<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

અગાઉ 'હાથ કાપી નાખવાની' ધમકી આપનાર પાકિસ્તાની મંત્રીના દિલ્હી પહોંચતા જ સૂર બદલાયા: સિંધુ જળ સંધિ પર મુસદ્દિક મલિકનો યુ-ટર્ન, કહ્યું "પહેલા સરળ મુદ્દાઓ પર વાત કરીએ!"

ભારત આવેલા પાકિસ્તાનના ફેડરલ મંત્રી મુસદ્દિક મલિકે પહેલગામ હુમલા બાદ સ્થગિત કરાયેલી ૧૯૬૦ની સિંધુ જળ સંધિ અંગેના સીધા સવાલો ટાળ્યા : બીજી તરફ કેન્દ્રીય સંસ્કૃતિ સચિવ વિવેક અગ્રવાલે બંને દેશો વચ્ચે કોઈપણ ઔપચારિક દ્વિપક્ષીય બેઠક થઈ હોવાની અટકળોને ફગાવી દીધી

નવી દિલ્હી:  દિલ્હીમાં આયોજિત 'SCO સિવિલાઇઝેશનલ ડાયલોગ ફોરમ'ની બેઠકમાં હાજરી આપવા આવેલા પાકિસ્તાનના ફેડરલ મંત્રી મુસદ્દિક મલિકના સૂર ભારતની ધરતી પર પગ મૂકતાની સાથે જ બદલાયેલા જોવા મળ્યા છે. જૂન ૨૦૨૫માં ભારતને સિંધુ નદીના પાણી મુદ્દે "હાથ કાપી નાખવાની" ઉશ્કેરણીજનક ધમકી આપનાર આ જ પાકિસ્તાની મંત્રીએ હવે શાંતિ અને વાતચીતનો રાગ આલાપ્યો છે. જ્યારે પત્રકારોએ તેમને ૧૯૬૦ની સિંધુ જળ સંધિ અને બંને દેશો વચ્ચેના ગંભીર વિવાદો વિશે પૂછ્યું, ત્યારે તેમણે સીધો જવાબ આપવાનું ટાળીને નરમ વલણ અપનાવતા કહ્યું કે, "ચાલો પહેલા સરળ મુદ્દાઓ પર વાત કરીએ, જેના પર સર્વસંમતિ સાધવી આસાન છે, અને ત્યારબાદ જ વધુ મહત્વપૂર્ણ અને વિવાદાસ્પદ મુદ્દાઓ પર ચર્ચા કરી શકાય છે."

ન્યૂઝ18 ઈન્ડિયા સાથેની વાતચીતમાં મુસદ્દિક મલિકે જણાવ્યું હતું કે સરહદની બંને બાજુ રહેતા ગરીબ અને સંવેદનશીલ લોકોનું કલ્યાણ સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ અને શાંતિ સમગ્ર ક્ષેત્ર માટે જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ નિર્દોષ લોકોના મોત બાદ ભારતે કડક પગલું ભરતા સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી, જેનાથી પાકિસ્તાન ભારે દબાણમાં છે. આ ઉપરાંત, આગામી વર્ષે પાકિસ્તાનમાં યોજાનારી SCO સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી અંગેના સવાલના જવાબમાં મલિકે આશા વ્યક્ત કરી હતી કે તમામ નેતાઓ આ સમિટમાં ચોક્કસ ભાગ લેશે.

બીજી તરફ, પાકિસ્તાની મંત્રીની દિલ્હી મુલાકાત દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ ગુપ્ત કે ઔપચારિક દ્વિપક્ષીય વાટાઘાટો થઈ હોવાની અટકળો પર કેન્દ્રીય સંસ્કૃતિ સચિવ વિવેક અગ્રવાલે પૂર્ણવિરામ મૂકી દીધું છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પરિષદ કે ડિનર દરમિયાન માત્ર સામાન્ય અનૌપચારિક શિષ્ટાચાર મુલાકાતો થઈ હતી, પરંતુ કોઈ ઔપચારિક બેઠક યોજાઈ નથી કે પાકિસ્તાન તરફથી આવી કોઈ વિનંતી પણ કરવામાં આવી ન હતી. અગ્રવાલે ઉમેર્યું હતું કે મુસદ્દિક મલિકના નેતૃત્વ હેઠળના પાકિસ્તાની પ્રતિનિધિમંડળે ચર્ચામાં રચનાત્મક સૂચનો આપ્યા હતા અને 'ઇન્દ્રપ્રસ્થ ઘોષણાપત્ર' પર કોઈપણ મતભેદ વિના સંમતિ દર્શાવી હતી.

(8:09 PM IST)