<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

૫૦ જેટલા જંગલી હાથી પહોંચ્‍યા ગામડાઓમાં: ૨૪ ગામના લોકો દહેશતમાં: સાંજ પડતા ‘લોકડાઉન'

લોકોને ડર છે કે હાથી તેમના ઘરોને નુકસાન પહોંચાડી શકે છે, રાતના સમયે ઘરની બહાર નીકળવું પણ જોખમી લાગી રહ્યું છે

ગઢવા,તા.૨૬: ઝારખંડના ગઢવા જિલ્‍લાના અનેક ગામોમાં આ દિવસોમાં લોકો જંગલી હાથીઓના ડર વચ્‍ચે જીવી રહ્યા છે. છત્તીસગઢના રસ્‍તે જંગલી હાથીઓના અનેક ટોળા ગઢવાના જંગલોમાં પહોંચી ગયા છે. જેમાં લગભગ ચારથી પાંચ ડઝન હાથીઓનું એક મોટું ટોળું પણ સામેલ છે. હાથીઓની આ અવરજવરથી જિલ્‍લાના ૨૪ ગામોના લોકો પરેશાન છે. ગ્રામજનોનું કહેવું છે કે સાંજ પડતાં જ તેમણે ઘરોમાં રહેવા માટે મજબૂર થવું પડે છે. ડર એ વાતનો પણ છે કે ક્‍યાંક હાથી ઘરોમાં ઘૂસીને નુકસાન ન પહોંચાડે.

પરિસ્‍થિતિને જોતાં વન વિભાગે ચાર ક્‍વિક રિસ્‍પોન્‍સ ટીમો એટલે કે ક્‍યુઆરટી (QRT) ને એલર્ટ પર રાખી છે. હાથીઓની ગતિવિધિઓ પર નજર રાખવા માટે નિષ્‍ણાતોની બે ટીમો પણ વિસ્‍તારમાં હાજર છે. ગઢવા જિલ્‍લો છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ અને બિહારની સરહદો પાસે વસેલો છે. જંગલોથી ઘેરાયેલા આ વિસ્‍તારમાં જંગલી હાથીઓની અવરજવર ચાલતી જ રહે છે.

હાથીઓની આ ગતિવિધિઓથી ચિનિયા, રંકા, રમકંડા, ભંડરિયા, મેરાલ અને બડગઢ પ્રખંડ (તાલુકા)ના જંગલો અને આસપાસના વિસ્‍તારોમાં રહેતા લોકો ડરેલા છે. કુલ ૨૪ ગામોમાં ડરનો માહોલ છે. ગ્રામજનો માટે સૌથી મોટી મુશ્‍કેલી એ છે કે હાથીઓનું ટોળું ક્‍યારે અને કઈ તરફ પહોંચી જાય, તેનો અંદાજ લગાવવો મુશ્‍કેલ છે. લોકોને ડર છે કે હાથી તેમના ઘરોને નુકસાન પહોંચાડી શકે છે. રાતના સમયે ઘરની બહાર નીકળવું પણ જોખમી લાગી રહ્યું છે.

હાથીઓની હાજરીએ લોકોની રોજિદી જિદગી બદલી નાખી છે. ગ્રામજનોના જણાવ્‍યા મુજબ, તેઓ સવારે લગભગ ૭ વાગ્‍યાથી સાંજે ૫ વાગ્‍યા સુધીમાં જ પોતાના જરૂરી કામ પતાવવાનો પ્રયાસ કરે છે. ત્‍યાર પછી ઘરોમાં રહેવું જ સુરક્ષિત લાગે છે.

પ્રદીપ અને ચિતા દેવીએ કહ્યું કે હાથીઓની સંખ્‍યા ઘણી વધારે છે. તેમને સતત એ વાતનો ડર સતાવતો રહે છે કે ક્‍યાંક હાથી તેમના ઘરોને નુકસાન પહોંચાડીને અંદર ન ઘૂસી જાય. રાતના સમયે પણ લોકો શાંતિથી ઊંઘી શકતા નથી.

વન વિભાગ તરફથી ગ્રામજનોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. લોકોને હાથીઓથી અંતર જાળવી રાખવા અને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. હાથીઓના ટોળા નજીક જવાથી કે તેમને છંછેડવાથી પરિસ્‍થિતિ વધુ જોખમી બની શકે છે.

(10:26 AM IST)