News of Friday, 4th September 2026
એપલનો પહેલો ફોલ્ડેબલ આઈફોન અલ્ત્રા અત્યંત મર્યાદિત જથ્થામાં ઉપલબ્ધ થશે, કડક ગુણવત્તા ધોરણોને કારણે દરરોજ માત્ર થોડાસો યુનિટનું જ ઉત્પાદન થઈ રહ્યું છે
સખત ગુણવત્તા નિયંત્રણને કારણે એપલના પ્રથમ ફોલ્ડેબલ આઈફોનનું ઉત્પાદન મર્યાદિત છે અને તેને આ વર્ષે સપ્ટેમ્બરમાં આઈફોન 18 પ્રો લાઇનઅપની સાથે રજૂ કરવામાં આવે તેવી અપેક્ષા છે.

મુંબઈ: વૈશ્વિક ટેકનોલોજી કંપની એપલના પ્રથમ બહુપ્રતિક્ષિત ફોલ્ડેબલ આઈફોનનું ઉત્પાદન પ્રારંભિક તબક્કામાં અત્યંત સીમિત બની ગયું છે અને હાલ દરરોજ માત્ર થોડાક સો યુનિટ્સનું વિનિર્માણ થઈ રહ્યું છે. નિક્કેઈ એશિયાના અહેવાલ મુજબ, ઉત્પાદનની આ ધીમી ગતિ પાછળ કોઈ સ્પેરપાર્ટ્સ કે કમ્પોનન્ટ્સની અછત જવાબદાર નથી, પરંતુ એપલના પ્રોડક્ટ ક્વોલિટી ચેકિંગના અત્યંત આકરા અને કડક ધોરણો છે. તાઈપેઈથી ચેંગ ટિંગ-ફાંગ અને લાઉલી લીના રિપોર્ટ અનુસાર, એપલ અને તેના સપ્લાયર્સ આ હાઈ-ટેક ડિવાઈસનું ઉત્પાદન ઝડપી બનાવવા સતત પ્રયાસો કરી રહ્યા છે.
ઉત્પાદનમાં વિલંબનું મુખ્ય કારણ ઉપકરણની મજબૂતાઈ અને બનાવટની ગુણવત્તા અંગે એપલ દ્વારા નક્કી કરાયેલા ચુસ્ત માપદંડો છે. આ જ કારણે શરૂઆતના મેન્યુફેક્ચરિંગ ફેઝમાં દૈનિક ઉત્પાદન માત્ર અમુક સો યુનિટ સુધી સીમિત રહ્યું છે. એપલના વિશાળ પ્રોડક્શન સ્કેલની સરખામણીએ આ આંકડો ખૂબ નાનો છે, કારણ કે કંપનીએ વર્ષ ૨૦૨૬ના બીજા છમાસિક ગાળામાં જ આશરે ૮ કરોડ સ્માર્ટફોન તૈયાર કરવાનો ટાર્ગેટ સપ્લાયર્સને આપ્યો છે. જેમાં આઈફોન ૧૮ પ્રો, આઈફોન ૧૮ પ્રો મેક્સ અને આ નવો ફોલ્ડેબલ મોડેલ શામેલ છે, જ્યારે સમગ્ર વર્ષનું કુલ ઉત્પાદન ૨૨૦ મિલિયન યુનિટ્સથી વધુ રહેવાની ધારણા છે.
આ ફોલ્ડેબલ આઈફોનની લોન્ચિંગ પ્રક્રિયા પડકારોથી ભરેલી રહી છે. એપ્રિલ મહિનામાં ટેસ્ટિંગ પ્રોડક્શન દરમિયાન એપલને કેટલીક ઈજનેરી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, જેનાથી માસ પ્રોડક્શન પર સવાલો ઊભા થયા હતા. જોકે, બ્લૂમબર્ગના માર્ક ગુરમેને સ્પષ્ટ કર્યું હતું કે આ ડિવાઈસ સપ્ટેમ્બરમાં આઈફોન ૧૮ પ્રો અને પ્રો મેક્સ સાથે લૉન્ચ કરવાના નક્કી કરેલા સમયપત્રક મુજબ જ આગળ વધી રહ્યું છે, જોકે નવી ટેકનોલોજીના કારણે શરૂઆતી સપ્લાય થોડા અઠવાડિયા માટે મર્યાદિત રહી શકે છે.
જુલાઈ મહિના સુધીમાં પરિસ્થિતિ સુધરતાં એપલે આ મોડેલ માટે પોતાનો પ્રોડક્શન ટાર્ગેટ વધારીને ૧૦ મિલિયન યુનિટ્સ સુધી પહોંચાડ્યો છે, જે અગાઉ ૭ થી ૮ મિલિયન યુનિટ્સ અંદાજવામાં આવ્યો હતો. આ વધારો એવા સમયે થયો છે જ્યારે સમગ્ર સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રી મેમરી ચિપની અછતનો સામનો કરી રહી છે અને શાઓમી, ઓપ્પો તથા વીવો જેવી હરીફ કંપનીઓને પોતાના ઉત્પાદનમાં કાપ મૂકવો પડ્યો છે.
એપલના આ પ્રથમ ફોલ્ડેબલ આઈફોનમાં બુક-સ્ટાઈલ ડિઝાઈન હોવાની શક્યતા છે, જેમાં ૭.૮ ઈંચની ઈનર ડિસ્પ્લે અને ૫.૫ ઈંચની કવર સ્ક્રીન જોવા મળશે. આ હેન્ડસેટ લિક્વિડમેટલ હિંજ મિકેનિઝમ, A20 ચિપ અને એપલના પોતાના સી૨ મોડેમ પર કામ કરશે, જ્યારે ફેસ આઈડીના સ્થાને પાવર બટનમાં ટચ આઈડી આપવામાં આવશે. સેમસંગ ડિસ્પ્લે આના ફોલ્ડેબલ પેનલનું એકમાત્ર સપ્લાયર રહેશે. વિશ્લેષકોના મતે તેની કિંમત ૨,૦૦૦ ડૉલરથી લઈને ૩,૦૦૦ ડૉલર (આશરે રૂ. ૧.૬૫ લાખથી ૨.૫૦ લાખ) ની વચ્ચે હોઈ શકે છે.
(6:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
