તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
બારામતીમાં ફરી વિમાન દુર્ઘટના : પ્રેક્ટિસ ફ્લાઈટ દરમિયાન રેડબર્ડ કંપનીનું ટ્રેનિંગ એરક્રાફ્ટ ખેતરમાં ખાબક્યું
ગજુબાવી ગામ પાસે સર્જાયેલા અકસ્માતમાં બે તાલીમાર્થી પાયલોટનો આબાદ બચાવ : ટેકનિકલ ખામી સર્જાતા વિમાન ક્રેશ થયું, ગ્રામજનોએ તાત્કાલિક મદદ માટે દોડી જઈ બચાવ કામગીરી કરી

બારામતી : પુણે જિલ્લાના બારામતી તાલુકામાં ફરી એકવાર વિમાન તૂટી પડવાની ચોંકાવનારી ઘટના બની છે. ગજુબાવી વિસ્તારમાં એક ખાનગી ફ્લાઈટ ટ્રેનિંગ સંસ્થાનું 'રેડબર્ડ' તાલીમ વિમાન પ્રેક્ટિસ ફ્લાઈટ દરમિયાન અચાનક તૂટી પડ્યું હતું. સદનસીબે આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર બંને તાલીમાર્થી પાયલોટનો ચમત્કારિક બચાવ થયો છે. પાયલોટની સમયસૂચકતાને કારણે મોટી જાનહાનિ ટળી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, બારામતી વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાઓથી વિમાન દુર્ઘટનાઓના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે.
અગાઉ આ જ સ્થળે અજિત પવારનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું:
આજની દુર્ઘટના જે ગજુબાવી વિસ્તારમાં બની છે, તે જ સ્થળે અગાઉ રાજ્યના ડેપ્યુટી સીએમ અજિત પવારનું વિમાન પણ દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. એક જ વિસ્તારમાં વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે હવે આ વિસ્તારની ભૌગોલિક સ્થિતિ કે કોઈ ચોક્કસ ટેકનિકલ કારણો અંગે ચર્ચાઓએ જોર પકડ્યું છે. અકસ્માતની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને એરપોર્ટ પ્રશાસનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
ટેકનિકલ ખામી સર્જાતા વિમાન ખેતરમાં પટકાયું:
પ્રાપ્ત વિગતો અનુસાર, રેડબર્ડ કંપનીના આ વિમાને નિયમિત મહાવરા માટે ઉડાન ભરી હતી. ઉડાન દરમિયાન અચાનક કોઈ ટેકનિકલ ખામી સર્જાતા વિમાન નિયંત્રણ બહાર જઈને સીધું ખેતરમાં ખાબક્યું હતું. વિમાન પડવાનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પાયલોટોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ અકસ્માતમાં વિમાનને નોંધપાત્ર નુકસાન પહોંચ્યું છે પરંતુ કોઈ મોટી જાનહાનિ થઈ નથી.
તપાસનો ધમધમાટ શરૂ:
ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક પ્રશાસન અને ફ્લાઈટ ટ્રેનિંગ સંસ્થાના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે. હાલમાં પોલીસ દ્વારા પંચનામાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. બારામતીમાં અનેક પાયલોટ ટ્રેનિંગ સંસ્થાઓ કાર્યરત છે ત્યારે વારંવાર બનતી આવી દુર્ઘટનાઓ તાલીમાર્થી પાયલોટોની સુરક્ષા સામે મોટા પ્રશ્નો ઊભા કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની સરકારો દ્વારા પણ નાગરિક ઉડ્ડયન સુરક્ષાના માપદંડો અંગે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે ત્યારે આ ઘટનાની વિગતવાર તપાસ જરૂરી બની છે.
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
