<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિએ ટ્રમ્પનું આમંત્રણ નકાર્યું :અંધશ્રધાનાં કારણે મેચ જોવા માટે સ્ટેડિયમમાં આવવાની સ્પષ્ટ ના પાડી

તેમણે કહ્યું, સ્વિટ્ઝર્લેન્ડ સામેની ક્વાર્ટર ફાઇનલ મેચ વખતે મેં જેકેટ ઉતાર્યું અને તરત જ અમારી સામે ગોલ થઈ ગયો! મેં તરત જ જેકેટ પાછું પહેરી લીધું અને પછી ક્યારેય ન ઉતાર્યું: આર્જેન્ટિનાનું અનોખું ફૂટબોલ કલ્ચર અને 'કાબાલા'

દુનિયાના સૌથી મોટા ફૂટબોલ મહાકુંભ ફિફા વર્લ્ડ કપની ફાઇનલ મેચ રવિવારે ન્યૂ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમમાં રમાવાની છે, જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાનો સામનો સ્પેન સામે થશે. કેપ્ટન લિઓનેલ મેસ્સીની નજર સતત બીજી વખત આ ખિતાબ જીતવા પર છે. આ મહામુકાબલાને જોવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફિફા પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનોએ આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર માઇલીને ખાસ આમંત્રણ આપ્યું હતું, પરંતુ માઇલીએ સ્ટેડિયમમાં આવવાની સ્પષ્ટ ના પાડી દીધી છે.

રાષ્ટ્રપતિ જેવિયર માઇલીએ આટલું મોટું આમંત્રણ કેમ ઠુકરાવ્યું તેની પાછળ એક ખૂબ જ રસપ્રદ કારણ છે. આર્જેન્ટિનાના ફૂટબોલ કલ્ચરમાં અંધશ્રદ્ધા ખૂબ ઊંડે સુધી જોડાયેલી છે, જેને ત્યાંની સ્થાનિક ભાષામાં કાબાલા કહેવામાં આવે છે. જ્યારે ટીમ સતત જીતતી હોય ત્યારે વાચકો અને ચાહકો કોઈને કોઈ ચોક્કસ આદત પુનરાવર્તિત કરે છે - જેમ કે એક જ જગ્યાએ બેસવું, મેચ દરમિયાન હલનચલન ન કરવી અથવા જર્સી ન ધોવી. આ જ અંધશ્રદ્ધા હવે રાષ્ટ્રપતિ માઇલીને સ્ટેડિયમમાં જતા રોકી રહી છે.

બ્યુનસ આયર્સના એક સ્થાનિક રેડિયો સ્ટેશન સાથે વાત કરતા 55 વર્ષના રાષ્ટ્રપતિ માઇલીએ કહ્યું કે, એવું બિલકુલ બની ન શકે કે તેઓ ફાઇનલ જોવા માટે પોતાનું રાષ્ટ્રપતિ નિવાસસ્થાન ઓલિવોસ છોડીને અમેરિકા જાય. તેમણે એક કિસ્સો શેર કરતા કહ્યું, સ્વિટ્ઝર્લેન્ડ સામેની ક્વાર્ટર ફાઇનલ મેચ વખતે ઠંડી હોવાથી મેં જેકેટ પહેર્યું હતું. મેચ દરમિયાન ગરમી લાગતા મેં જેકેટ ઉતાર્યું અને તરત જ અમારી સામે ગોલ થઈ ગયો! મેં તરત જ જેકેટ પાછું પહેરી લીધું અને પછી ક્યારેય ન ઉતાર્યું. બસ આ જ કારણે હું ઓલિવોસથી જ મેચ જોઈશ જેથી મારી કોઈ ભૂલથી ટીમ હારી ન જાય.

આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિઓ વર્લ્ડ કપની મહત્વની મેચો લાઈવ જોવાનું ટાળે છે જેથી ટીમ પર કોઈ ખરાબ નજર (Bad Luck) ન પડે. આ પરંપરા 1990ના વર્લ્ડ કપથી ચાલી આવે છે. તે સમયે તત્કાલીન રાષ્ટ્રપતિ કાર્લોસ મેનેમ આર્જેન્ટિનાની ટીમને મળવા ગયા હતા અને તેના તરત જ પછી ટીમને કેમરૂન સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારથી અત્યાર સુધી આર્જેન્ટિનાના કોઈ પણ ચાલુ રાષ્ટ્રપતિએ સ્ટેડિયમમાં જઈને રાષ્ટ્રીય ટીમની મેચ જોઈ નથી.

આર્જેન્ટિનાની ટીમ હવે ઇતિહાસ રચવાના આરે છે. જો ટીમ આ ફાઇનલ જીતશે, તો તે બેક-ટુ-બેક વર્લ્ડ કપ જીતનારી વિશ્વની ત્રીજી ટીમ બની જશે. અગાઉ 2022નો ફિફા વર્લ્ડ કપ પણ મેસ્સીની કેપ્ટનશીપ હેઠળ આર્જેન્ટિનાએ જીત્યો હતો. આ ચાલુ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં આર્જેન્ટિનાએ ઇંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી છે.

(11:56 PM IST)