<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

ભારતીય આકાશમાં અરેબિયન પાંખોનો દબદબો: સાઉદી અરેબિયાની પ્રખ્યાત 'ફ્લાયડીલ' એરલાઇન્સે ભારતમાં કરી ધમાકેદાર એન્ટ્રી, હૈદરાબાદ-રિયાધ સીધી દૈનિક ફ્લાઇટનો પ્રારંભ

બજેટ ફ્રેન્ડલી એરલાઇન્સના આગમનથી મધ્ય પૂર્વના દેશો સાથેનું કનેક્ટિવિટી નેટવર્ક બનશે વધુ મજબૂત; મુસાફરો, વેપારીઓ અને પ્રવાસીઓ માટે સસ્તા પ્રવાસના ખુલ્યા નવા દ્વાર

હૈદરાબાદ : ભારતીય ઉડ્ડયન ક્ષેત્ર (એવિએશન માર્કેટ) વિશ્વભરની વિદેશી એરલાઇન્સ કંપનીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે, ત્યારે આ કડીમાં વધુ એક મોટો આંતરરાષ્ટ્રીય ઉમેરો થયો છે. સાઉદીયા ગ્રુપની ખૂબ જ ઝડપથી લોકપ્રિય થઈ રહેલી અને ઓછી કિંમતના ભાડા માટે જાણીતી (Low-Cost Carrier) એરલાઇન્સ કંપની 'ફ્લાયડીલ' (flyadeal) એ સત્તાવાર રીતે ભારતીય ઉડ્ડયન બજારમાં પોતાનો પહેલો કદમ મૂકી દીધો છે. હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્લાયડીલના પ્રથમ વિમાનના સફળ લેન્ડિંગની સાથે જ ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેના આકાશી સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. GMR હૈદરાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (GHIAL) દ્વારા સોમવારે જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, રિયાધથી ઉડેલી આ પ્રથમ ઐતિહાસિક ફ્લાઇટ ગત ૪ જુલાઈના રોજ હૈદરાબાદ ખાતે આવી પહોંચી હતી, જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ નવા આંતરરાષ્ટ્રીય જોડાણ અંતર્ગત એરલાઇન્સ કંપની તેના આધુનિક એરબસ એ-૩૨૦ (Airbus A320) એરક્રાફ્ટ દ્વારા રિયાધ-હૈદરાબાદ-રિયાધ રૂટ પર નિયમિત ધોરણે સીધી દૈનિક (Daily) ફ્લાઇટ કામગીરીનું સંચાલન કરશે. એવિએશન નિષ્ણાતોના મતે, આ વિકાસથી રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ વૈશ્વિક સ્તરે એક અગ્રણી ઉડ્ડયન હબ તરીકે વધુ મજબૂત બનશે અને મધ્ય પૂર્વ (મિડલ ઇસ્ટ) ના દેશો સાથેના ભારતના વ્યવસાયિક સંબંધોને નવી ગતિ મળશે. હાલમાં હૈદરાબાદ એરપોર્ટ દુનિયાભરના ૭૬ સ્થાનિક અને ૨૪ આંતરરાષ્ટ્રીય મહત્વના સ્થળો સાથે સીધું જોડાયેલું છે, જેમાં ફ્લાયડીલનો ઉમેરો થતાં ગલ્ફ દેશોમાં જતા પ્રવાસીઓ માટે હવે મુસાફરી વધુ સસ્તી અને સરળ બની રહેશે.
બંને દેશોના ઉચ્ચ અધિકારીઓએ વ્યક્ત કર્યો ભારે આનંદ આ ભવ્ય લોન્ચિંગ પ્રસંગે GHIAL ના સીઈઓ (CEO) કાધિર કાધિરવાને ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, "ભારતીય બજારમાં ફ્લાયડીલના આ પ્રથમ પ્રવેશનું હૈદરાબાદ ખાતે સ્વાગત કરતાં અમને અત્યંત ગર્વ થાય છે. રિયાધ સાથેનું આ નવું જોડાણ અમારા મધ્ય પૂર્વના હવાઈ નેટવર્કને મોટા પાયે વિસ્તૃત કરશે." બીજી તરફ, ફ્લાયડીલના ચીફ કોમર્શિયલ ઓફિસર લોયડ મિસ્ક્વિટ્ટાએ આ માઇલસ્ટોન પર વાત કરતાં કહ્યું કે, "ભારત એ વિશ્વના સૌથી ગતિશીલ અને ઝડપથી વિકસતા ઉડ્ડયન બજારોમાંનું એક છે. રિયાધ અને હૈદરાબાદ વચ્ચે આ સીધી દૈનિક કનેક્ટિવિટી સ્થાપિત કરવા માટે GMR ગ્રુપ સાથે ભાગીદારી કરીને અમે ખુશ છીએ, જે સાઉદી અરેબિયા અને ભારત વચ્ચે વિદેશમાં વસતા નોકરીયાતો, વ્યવસાયિકો અને પ્રવાસન ક્ષેત્રની વધતી જતી માંગને આસાનીથી પૂરી કરશે."

(7:25 PM IST)