તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
CMની ખુરશી તરફ ડગ માંડતા જ 'થલપથી' વિજયની મુશ્કેલી વધી: 5 કરોડના રોકડ વ્યવહાર મામલે હાઈકોર્ટમાં FIR ની માંગ, શું 'પુલી' ફિલ્મ બનશે ગળાનો ફાંસો?
ઈન્કમ ટેક્સની અનિયમિતતાનો વર્ષો જૂનો જીન બહાર આવ્યો: મદ્રાસ હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ, ટેક્સ ચોરીના ગંભીર આક્ષેપો સાથે વિજયની રાજકીય કારકિર્દી પર સંકટના વાદળો

ચેન્નાઈ, તા.૦૭: તમિલનાડુમાં શાનદાર ચૂંટણી જીત બાદ મુખ્યમંત્રી પદની શપથ લેવાની તૈયારી કરી રહેલા TVK (તમિલગ વેટ્ટ્રી કઝગમ) ના અધ્યક્ષ અને અભિનેતા સી. જોસેફ વિજય માટે નવી મુસીબત ઊભી થઈ છે. વર્ષ ૨૦૧૫માં આવેલી તેમની ફિલ્મ 'પુલી' (Puli) સાથે જોડાયેલી કથિત આવકવેરાની અનિયમિતતાઓ બાબતે મદ્રાસ હાઈકોર્ટમાં તેમની વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી છે. હાઈકોર્ટની રજિસ્ટ્રીએ આ અરજીને નંબર આપી દીધો છે અને ટૂંક સમયમાં જ મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠ સમક્ષ તેની સુનાવણી હાથ ધરાય તેવી શક્યતા છે.
આ સમગ્ર વિવાદ ૨૦૧૫માં 'પુલી' ફિલ્મની રિલીઝ વખતે પડેલા આવકવેરાના દરોડા પર આધારિત છે. અરજીમાં જણાવ્યા અનુસાર, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ વિજયના સ્થાનો પર સર્ચ ઓપરેશન દરમિયાન કેટલાક એવા દસ્તાવેજો મળ્યા હતા જે હિસાબ વગરના રોકડ વ્યવહાર તરફ ઈશારો કરતા હતા. રેકોર્ડ મુજબ, નિર્માતાઓએ વિજયને ચેક દ્વારા ૧૬ કરોડ રૂપિયા આપ્યા હતા, પરંતુ તેના સિવાય ૪.૯૩ કરોડ રૂપિયા રોકડા ચૂકવ્યા હોવાનો પણ આક્ષેપ છે.
ટીડીએસની ચોરી અને ફેન્સ ક્લબના ખર્ચનો વિવાદ
અરજીમાં એવો ગંભીર દાવો કરવામાં આવ્યો છે કે માત્ર ચેક દ્વારા અપાયેલી રકમ પર જ TDS કાપવામાં આવ્યો હતો, જ્યારે રોકડ રકમ પર કોઈ ટેક્સ ભરાયો નહોતો. અગાઉની તપાસમાં વિજયે ૫ કરોડ રૂપિયા રોકડા લીધા હોવાની વાત સ્વીકારી હોવાનું અને તે રકમ પર ટેક્સ ચૂકવવા સંમતિ આપી હોવાનું પણ અરજીમાં ટાંકવામાં આવ્યું છે. આ ઉપરાંત, વિજયે ૨૦૧૬-૧૭ના ટેક્સ રિટર્નમાં ફેન્સ ક્લબના ૬૪.૭૧ લાખ રૂપિયાના ખર્ચ પર વળતર માંગ્યું હતું, જેની સામે પણ હવે સવાલો ઉઠ્યા છે.
રાજકીય ષડયંત્ર કે કાયદાકીય ગૂંચ?
વિજય જ્યારે રાજ્યના મુખ્યમંત્રી બનવાની રેસમાં સૌથી આગળ છે, ત્યારે બરાબર એ જ સમયે આ જૂના મામલામાં ગુનાહિત કાર્યવાહીની માંગ થતા રાજકીય ગલિયારાઓમાં ગરમાવો આવી ગયો છે. વિજયના સમર્થકો તેને રાજકીય કિન્નાખોરી ગણાવી રહ્યા છે, જ્યારે વિરોધીઓ કાયદાનું શાસન હોવાની વાત કરી રહ્યા છે. હવે મદ્રાસ હાઈકોર્ટ આ મામલે શું વલણ અપનાવે છે અને શું વિજયની મુશ્કેલીઓ ખરેખર વધશે, તેના પર સમગ્ર દેશની નજર ટકેલી છે.
(5:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
