા ટ્રસ્ટ્સના એડમિનિસ્ટ્રેશન અને ગવર્નન્સની તાત્કાલિક તપાસ કરવાની માગણી કરી છે.
ગંભીર ગવર્નન્સ ખામીઓ અને નોએલ ટાટા સામે સવાલો
વેણુ શ્રીનિવાસને ચેરિટી કમિશનર સમક્ષ ટાટા ટ્રસ્ટ્સના સંચાલનમાં ગંભીર ગવર્નન્સ ખામીઓનો આરોપ મૂક્યો છે. તેમણે હાલના ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટાની ‘આજીવન ટ્રસ્ટી’ (Perpetual Trustee) તરીકેની નિમણૂક, ચેરમેન પદના કાનૂની આધાર અને તેમના પુત્ર નેવિલ ટાટાની નિમણૂક પ્રક્રિયા પર સીધા સવાલો ઊભા કર્યા છે. આ ઉપરાંત, તેમણે ટાટા સન્સની વ્યૂહાત્મક અને વ્યાપારી બાબતોમાં ચેરિટેબલ ટ્રસ્ટ્સ તથા તેના ટ્રસ્ટીઓની બિનજરૂરી ભાગીદારી સામે પણ ભારે વિરોધ દર્શાવ્યો છે.
ટાટા સન્સમાં ટ્રસ્ટ્સનું શેરહોલ્ડિંગ:
• ટાટા ટ્રસ્ટ્સ (કુલ): ટાટા સન્સમાં ૬૬% હિસ્સેદારી ધરાવે છે.
• SDTT (સર દોરાબજી ટાટા ટ્રસ્ટ): ૨૭.૯૮% હિસ્સેદારી
• SRTT (સર રતન ટાટા ટ્રસ્ટ): ૨૩.૫૬% હિસ્સેદારી
(આ બંને ટ્રસ્ટ્સ મળીને ટાટા સન્સમાં કુલ ૫૧.૫૪% બહુમતી હિસ્સો ધરાવે છે.)
સ્વતંત્ર નિર્ણય લેતા રોકવાનો અસાધારણ પ્રયાસ
શ્રીનિવાસને પોતાના પત્રમાં સનસનાટીભર્યો દાવો કરતાં જણાવ્યું છે કે, "જ્યારે મારો મત અન્ય કેટલાક ટ્રસ્ટીઓ કરતાં અલગ હતો, ત્યારે મને મારો સ્વતંત્ર નિર્ણય લેતાં અને વોટનો ઉપયોગ કરતાં રોકવા માટે અસાધારણ પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ મને એક ટ્રસ્ટી તરીકે નિષ્પ્રાણ અને બિનઅસરકારક બનાવવાની કોશિશ હતી."
ઉલ્લેખનીય છે કે, 'લાઇફ ટ્રસ્ટી'ના નિયમોના ઉલ્લંઘનના આરોપો બાદ મહારાષ્ટ્ર ચેરિટી કમિશનરે મે મહિનામાં સર રતન ટાટા ટ્રસ્ટ (SRTT)ને નિર્ણયો લેવા અને બેઠકોમાં ભાગ લેવા પર રોક લગાવી હતી. વેણુ શ્રીનિવાસનના આ પત્ર બાદ ટાટા ગ્રૂપના વહીવટી માળખામાં નવો ભૂકંપ આવ્યો છે અને આગામી દિવસોમાં કાનૂની લડાઈ વધુ ઉગ્ર બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
(5:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
