<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

બિહારમાં ભ્રષ્ટાચારનો વધુ એક નમૂનો: ભારતમાલા પ્રોજેક્ટના બુદ્ધ સર્કિટ પર નિર્માણાધીન ૬-લેન પુલનું માળખું ધડાકાભેર ધરાશાયી; ૭ મજૂરો ગંભીર રીતે ઘાયલ!

લોન્ચર ખસેડતી વખતે સર્જાયો ભયાનક અકસ્માત; ૨ મજૂરોની હાલત નાજુક રહેતા હાજીપુર રિફર કરાયા, વિપક્ષી નેતા તેજસ્વી યાદવે NDA સરકાર પર લગાવ્યા ભ્રષ્ટાચારના સંગીન આરોપો

 

 

હાજીપુર, તા.10: બિહારમાં નિર્માણાધીન પુલો ધરાશાયી થવાનો ભ્રષ્ટ સિલસિલો થમવાનું નામ નથી લઈ રહ્યો. વૈશાલી જિલ્લાના લાલગંજ સ્થિત જલાલપુર ગામ ખાતે ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ સોનપુર અને કેસરિયા વચ્ચે બાંધવામાં આવી રહેલા છ-લેન બુદ્ધ સર્કિટ હાઇવે પર નિર્માણાધીન પુલનું માળખું ગુરુવારે અચાનક ધડાકાભેર તૂટી પડ્યું હતું. આ ભયાનક અકસ્માતમાં પુલ પર કામ કરી રહેલા ૭ મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. 

લોન્ચર ક્રેશ થતાં સર્જાયી દુર્ઘટના; ૨ ની હાલત અત્યંત ગંભીર

વૈશાલી જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા મુજબ, બાંધકામ હેઠળના પુલના લોન્ચરને ખસેડતી વખતે આ દુર્ઘટના ઘટી હતી. ઘટનાની જાણ થતાં જ લાલગંજ બ્લોક અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત-બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘાયલ મજૂરોમાંથી પાંચ બિહારના છે, જ્યારે એક-એક પંજાબ અને ઓડિશાના વતની છે. ગંભીર રીતે ઘવાયેલા બે મજૂરો—રામ ભરોસે સાહ અને પ્રમોદ ચૌધરી (બંને પટનાના વતની)—ની હાલત નાજુક હોવાથી તેમને વધુ સારવાર અર્થે હાજીપુર રિફર કરવામાં આવ્યા છે. વૈશાલીના જિલ્લા મેજિસ્ટ્રેટ વર્ષા સિંહે હોસ્પિટલ પહોંચી યોગ્ય સારવારની ખાતરી આપી છે અને તપાસના આદેશ આપ્યા છે. 

તેજસ્વી યાદવે 'ભ્રષ્ટ NDA સરકાર' પર કર્યા પ્રહારો

આ અકસ્માત બાદ બિહારના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વિપક્ષના નેતા અને RJDના કાર્યકારી પ્રમુખ તેજસ્વી યાદવે સરકાર પર સીધા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, નબળી ગુણવત્તાવાળી બાંધકામ સામગ્રી, સુરક્ષા ધોરણોની અવગણના અને શાસક NDA નેતાઓનો ભ્રષ્ટ સ્વભાવ જ બિહારમાં વારંવાર પુલો ધરાશાયી થવાનું મુખ્ય કારણ છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ભ્રષ્ટ સરકાર દર વખતની જેમ આ વખતે પણ પોતાના ભ્રષ્ટાચાર પર પડદો પાડવાનો જ પ્રયાસ કરશે.

(4:05 PM IST)