<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

એન્ટિલિયા વિસ્ફોટક કૌભાંડ અને મનસુખ હિરેન હત્યાકેસ: સચિન વાઝેના જામીન સામે NIA ની અરજી પર બોમ્બે હાઇકોર્ટે આદેશ અનામત રાખ્યો

હાઇકોર્ટે પૂછ્યું- 'જામીન મળશે તો વાઝે ફરીથી સેવામાં જોડાશે?'; વકીલે સ્પષ્ટતા કરતા કહ્યું કે બરતરફ કરાયા હોવાથી સેવા પુનઃપ્રાપ્તિ અશક્ય

મુંબઈ : વર્ષ ૨૦૨૧ ના ચર્ચાસ્પદ એન્ટિલિયા વિસ્ફોટક પ્રકરણ અને વેપારી મનસુખ હિરેન હત્યાકેસમાં મુંબઈ પોલીસના બરતરફ અધિકારી સચિન વાઝેના જામીનને લઈને બોમ્બે હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને નીલા ગોખલેની ડિવિઝન બેન્ચે શુક્રવારે સચિન વાઝેને વિશેષ કોર્ટ દ્વારા અપાયેલા જામીન સામે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા કરવામાં આવેલી અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે.

 

સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અત્યંત રસપ્રદ સવાલ ઉઠાવતા પૂછ્યું હતું કે, "જો આરોપી સચિન વાઝેને જામીન પર મુક્ત કરવામાં આવે તો શું તે ફરીથી પોલીસ સેવામાં જોડાશે?" અદાલતે નોંધ્યું હતું કે ૨૦૨૦માં વાઝેને સેવામાં પાછા લેવામાં આવ્યા તે પહેલાં કસ્ટોડિયલ ડેથ કેસના કારણે તેમને ૧૭ વર્ષ સુધી સસ્પેન્ડ રાખવામાં આવ્યા હતા. હાઈકોર્ટના આ પ્રશ્નના જવાબમાં વાઝેના એડવોકેટ વી. એમ. થોરાતે સ્પષ્ટતા કરી હતી કે આ બે ગંભીર કેસોમાં ધરપકડ થયા બાદ વાઝેને સેવામાંથી કાયમી ધોરણે બરતરફ કરવામાં આવ્યા હોવાથી તેમનું ફરી સેવામાં જોડાવું શક્ય નથી.

 

ઉલ્લેખનીય છે કે વિશેષ અદાલતે વાઝેના જામીન મંજૂર કર્યા બાદ એનઆઈએ (NIA) એ તેના પર સ્ટે મેળવવા માટે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. હાઈકોર્ટે વચગાળાનો સ્ટે આપ્યો હોવાને કારણે સચિન વાઝે હજુ પણ થાણે સેન્ટ્રલ જેલમાં બંધ છે. શુક્રવારે એનઆઈએ વતી એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે પોતાની દલીલો રજૂ કરી હતી.

 

પ્રકરણની પૃષ્ઠભૂમિ જોઈએ તો, ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દક્ષિણ મુંબઈ સ્થિત નિવાસસ્થાન 'એન્ટિલિયા' નજીક પાર્ક કરેલી એક એસયુવી (SUV) કારમાંથી વિસ્ફોટકો મળી આવ્યા હતા. ત્યારબાદ તે કાર ધરાવતા થાણેના વેપારી મનસુખ હિરેનનો મૃતદેહ ૫ માર્ચ ૨૦૨૧ ના રોજ મુંબ્રા રેતી બંદર નજીકથી મળી આવતા સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો.

 

અંતમાં, બોમ્બે હાઈકોર્ટનો આ અનામત રખાયેલો આદેશ નક્કી કરશે કે આ હાઈ-પ્રોફાઈલ કેસના મુખ્ય આરોપી સચિન વાઝે જેલના સળિયા પાછળ જ રહેશે કે પછી તેમને જામીન પર મુક્ત કરવામાં આવશે.

 

(8:40 PM IST)