તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
ટાટા ગ્રૂપમાં ફરી મોટું ધમાસાણ: એન. ચંદ્રશેખરનની ચેરમેન તરીકે પુનઃનિમણૂકને ટાટા ટ્રસ્ટે ગણાવી 'ગેરકાયદેસર'!
નોએલ ટાટાના વિરોધ વચ્ચે ટાટા સન્સના બોર્ડે આપી મંજૂરી: ટાટા ટ્રસ્ટે પ્રસ્તાવને કાનૂની રીતે રદ્દબાતલ ગણાવતા ભારતીય કોર્પોરેટ જગતમાં ભારે ખળભળાટ

મુંબઈ, તા.૧૭: ભારતના સૌથી મોટા અને પ્રતિષ્ઠિત કોર્પોરેટ ઘરાના ટાટા ગ્રૂપમાં ફરી એકવાર મોટો આંતરિક કલહ સપાટી પર આવ્યો છે. ટાટા સન્સના બોર્ડ દ્વારા એન. ચંદ્રશેખરન (N. Chandrasekaran) ને એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે વધુ પાંચ વર્ષની મુદ્દત આપવાના પ્રસ્તાવ સામે ટાટા ટ્રસ્ટે (Tata Trusts) સખત વાંધો ઉઠાવીને તેને ગેરકાયદેસર અને કાનૂની રીતે 'શૂન્ય' (Legal Nullity) જાહેર કર્યો છે. સાયરસ મિસ્ત્રી વિવાદ બાદ ટાટા ગ્રૂપમાં સર્જાયેલો આ સૌથી મોટો કાનૂની અને રાજકીય સંગ્રામ માનવામાં આવી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, ટાટા સન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં ચંદ્રશેખરનની પુનઃનિમણૂક માટે ૪-૧ થી મતદાન કરવામાં આવ્યું હતું. જોકે, ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટાએ (Noel Tata) આ નિર્ણયનો સ્પષ્ટ વિરોધ કર્યો હતો અને વોટિંગ વિરુદ્ધમાં આપ્યો હતો. ટાટા ટ્રસ્ટનું કહેવું છે કે નિયમો અનુસાર આવા મહત્વપૂર્ણ નિર્ણય માટે ટ્રસ્ટ દ્વારા નામાંકિત ડિરેક્ટર્સની બહુમતી સંમતિ જરૂરી હોય છે. ટ્રસ્ટના નામાંકિત ડિરેક્ટરના વિરોધ છતાં આ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હોવાથી તે આર્ટિકલ્સ ઓફ એસોસિએશનનું ઉલ્લંઘન છે.
ટાટા સન્સમાં ૬૬ ટકાથી વધુ હિસ્સેદારી ધરાવતા ટાટા ટ્રસ્ટ્સના આ આક્રમક વલણથી સમગ્ર કોર્પોરેટ જગત સ્તબ્ધ થઈ ગયું છે. એક તરફ ટાટા સન્સ બોર્ડે ચેરમેનનો કાર્યકાળ લંબાવીને કંપનીના સંભવિત આઈપીઓ (IPO) ની તૈયારીઓ શરૂ કરી છે, તો બીજી તરફ ટ્રસ્ટના આ કડક વલણથી હવે આ બાબત કાનૂની લડાઈ તરફ આગળ વધે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. ટાટા ગ્રૂપના આ આંતરિક મતભેદોને કારણે ભારતીય શેરબજાર અને રોકાણકારોની નજર પણ હવે આ હાઈ-પ્રોફાઈલ વિવાદના આગામી વળાંક પર મંડાયેલી છે.
(5:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
