<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ચાલાકી પર યુરોપિયન યુનિયનનો મોટો ચાબુક: AI કન્ટેન્ટ છુપાવવું હવે ગુનો બનશે, નિયમો તૂટ્યા તો ૧.૫ કરોડ યુરોનો મોટો દંડ!

૨ ઓગસ્ટથી EU માં લાગુ થશે કડક AI ડિસ્કલોઝર નિયમો; ડીપફેક અને ફેક ન્યૂઝ પર લગામ કસવા વોટરમાર્ક અને લેબલિંગ ફરજિયાત, કંપનીઓને ગ્લોબલ ટર્નઓવરના ૩% સુધીનો થઈ શકે છે દંડ

બ્રસેલ્સ (યુરોપ) : હવે યુરોપિય દેશોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવા કે બનાવટી કન્ટેન્ટ છુપાવવું સરળ રહેશે નહીં. યુરોપિયન યુનિયન (EU) એ આગામી ૨ ઓગસ્ટથી એક અત્યંત કડક અને ઐતિહાસિક એક્ટ લાગુ કરવાની જાહેરાત કરી છે. આ નવા નિયમો હેઠળ તમામ ટેક કંપનીઓ અને યુઝર્સે સ્પષ્ટપણે જાહેર કરવું પડશે કે તેઓ જે કન્ટેન્ટ જોઈ રહ્યા છે, વાપરી રહ્યા છે અથવા જે ચેટબોટ સાથે વાત કરી રહ્યા છે તે AI દ્વારા જનરેટ કરવામાં આવ્યું છે.

ડીપફેક અને ડિજિટલ છેતરપિંડી પર વાગશે લગામ

યુરોપિયન યુનિયનના આ નવા કાયદાનો મુખ્ય હેતુ ડિજિટલ પ્લેટફોર્મ પર પારદર્શકતા લાવવાનો અને ડીપફેક ટેક્નોલોજીના દુરુપયોગને અટકાવવાનો છે. નિયમ મુજબ, AI ની મદદથી બનાવવામાં આવેલી કે એડિટ કરવામાં આવેલી તમામ તસવીરો, ઓડિયો, વીડિયો અને લખાણ (Text) માં સ્પષ્ટ લેબલ અથવા વોટરમાર્ક હોવું ફરજિયાત બનશે. ચીન આ પ્રકારનો લેબલિંગનો નિયમ પહેલાથી જ અમલી બનાવી ચૂક્યું છે, જ્યારે ભારત, દક્ષિણ કોરિયા અને અમેરિકાના કેટલાક રાજ્યોમાં પણ ડીપફેક સામે અલગ-અલગ નિયમો પ્રક્રિયા હેઠળ છે.

નિયમભંગ પર ભારે દંડ: કમાણીના ૩% સુધીની વસૂલાત!

જો કોઈ ટેક કંપની અથવા ડેવલપર યુરોપિયન યુનિયનના આ નવા નિયમોનું પાલન નહીં કરે, તો તેમની સામે અત્યંત આકરી નાણાકીય કાર્યવાહી કરવામાં આવશે. નિયમભંગ કરનાર કંપનીઓ પર ૧.૫ કરોડ યુરો (અંદાજે ૧૩૫ કરોડ રૂપિયાથી વધુ) અથવા તેમના વાર્ષિક વૈશ્વિક ટર્નઓવરના ૩ ટકા સુધીનો જંગી દંડ ફટકારવામાં આવી શકે છે.

અભિવ્યક્તિની સ્વતંત્રતાને ચોક્કસ શરતો સાથે છૂટ

હાં, કલાત્મક અથવા અભિવ્યક્તિની સ્વતંત્રતા (Freedom of Expression) હેઠળ આવતા ચોક્કસ સર્જનાત્મક કન્ટેન્ટ માટે કેટલાક અપવાદો અને છૂટછાટો પણ આપવામાં આવી છે, પરંતુ તેના માટે પણ કડક માર્ગદર્શિકાનું પાલન કરવું અનિવાર્ય રહેશે. યુરોપના આ કડક પગલાંથી હવે વૈશ્વિક સ્તરે ટેકનોલોજી કંપનીઓએ પોતાની AI સિસ્ટમમાં મોટા ફેરફારો કરવા પડશે.

 

(10:01 PM IST)