<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

લશ્‍કર કમાન્‍ડર શેખ યુસુફ આફ્રિદીની સરેઆમ હત્‍યા

પાકિસ્‍તાનમાં આતંકીનો ખાતમો! : આફ્રિદી ISIS માટે લડવૈયાઓની ભરતી કરવાનું મુખ્‍ય કામ કરતો હતો

ખૈબર પખ્‍તુનખ્‍વા,તા.૨૭: પાકિસ્‍તાનના ખૈબર પખ્‍તુનખ્‍વાના લાન્‍ડી કોટલ વિસ્‍તારમાં લશ્‍કર-એ-તૈયબાના કમાન્‍ડર શેખ યુસુફ આફ્રિદીની અજાણ્‍યા હુમલાખોરોએ હત્‍યા કરી છે. આફ્રિદી ISIS માટે લડવૈયાઓની ભરતી કરવાનું મુખ્‍ય કામ કરતો હતો. આતંકવાદી સંગઠનો વચ્‍ચેના સેતુ સમાન આ નેતાના મોતથી આતંકી નેટવર્કને મોટો ઝટકો લાગ્‍યો છે. હજુ સુધી કોઈ સંગઠને આ હત્‍યાની જવાબદારી સ્‍વીકારી નથી અને તપાસ ચાલુ છે.

શેખ યુસુફ આફ્રિદી માત્ર એક આદિવાસી વડીલ તરીકે જ ઓળખાતો નહોતો, પરંતુ તે અહલે હદીસ (સલાફી) વિચારધારાનો એક અત્‍યંત પ્રભાવશાળી વિદ્વાન માનવામાં આવતો હતો. તે ઝખા ખેલ જનજાતિનો એક વગદાર સભ્‍ય હતો અને આ ધાર્મિક ઓળખની આડમાં તે ઉગ્રવાદનું મોટું નેટવર્ક ચલાવતો હતો. અહેવાલો મુજબ, આફ્રિદી લશ્‍કર-એ-તૈયબાની અંદર એક મહત્‍વના પદ પર હતો અને સાથે સાથે ‘ઈસ્‍લામિક સ્‍ટેટ ખોરાસાન પ્રાંત' (ISKP) માટે નવા લડવૈયાઓની ભરતી કરવાનું મુખ્‍ય કેન્‍દ્રબિદુ હતો. તેના દ્વારા ભરતી કરાયેલા લડવૈયાઓ આંતરરાષ્ટ્રીય સ્‍તરે આતંકવાદ ફેલાવવાનું કામ કરતા હતા.

આ હત્‍યાને આતંકી સંગઠનો વચ્‍ચેના એક મહત્‍વના 'સેતુ' ના અંત તરીકે જોવામાં આવે છે. આફ્રિદી પર આરોપ હતો કે તે ખૈબર પખ્‍તુનખ્‍વા વિસ્‍તારમાંથી યુવાનોને ગેરમાર્ગે દોરીને તેમની ભરતી કરતો હતો અને ત્‍યારબાદ તેમને અફઘાનિસ્‍તાન મોકલતો હતો. અફઘાનિસ્‍તાનમાં તે તાલિબાન વિરુદ્ધ ISIS ને મજબૂત કરવા માટે આ લડવૈયાઓનો ઉપયોગ કરતો હતો. આફ્રિદીના મોતથી ISIS અને લશ્‍કર વચ્‍ચેનો તાલમેલ બગડવાની શક્‍યતા છે, જે આ વિસ્‍તારમાં કાર્યરત આતંકવાદી નેટવર્ક માટે એક મોટો ફટકો સાબિત થશે.

જાણકારોનું માનવું છે કે આ હત્‍યા પાછળ આતંકવાદી સંગઠનો વચ્‍ચેની આંતરિક દુશ્‍મનાવટ અથવા વર્ચસ્‍વની લડાઈ હોઈ શકે છે. હાલમાં અફઘાનિસ્‍તાન અને પાકિસ્‍તાનના સરહદી વિસ્‍તારોમાં ISIS અને તાલિબાન વચ્‍ચે વિચારધારાને લઈને લોહિયાળ જંગ ચાલી રહ્યો છે. આવા સમયે આફ્રિદી જેવા મોટા રિક્રુટરની હત્‍યા આ વિસ્‍તારના આતંકી નેટવર્કના સમીકરણો બદલી શકે છે. અજાણ્‍યા હુમલાખોરો ફાયરિગ કરીને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જેના કારણે સ્‍થાનિક સુરક્ષા એજન્‍સીઓ પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

હાલમાં પાકિસ્‍તાની અધિકારીઓએ આ મામલે તપાસ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી હુમલાખોરોનો કોઈ પત્તો મળ્‍યો નથી. આ ઘટનાથી આસપાસના વિસ્‍તારોમાં તણાવ વધી ગયો છે. સરહદી વિસ્‍તારોમાં વધતી જતી હિસા અને આતંકવાદીઓના આંતરિક વિખવાદે પાકિસ્‍તાન સરકાર માટે નવી સુરક્ષા ચિતાઓ ઊભી કરી છે. આફ્રિદીની હત્‍યા બાદ તેના સમર્થકો અને આતંકી જૂથો વચ્‍ચે વળતા હુમલાની ભીતિ પણ સેવાઈ રહી છે, જેના કારણે સુરક્ષા દળોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્‍યા છે

(10:31 AM IST)