<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

સહકાર એ સમૃદ્ધિના સંકલ્‍પના પરિણામે ગુજરાતમાં ૩૬ લાખ બહેનો દૂધમાંથી રૂ.૨૦૦ કરોડ દરરોજ પોતાના બેન્‍કના ખાતામાં મેળવે છેઃ અમિતભાઈ

ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્‍પાદક સંઘ લિમિટેડ (મધુર ડેરી)ના નવનિર્મિત પાંચ લાખ લીટર ક્ષમતાવાળા નવા પ્‍લાન્‍ટનો ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો

ગાંધીનગર તા. ૧૮: ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્‍યા પ્રમાણે  ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્‍દ્રીય ગળહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્‍તે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્‍યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને નાયબ મુખ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્‍થિતિમાં ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્‍પાદક સંઘ લિમિટેડ (મધુર ડેરી)ના નવનિર્મિત પાંચ લાખ લીટર ક્ષમતાવાળા નવા પ્‍લાન્‍ટનો ઉદ્ધાટન સમારોહ યોજાઈ ગયો હતો.

અમિતભાઇ શાહે આ તકે જણાવ્‍યું કે, દશેલામાં એક નવી શરૂઆત ગાંધીનગર જિલ્લાના દૂધ ઉત્‍પાદક સંઘ દ્વારા શરુ થવા જઈ રહી છે. આશરે રૂ.૧૨૮ કરોડના ખર્ચે ૧૫ એકર જમીન પર રોજનું ૨.૫ લાખ લીટર દૂધ પ્રોસેસિંગ કાર્ય કરવાનું કામ આ પ્‍લાન્‍ટ કરશે અને ૭૫ ટકા આવક તમામ દૂધ ઉત્‍પાદકોના ખાતામાં જમા કરવામાં આવશે. આ પ્‍લાન્‍ટનું નિર્માણ બમણું દૂધ પ્રોસેસિંગ થાય એ પ્રમાણે કરવામાં આવ્‍યું છે. આ યાત્રા સરદાર વલ્લભભાઈ પટેલ, ત્રિભુવન કાકા, વર્ગીસ કુરિયન અને અનેક સહકારી આગેવાનોની પરંપરાને શંકરસિંહ રાણાએ આગળ વધારી તેના કારણે મધુર ડેરી એ એક મજબૂત ડેરી તરીકે ઉપસ્‍થિત થઇ છે.

૧૯૭૧ થી માત્ર ચાર મંડળીઓ અને ૬ હજાર લીટર દૂધ અને રૂ.૭ હજારનું ટર્નઓવરથી વધીને આજે ૭ લાખનું ટર્નઓવર થયું છે. આ પ્રગતિ ૨૬૮ કરોડ સુધી વાર્ષિક ટર્નઓવર પહોંચવું અને ૩ લાખ લિટરથી વધુ દૂધનું વિતરણ, પ્રોસેસિંગ અને કલેક્‍શન કરવું તે કો ઓપરેટીવ સિસ્‍ટમની સૌથી મોટી સફળતા છે. પશુપાલકોની આવકની સાથે સાથે બહેનોનું એમ્‍પાવરમેન્‍ટ પણ થયું હોવાનું શ્રી શાહે નોંધ્‍યું હતું.

શ્રી શાહે પોતાની જન્‍મભૂમિ માણસાની વાત કરતા કહ્યું કે, ૧૯૭૧માં ડેરી સ્‍થપાઈ તે પહેલાની બહેનોની સ્‍થિતિ જોઈ છે અને આજની સ્‍થિતિ આપણા સૌની સમક્ષ છે.

આજે આર્થિક રીતે પગભર અને સ્‍વતંત્ર બની છે.અને આ ખુબ મોટું પરિવર્તન બહેનોના જીવનમાં ડેરી સેક્‍ટરથી આવ્‍યું છે. દેશના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ શ્વેતક્રાંતિ 2.Oના આધારે આપણું દૂધ ઉત્‍પાદન દસ વર્ષમાં ત્રણ ગણું વધે તે પ્રકારનું આયોજન કર્યું છે.

 આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્‍યક્ષ શંકરભાઇ ચૌધરી, મંત્રી જીતુભાઇ વાઘાણી, મધુર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણા સહીત ધારાસભ્‍યઓ, આમંત્રિત મહેમાનો તેમજ આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા. (તસવીરઃ નિમિષ ગણાત્રા, ગાંધીનગર) 

 

(2:08 PM IST)