<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

લેખિતમાં ભાડા કરાર વિના કોઈપણ મકાન-જગ્‍યા ભાડે આપી શકાશે કે લઈ શકાશે નહીં

વિધાનસભાના ચોમાસું સત્રમાં મકાન માલિક અને ભાડૂઆતની જવાબદારી નક્કી કરતું વિધેયક લવાશેઃ બંનેના હિતોની સુરક્ષા : શહેરી વિસ્‍તારોમાં લાખો મકાન ખાલી રહેતા મકાન માલિકોને જગ્‍યા ભાડે આપવા વિશ્‍વાસ ઉભો થાય તેવી પણ જોગવાઇઓ હશે

અમદાવાદ તા.૩: અત્‍યાર સુધી મકાન ભાડૂઆતની તરફેણમાં રહેતા કાયદા બાદ મોટાપાયે અનેક મકાન માલિકો તેમની મિલકતનો કબજો ગુમાવવાના ભયે ખાસ કરીને શહેરી વિસ્‍તારોમાં લાખો મકાનો ખાલી રાખતા હતા, પરંતુ ભાડે આપતા નહોતા. તેવી પરિસ્‍થિતિ બાદ હવે રાજ્‍ય સરકાર મકાન માલિકોને તેમના મકાન કે જગ્‍યા ભાડે આપવા માટેનો વિશ્વાસ ઊભો થાય તે માટે ભાડા કરારનું જડબેસલાક નિયમન થાય અને બંનેના અધિકારો અને જવાબદારી સંતુલિત બને તે રીતે વિધાનસભામાં વિધેયક લાવવા જઈ રહી છે. વિધેયકમાં મકાન માલિક અને ભાડૂઆત વચ્‍ચે કોઈ વિવાદ હોય તો ભાડા સત્તાધિકારી, ભાડા કોર્ટ અને ભાડા ટ્રિબ્‍યુનલની નિમણૂક કરવાની જોગવાઈ પણ રખાઈ છે.

વિધાનસભાના ચોમાસું સત્રમાં શહેરી વિકાસ વિભાગ તરફથી મકાન (જગ્‍યા) ભાડે આપવાનું નિયમ કરવા અને મકાન માલિક તથા ભાડૂઆતના હિત સંબંધોનું રક્ષણ કરવા માટે ભાડા સત્તામંડળની સ્‍થાપના કરવા અને તકરારોના નિવારણ માટે ઝડપી ન્‍યાય મળે તે સહિતની વ્‍યવસ્‍થાની જોગવાઈ કરવાનું વિધેયક રજૂ કરવામાં આવશે. જૂના ભાડા કાયદામાં સુધારો કરવા ભારત સરકારે નમૂનારૂપ ભાડૂત હક અધિનિયમ (એમટીએ) ૨૦૨૧માં ઘડયો હતો. તેને અનુરૂપ કાયદો રાજ્‍ય સરકાર ઘડવા જઈ રહી છે. આ કાયદો અમલી બન્‍યા બાદ હાલ અમલી હોય તેવી કોઈપણ જોગવાઈ છતાં લેખિતમાં ભાડા કરાર કર્યા વગર કોઈપણ મકાન (જગ્‍યા) ભાડે આપી શકાશે નહીં કે લઈ શકાશે નહીં. ભાડા સત્તાધિકારીને ભાડા કરારની તારીખથી બે મહિનાની મુદતમાં નિર્દિષ્ટ નમૂના મુજબ તેની જાણ મકાન માલિક અને ભાડૂઆતે સંયુક્‍ત રીતે કરવાની રહેશે. આ માટે ડિજિટલ પ્‍લેટફોર્મ ઊભું કરાશે. વિધેયકની અન્‍ય જોગવાઈઓમાં પરસ્‍પર સહમતિ હોય તો મકાન માલિક અને ભાડૂઆત નવો ભાડા કરાર કરી શકશે. જો કરાર રિન્‍યૂ ન કરાય કે તે પછી જગ્‍યા ખાલી ન કરાય તો મકાન માલિકને વધારાનું ભાડુ ચૂકવવાનું રહેશે. જો યુદ્ધ, પૂર, વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ હોય તો તેવી દુર્ઘટનાની સમાપ્તિના એક મહિના સુધી ભાડૂઆતને જગ્‍યાનો કબજો ચાલુ રાખવા પરવાનગી આપવી પડશે.

 ભાડૂઆત પૂરક કરાર કર્યો હોય તે સિવાય સંપૂર્ણ મકાન (જગ્‍યા) કે તેનો ભાગ પેટા ભાડે આપી શકશે નહીં. ત્રણ મહિનાથી વધુ રકમની ડિપોઝિટ લઈ શકાશે નહીં. દરેક મકાનમાલિક કે પ્રોપર્ટી મેનેજરે ભાડૂઆતને નોટિસ આપ્‍યા બાદ જાણ કરી શકશે, પરંતુ કોઈપણ વ્‍યક્‍તિ સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્‍ત પછી જગ્‍યામાં પ્રવેશ કરી શકશે નહીં.

તો ભાડુઆતે બે ગણું ભાડું ચૂકવવું પડશેઃ ભાડુઆત ભાડા કરાર અનુસાર તે પૂર્ણ થયા બાદ જગ્‍યા ખાલી કરવામાં નિષ્‍ફળ જાય ત્‍યારે મકાન માલિકને માસિક ભાડાથી બે  ગણી રકમ ચૂકવવા જવાબદાર રહેશે. મકાન માલિક કે પ્રોપર્ટી મેનેજર ભાડૂઆતની જગ્‍યામાં કોઈપણ આવશ્‍યક સેવા કે પુરવઠો અટકાવી શકશે નહીં. ચોક્કસ સંજોગોમાં ભાડું ચૂકવવામાં નિષ્‍ફળતાના કારણે મકાન ખાલી કરાવી શકાશે નહીં, પરંતુ આ રાહત પછી બે મહિના સળંગ ભાડું નહીં ચૂકવાય તો ખાલી કરાવી શકાશે.

મકાનમાં ખાલી જગ્‍યાનો સમાવેશ થતો હોય તો ખાસ જોગવાઈઃ ભાડા માટે આપેલી કોઈ મકાનમાં ખાલી જગ્‍યાનો સમાવેશ થતો હોય તો તે માટે ખાસ જોગવાઈ કરાઈ છે. જેમાં તે માટે સમયે અમલમાં હોય તેવા નગરપાલિકાના પેટા કાયદા હેઠળ રહેણાક માટે અથવા કોઈ અન્‍ય હેતુ કોઈ મકાન બાંધવાનું પરવાનગીપાત્ર હોય અને આવું મકાન બાંધવા માગતો હોય તેવો મકાનમાલિક ભાડા કરારના આધારે ભાડૂઆત પાસેથી તેનો કબજો મેળવી શકે તેમ ન હોય ત્‍યારે મકાન માલિક અથવા મકાન માલિકના મૃત્‍યુના કિસ્‍સામાં વારસદારો ભાડા કોર્ટ સમક્ષ અરજી કરી શકશે.

(10:31 AM IST)