<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th September 2026

ઇમરાન ખાનની બહેન અલીમા ખાનની ધરપકડ: ૨૭ સપ્ટેમ્બરે PTI ના રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન પહેલા લાહોરમાં કડક પોલીસ કાર્યવાહી

પાકિસ્તાન પોલીસ એલર્ટ: ઇસ્લામાબાદ સહિત દેશભરમાં સુરક્ષા બંદોબસ્ત મજબૂત કરાયો : બસ ટર્મિનલ્સ અને ગેસ્ટ હાઉસ પર નજર

ઇસ્લામાબાદ:પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) ના સ્થાપક ઇમરાન ખાનની મુક્તિ માટે ૨૭ સપ્ટેમ્બરના રોજ યોજાનારા રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન પહેલાં લાહોર પોલીસે તેમની બહેન અલીમા ખાન અને પાર્ટીના ચાર કાર્યકરોની અટકાયત કરી છે. ઓગસ્ટ ૨૦૨૩થી જેલમાં બંધ ઇમરાન ખાનની વાપસી માટે PTI દ્વારા આક્રમક આંદોલન આયોજિત કરાતા સમગ્ર ઇસ્લામાબાદ અને લાહોરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ગુપ્તચર એજન્સીઓ, કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ અને સ્પેશિયલ બ્રાન્ચને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે.


વિરોધ પ્રદર્શનને પગલે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ સહિત દેશના મુખ્ય શહેરોમાં સુરક્ષા સઘન બનાવી દેવામાં આવી છે. ‘ડોન’ સમાચારપત્રના અહેવાલ મુજબ, સેન્ટ્રલ પોલીસ ઓફિસ ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુનિશ્ચિત કરવા વિગતવાર વ્યૂહરચના ઘડી કાઢવામાં આવી છે. પોલીસે તમામ બસ ટર્મિનલ્સ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળાઓ અને હોટલો પર નજર રાખવાનું શરૂ કર્યું છે જેથી વિરોધ કરનારાઓને લોજિસ્ટિક્સ કે રહેઠાણ સગવડ ન મળી શકે. આ ઉપરાંત, પ્રદર્શનકારીઓને ખોરાક અને વાહનવ્યવહાર પૂરો પાડતા સંભવિત કોન્ટ્રાક્ટરો પર પણ સુરક્ષા એજન્સીઓ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, એપ્રિલ ૨૦૨૨ માં અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા સત્તા પરથી હટાવવામાં આવ્યા બાદ ઇમરાન ખાન સામે ડઝનબંધ કાનૂની કેસો નોંધાયા છે. PTI અને તેમના સમર્થકો આ તમામ કાર્યવાહીને રાજકીય દ્વેષથી પ્રેરિત ગણાવી રહ્યા છે, જ્યારે સરકાર અને ન્યાયિક અધિકારીઓ તેને કાનૂની પ્રક્રિયાનો ભાગ ગણાવી રહ્યા છે. ૨૭ સપ્ટેમ્બરના રોજ યોજાનારા પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ બ્રાન્ચ અને કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ ને પણ સતર્ક કરવામાં આવ્યા છે, જેથી કોઈપણ અપ્રિય ઘટનાને ટાળી શકાય.

(6:35 PM IST)