તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th November 2026
મોંઘવારીનો વધુ એક ફટકો: મધર ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો, ૧૨ નવેમ્બરથી ભાવ લાગુ
પ્રતિ લિટરે રૂ. ૨ થી ૪ સુધીનો ભાવોવધારો ઝીંકાતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, દિલ્હી-એનસીઆરમાં સીધી અસર

નવી દિલ્હી : મોંઘવારીના આ યુગમાં સામાન્ય જનતા પર વધુ એક આર્થિક ફટકો પડવા જઈ રહ્યો છે. દેશની અગ્રણી ડેરી પ્રોડક્ટ્સ કંપની મધર ડેરીએ દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આગામી ગુરુવાર, ૧૨ નવેમ્બર, ૨૦૨૬ થી મધર ડેરીના દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. ૨ થી રૂ. ૪ સુધીનો વધારો અમલી બનવા જઈ રહ્યો છે. આ નિર્ણયથી દિલ્હી-એનસીઆર સહિતના વિસ્તારોમાં રોજના દૂધના વપરાશકારોના ખિસ્સા પર સીધો બોજ પડશે.
કંપનીના આ નિર્ણયથી ગ્રાહકોને હવે તમામ પ્રકારના દૂધ માટે નવા દર ચૂકવવા પડશે. અગાઉ કંપની દ્વારા ૧૪ મે, ૨૦૨૬ ના રોજ દિલ્હી-એનસીઆરમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. ૨ નો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે હવે માત્ર છ મહિનાના ટૂંકા ગાળામાં ફરી એકવાર ભાવ વધારવામાં આવતાં ગ્રાહકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. દૂધના ભાવ વધવાથી અન્ય ડેરી ઉત્પાદનો પર પણ તેની અસર જોવા મળી શકે છે.
મધર ડેરી તરફથી જણાવવામાં આવ્યું છે કે ઉત્પાદન અને પ્રોસેસિંગ ખર્ચમાં થયેલા વધારાને કારણે દૂધના નવા દરો અમલમાં મૂકવાની ફરજ પડી છે. નવી કિંમતો ગુરુવાર સવારથી જ દૂધના તમામ બૂથ અને રીટેલ આઉટલેટ્સ પર લાગુ કરી દેવામાં આવશે. આ ભાવોવધારાથી મધ્યમ વર્ગ અને શ્રમિક વર્ગના માસિક બજેટમાં નોંધપાત્ર ફેરફાર થશે.
આગામી દિવસોમાં દૂધના નવા દરોનું વિગતવાર પત્રક જાહેર કરવામાં આવશે, જેમાં ટોન્ડ, ફૂલ ક્રીમ અને ડબલ ટોન્ડ દૂધના નવા ભાવોની સત્તાવાર માહિતી મળશે. મધર ડેરીના આ નિર્ણય બાદ હવે અન્ય ખાનગી ડેરીઓ અને બ્રાન્ડ્સ પણ દૂધના ભાવમાં વધારો કરે છે કે કેમ તે જોવું મહત્વનું રહેશે, કારણ કે સામાન્ય રીતે મધર ડેરીના ભાવ વધારા બાદ બાકીની કંપનીઓ પણ તે જ દિશામાં આગળ વધતી હોય છે.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
