News of Saturday, 27th June 2026
મધ્ય પૂર્વમાં ફરી ભડકો : ઇરાને હોર્મુઝની સામુદ્રધુની અને બહેરીન પર ડ્રોન આજે ફરી હુમલા કરતા યુએસ-તેહરાન વચ્ચેનો યુદ્ધવિરામ જોખમમાં મૂકાયો
અમેરિકાના ગત રાત્રિના હવાઈ હુમલાના જવાબમાં ઇરાને યુએસ સૈન્ય સાથે જોડાયેલા લક્ષ્યોને નિશાન બનાવ્યા : ઓન-વે એટેક ડ્રોનથી કોમર્શિયલ જહાજો પર પણ આજે ફરી કર્યો હુમલો! : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોની ઇરાનને કડક ચેતવણી

વોશિંગ્ટન:મધ્ય પૂર્વના દેશોમાં ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ચાલુ મહિનાની શરૂઆતમાં વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે થયેલા નાજુક યુદ્ધવિરામ કરારને મોટો ફટકો પડ્યો છે. શનિવારે ઇરાન દ્વારા હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) અને બહેરીન પર તાજા ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે, જેના કારણે ૧૦૦ દિવસ કરતાં વધુ સમયથી ચાલી રહેલા આ યુદ્ધમાં શાંતિની આશા પર પાણી ફરી વળ્યું છે. આંતરરાષ્ટ્રીય મીડિયા એજન્સી એપી અને રોઇટર્સના અહેવાલ મુજબ, ઇરાનનો આ ડ્રોન હુમલો અમેરિકી દળો દ્વારા ઇરાનના દક્ષિણ તટ પર કરવામાં આવેલા ઓવરનાઈટ એરસ્ટ્રાઈકનો બદલો હોવાનું માનવામાં આવે છે. બંને દેશોએ એકબીજા પર ગયા અઠવાડિયે થયેલા શાંતિ કરારના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે.
હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજ પર હુમલો, ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત:
યુનાઇટેડ કિંગડમ મેરિટાઇમ ટ્રેડ ઓપરેશન્સ સેન્ટરના જણાવ્યા અનુસાર, શનિવારે હોર્મુઝની સામુદ્રધુનીમાં એક વ્યાપારી જહાજ પર હુમલો થયો હોવાનું નોંધાયું છે. જોકે આ હુમલાની સત્તાવાર જવાબદારી હજુ સુધી કોઈએ સ્વીકારી નથી, પરંતુ સમગ્ર ઘટનાક્રમ જોતાં શંકાની સોય ઇરાન તરફ જઈ રહી છે. સદનસીબે, હુમલાનો ભોગ બનેલા જહાજના તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે અને કોઈ પર્યાવરણીય નુકસાન થયું નથી. આ પૂર્વે ગુરુવારે પણ સામુદ્રધુનીમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહેલા એક જહાજ પર ઇરાની ડ્રોન હુમલો થયો હતો, જેના જવાબમાં અમેરિકાએ ઇરાનની કોસ્ટલ સર્વેલન્સ ફેસિલિટીઝ અને મિસાઈલ-ડ્રોન લોકેશન્સ પર હવાઈ હુમલા કર્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનના કૃત્યને 'મૂર્ખામીભર્યું ઉલ્લંઘન' ગણાવ્યું:
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ઇરાન પર આકરા પ્રહારો કરતા આક્ષેપ કર્યો હતો કે, તેહરાને આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પરથી પસાર થઈ રહેલા કોમર્શિયલ જહાજો પર ચાર વન-વે એટેક ડ્રોન છોડીને યુદ્ધવિરામ કરારનું "મૂર્ખામીભર્યું ઉલ્લંઘન" કર્યું છે. ઇરાનની આ હરકત બાદ, યુએસ નેવીની દેખરેખ હેઠળ કામ કરતા જોઇન્ટ મેરિટાઇમ ઇન્ફોર્મેશન સેન્ટરે ઓમાનના દરિયાકાંઠાની નજીકનો નવો રૂટ લંબાવવાની જાહેરાત કરી છે, જેથી જહાજોની અવરજવર સરળ બને. આ પગલાંને ઇરાન માટે ઉશ્કેરણી સમાન માનવામાં આવી રહ્યું છે.
બહેરીનમાં યુએસના ૫મા કાફલા (5th Fleet) પર ઇરાનનો ટાર્ગેટ:
ઇરાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે તેમણે આ ક્ષેત્રમાં અમેરિકાની "આતંકવાદી આર્મી" ની લિંક ધરાવતા અનેક લોકેશન્સને નિશાન બનાવ્યા છે. બહેરીનના વિદેશ મંત્રાલયે પણ પુષ્ટિ કરી છે કે મોટી સંખ્યામાં ઇરાની ડ્રોન્સે તેમના દેશને નિશાન બનાવ્યો છે, જે નાગરિકોની સુરક્ષા માટે મોટો ખતરો છે. ઉલ્લેખનીય છે કે, બહેરીન યુએસ નેવીના મહત્વના ૫મા કાફલા (5th Fleet) નું આશ્રયસ્થાન હોવાથી તે લાંબા સમયથી ઇરાનના નિશાન પર રહ્યું છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું છે કે પલટા જવાબી હુમલામાં અમેરિકાએ ઇરાનના મિસાઇલ, ડ્રોન લોકેશન્સ અને કોસ્ટલ રડાર સાઇટ્સને ધ્વસ્ત કરી દીધી છે.
ટ્રાન્ઝિટ ફીના મુદ્દે વિવાદ વકર્યો, જેડી વેન્સની ચેતવણી:
આ સમગ્ર વિવાદ પાછળ હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા જહાજો પાસેથી ઇરાન દ્વારા ટ્રાન્ઝિટ ફી (ટોલ ટેક્સ) વસૂલવાની જીદ જવાબદાર છે. ઇરાનનું કહેવું છે કે જહાજોએ તેની સૂચનાઓનું પાલન કરવું જ પડશે. બીજી તરફ અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ તાજેતરમાં જ બહેરીનમાં ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) ની બેઠકમાં સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે, "આંતરરાષ્ટ્રીય જળમાર્ગો કોઈ એક દેશની માલિકીના નથી, તેથી ઇરાન તેના પર કોઈ ટેક્સ વસૂલી શકે નહીં."
દરમિયાન, યુએસ તરફથી મુખ્ય મધ્યસ્થી તરીકે વાટાઘાટો સંભાળી રહેલા અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ઇરાનને કડક સંદેશ આપતા જણાવ્યું છે કે, જો યુદ્ધવિરામ કરાર બાબતે કોઈ અસંમતિ હોય તો ઇરાને ફોન ઉઠાવીને વાત કરવી જોઈએ, બાકી "હિંસાનો જવાબ હિંસાથી જ આપવામાં આવશે." હાલમાં હોર્મુઝ સામુદ્રધુની અને ઇરાનના પરમાણુ કાર્યક્રમ અંગે બંને દેશો વચ્ચે પડદા પાછળ વાટાઘાટો ચાલુ છે, પરંતુ આ તાજા હુમલાઓએ વૈશ્વિક ઉર્જા બજાર અને પૂર્વીય દેશોની ચિંતા વધારી દીધી છે, કારણ કે યુદ્ધ પૂર્વે વિશ્વનો પાંચમો ભાગનો ઉર્જા પુરવઠો આ જ મહત્વના ચોકપોઇન્ટ પરથી પસાર થતો હતો.
(7:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
