<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

અમેરિકા દ્વારા ઈરાન પર ફરી ભયાનક એરસ્ટ્રાઈક : અબ્બાસ બંદર ઉપર આઠ ભયાનક વિસ્ફોટ: ઈરાનના અનેક શહેરોમાં વિસ્ફોટોના અવાજ સંભળાયા: ઈરાનનો વળતો પ્રહાર, ૩ ખાડી દેશો બહેરીન, કુવૈત અને કતાર પર મિસાઈલ હુમલા

ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયા પર ખુલ્લી ધમકી : "જહાજો પરના હુમલાનો આ બદલો છે, ફરી હુમલો થશે તો પરિણામ ખૂબ જ ખરાબ આવશે

વોશિંગ્ટન/તહેરાન: અમેરિકા અને ઈરાન વચ્ચે પર્શિયન અખાતમાં ચાલી રહેલો યુદ્ધનો ભડકો ફરી એકવાર ચરમસીમાએ પહોંચી ગયો છે. મળતા સત્તાવાર અહેવાલો મુજબ, અમેરિકાએ ગુરુવારે વહેલી સવારે ઈરાન પર નવા એરસ્ટ્રાઈક કર્યા હતા, જેના વળતા પ્રહારમાં ઈરાને બહેરીન, કુવૈત અને કતાર પર મિસાઈલ અને ડ્રોન હુમલાઓ ઝીંકી દીધા છે. આ આમને-સામનેના હુમલાઓએ પર્શિયન અખાતમાં શાંતિ માટે થયેલા હંગામી યુદ્ધવિરામનો અંત લાવી દીધો છે.

 

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નાટો સમિટમાંથી પરત ફર્યા બાદ સોશિયલ મીડિયા પર ઈરાનમાં થયેલા બ્લાસ્ટના વિડીયો શેર કરતા સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, "ઈરાન દ્વારા જહાજો પર કરવામાં આવેલા બોમ્બમારાનો આ બદલો છે. જો ફરીથી આવું થશે, તો પરિણામ ખૂબ જ ભયંકર આવશે!" અમેરિકી સેનાના સત્તાવાર નિવેદન મુજબ આ ઓપરેશનનો મુખ્ય હેતુ હોર્મુઝની સામુદ્રધુનીમાં ઈરાન દ્વારા ઊભી થતી દહેશતને ખતમ કરવાનો છે.

 

ગુરુવારના હુમલાઓ અત્યાર સુધીના સૌથી મોટા અને ભયાનક હોવાનું મનાય છે. બહેરીનમાં કે જ્યાં અમેરિકન નેવીની '૫ મી ફ્લીટ'નું હેડક્વાર્ટર આવેલું છે, ત્યાં બે વખત એર રેડ સાયરન વગાડવામાં આવી હતી. કુવૈતના સૈન્યએ સત્તાવાર જાહેરાત કરી છે કે તેઓએ ઈરાન તરફથી આવતા ડ્રોન અને મિસાઈલોને હવામાં જ તોડી પાડ્યા છે. જોકે, હાલમાં આ ૩ ખાડી દેશોમાં કોઈ મોટું નુકસાન થયાના અહેવાલ નથી. નોંધનીય છે કે, ગત ૨૮ ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ આ યુદ્ધની શરૂઆત થઈ હતી.

(9:29 AM IST)