તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Thursday, 30th July 2026
એન્ટી-પેપર લીક બિલ પર રાજ્યસભામાં જોરદાર હંગામો: મલ્લિકાર્જુન ખરગેએ ‘મનુસ્મૃતિ’ નો ઉલ્લેખ કરતા ભાજપ લાલચોળ, જેપી નડ્ડાએ પુરાવા માગ્યા!
રાજ્યસભામાં ‘પબ્લિક એક્ઝામિનેશન બિલ 2026’ પર ચર્ચા દરમિયાન ભારે વિવાદ: ગૃહપતિએ ખરગેની વિવાદિત ટિપ્પણીને કાર્યવાહીમાંથી દૂર કરી

નવી દિલ્હી : સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ગુરુવારે રાજ્યસભામાં એન્ટી-પેપર લીક બિલ 'પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એમેન્ડમેન્ટ બિલ, 2026' પર ચર્ચા દરમિયાન ભારે રાજકીય સંગ્રામ ખેલાયો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખરગેએ સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કરતા ‘મનુસ્મૃતિ’ ના શ્લોકો અને સંદર્ભો ટાંક્યા હતા, જેના કારણે સત્તાપક્ષના સાંસદો ઉશ્કેરાઈ ગયા હતા અને ગૃહમાં ભારે હંગામો મચી ગયો હતો.
મલ્લિકાર્જુન ખરગેએ શિક્ષણનું ખાનગીકરણ અને દલિત-વંચિત બાળકોના અધિકારોનો મુદ્દો ઉઠાવતા આક્ષેપ કર્યો હતો કે, “સરકારનો વર્તમાન અભ્યાસક્રમ અને નીતિઓ મનુવાદી સોચ તરફ લઈ જઈ રહી છે.” તેમણે વિવાદિત કડીઓ ટાંકીને દાવો કર્યો હતો કે સિલેબસમાં એવી બાબતો ઉમેરાઈ રહી છે જે મનુસ્મૃતિના સમાન છે. આ નિવેદન આપતાની સાથે જ ભાજપના સાંસદોએ તીવ્ર વિરોધ નોંધાવ્યો હતો અને ‘ગુન્ડાશાઇ નહીં ચાલે’ તથા ખરગે માફી માંગે તેવા નારા લગાવ્યા હતા.
સદનના નેતા અને કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ ત્વરિત મોરચો સંભાળતા કહ્યું હતું કે, “વિપક્ષના નેતાએ ગૃહમાં જે વાત કહી છે તે તથ્યોથી સાવ પરે છે. જો તેઓ મનુસ્મૃતિને ટાંકી રહ્યા હોય તો તેમણે મૂળ ટેક્સ્ટ સદન સમક્ષ મૂકીને પોતાની વાત ઓથેન્ટિકેટ (પ્રમાણિત) કરવી જોઈએ.” ભારે હોબાળા અને વિપક્ષ-સત્તાપક્ષ વચ્ચેની તીખી બહેસ બાદ, રાજ્યસભાના સભાપતિએ મલ્લિકાર્જુન ખરગે દ્વારા મનુસ્મૃતિ અંગે કરવામાં આવેલા તમામ વિવાદિત શબ્દોને સંસદીય કાર્યવાહીના રેકોર્ડમાંથી હટાવવાની (Expunge) જાહેરાત કરી હતી.
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
