<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

અનુપમ ખેરે ઉત્તરાખંડના મંત્રી પર સાધ્યું નિશાન: દલેર મહેંદી વિવાદ પર પૂછ્યું, "શું જાહેરમાં અપમાન કરવું ખરેખર જરૂરી હતું?"

પ્રખ્યાત ગાયક દલેર મહેંદી સાથે સ્ટેજ પર થયેલા વિવાદ બાદ વેટરન અભિનેતા અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી છે અને કલાકારોના સન્માનને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

નવી દિલ્હી, તા.21: ઉત્તરાખંડમાં આયોજિત એક સાંસ્કૃતિક અને પ્રવાસન મેળા દરમિયાન પ્રખ્યાત પંજાબી ગાયક દલેર મહેંદી અને રાજ્યના કેબિનેટ મંત્રી સુબોધ ઉનિયાલ વચ્ચે સર્જાયેલા વિવાદે હવે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે આ ઘટનાની આકરા શબ્દોમાં ટીકા કરી છે અને જાહેરમાં કલાકારના થયેલા અપમાન સામે સવાલો ઉઠાવ્યા છે.

ઘટનાની વિગતો મુજબ, ઉત્તરાખંડના ટેહરી ગઢવાલ ખાતે યોજાયેલા વાર્ષિક 'સિદ્ધપીઠ માં કુંજાપુરી પ્રવાસન અને વિકાસ મેળા'માં દલેર મહેંદીનું પર્ફોર્મન્સ હતું. આ દરમિયાન સ્ટેજ પર મંત્રી સુબોધ ઉનિયાલે ગાયકની પ્રસ્તુતિ સામે સવાલો ઉઠાવ્યા હતા અને તેઓ લિપ-સિંક કરી રહ્યા હોવા તેમજ નશાની હાલતમાં હોવાના આક્ષેપો કર્યા હતા. આ ઓન-સ્ટેજ ટકરાવનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ભારે હોબાળો મચ્યો હતો.

આ મામલે પ્રતિક્રિયા આપતા અભિનેતા અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી કે, "મેં એક વીડિયો જોયો જેમાં એક મંત્રી સ્ટેજ પર દલેર મહેંદીજી સાથે વાત કરી રહ્યા હતા. જે રીતે તેમની સાથે વાત કરવામાં આવી તે જોઈને ખૂબ જ દુઃખ થયું. હું દલેરજીને ઘણા વર્ષોથી ઓળખું છું અને એ પણ જાણું છું કે છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત સારી નથી રહેતી."

તેમણે આગળ મંત્રીને સવાલ કરતા લખ્યું, "મંત્રીજી, તમને તેમની પ્રસ્તુતિ કે પર્ફોર્મન્સ સામે ફરિયાદ હોઈ શકે છે, તમારો ગુસ્સો પણ સ્વાભાવિક હોઈ શકે છે, પરંતુ શું બધાની સામે સ્ટેજ પર જઈને આ રીતે તેમનું અપમાન કરવું ખરેખર જરૂરી હતું? આ જ વાત અલગથી બેસીને આદરપૂર્વક પણ કહી શકાઈ હોત." અનુપમ ખેરે ઉમેર્યું હતું કે છેલ્લા ૩૦-૩૫ વર્ષથી પોતાના ગીતોથી લોકોના જીવનમાં ખુશીઓ લાવનાર કલાકારના દાયકાઓની મહેનત અને યોગદાનનું સન્માન થવું જોઈએ.

અગાઉ આ વિવાદ પર પ્રતિક્રિયા આપતી વખતે દલેર મહેંદીના ભાઈ અને ગાયક મિકા સિંહે પણ સ્પષ્ટતા કરી હતી કે તેમના ભાઈ છેલ્લા બે વર્ષથી બીમાર છે અને હજુ પણ સ્વસ્થ થઈ રહ્યા છે. તેમણે સ્પષ્ટપણે નકાર્યું હતું કે દલેર મહેંદીએ આલ્કોહોલનું સેવના કર્યું હતું, અને કલાકારો સાથે થતા આવા વ્યવહાર સામે ચિંતા વ્યક્ત કરી હતી.

(4:37 PM IST)