News of Sunday, 8th November 2026
શાજાપુરમાં કબ્રસ્તાનની જમીન મુદ્દે બે જૂથો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું: પથ્થરમારો અને ગોળીબારમાં ૨૬ ઘાયલ
હિંસક તોડફોડમાં મહિલાઓ સહિત ૯૦ વર્ષીય વૃદ્ધ ઝપેટમાં આવ્યા, પોલીસે બંને પક્ષની ફરિયાદોના આધારે ૩૯ લોકો સામે ફાડી એફઆઈઆર

ભોપાલ:મધ્ય પ્રદેશના શાજાપુરથી આશરે ૧૨ કિલોમીટર દૂર આવેલા તાપકા બસંતપુર ગામમાં રવિવારે સવારે જમીન વિવાદે લોહિયાળ રૂપ ધારણ કર્યું હતું. અહીં આવેલી કબ્રસ્તાનની જમીન પર કબજો અને હક બાબતે બે અલગ-અલગ જૂથો સામસામે આવી જતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. જોતજોતામાં વાતાવરણ તંગ બની ગયું હતું અને બંને પક્ષો વચ્ચે સામસામે બેફામ પથ્થરમારો તથા ગોળીબાર શરૂ થઈ ગયો હતો. આ હિંસક અથડામણ અને તોડફોડની ઘટનામાં મહિલાઓ તેમજ એક ૯૦ વર્ષીય વૃદ્ધ સહિત કુલ ૨૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ઘટનાની વિગતવાર માહિતી મુજબ, જમીનના વિવાદમાં ઉશ્કેરાયેલા બંને જૂથોના ટોળાં હથિયારો સાથે સામસામે આવી ગયા હતા, જેમાં એક જૂથના ૧૧ અને બીજા જૂથના ૧૫ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અચાનક થયેલા ગોળીબાર અને પથ્થરમારાને કારણે ગામમાં ભાગદોડ મચી ગઈ હતી અને ગ્રામજનો પોતાના ઘરોમાં કેદ થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ પોલીસનો વિરાટ કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગામમાં ફેલાયેલા ભારે તણાવને ધ્યાનમાં રાખીને કોઈ અપ્રિય બનાવ ન બને તે માટે મોટા પાયે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ હિંસક અકસ્માત અને ઝઘડા સંદર્ભે પોલીસે બંને જૂથો દ્વારા કરવામાં આવેલી સામસામેની ફરિયાદોને આધારે કાયદાકીય કાર્યવાહી કરતા કુલ ૩૯ લોકો સામે નામજોગ FIR દાખલ કરી છે. હાલમાં ગામમાં સન્નાટો છવાયેલો છે અને પોલીસ દ્વારા વિસ્તારમાં સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.
આ પંથકમાં જમીન સંબંધિત વિવાદોને કારણે ભૂતકાળમાં પણ જૂથ અથડામણોના બનાવો બની ચૂક્યા છે, જેને પગલે પ્રશાસને હવે કડક વલણ અપનાવ્યું છે. હાલની શાંતિપૂર્ણ પરંતુ તંગ પરિસ્થિતિને જોતાં વિવાદિત જમીનની માપણી અને મહેસૂલી તપાસ તેજ કરવામાં આવી છે, જ્યારે ગોળીબાર અને હિંસામાં સંકળાયેલા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની વિશેષ ટીમો બનાવી દરોડા પાડવાની આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
(2:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
