તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
આસારામ બાપુએ તબિયતના આધારે વચગાળાના જામીન માંગ્યા : સુપ્રીમ કોર્ટે રાજસ્થાન સરકારને હેલ્થ રિપોર્ટ તપાસવા આદેશ કર્યો
સગીરા પર અત્યાચારના કેસમાં દોષિત આસારામબાપુ ગંભીર આંતરિક રક્તસ્ત્રાવની બીમારીથી પીડાતા હોવાનો વકીલનો દાવો : સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે આસારામબાપુ એકદમ ફિટ છે અને ત્રણ મહિના પહેલા જ અયોધ્યા-કાશીની યાત્રા કરી હતી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે રાજસ્થાન સરકારને સગીરા સાથે દુષ્કર્મના કેસમાં જેલમાં સજા કાપી રહેલા આસારામ બાપુના હેલ્થ રિપોર્ટ તપાસવા માટે જણાવ્યું છે. કોર્ટે સરકારને એ ચકાસવા કહ્યું છે કે શું તેમની વર્તમાન શારીરિક સ્થિતિ સ્વાસ્થ્યના આધારે વચગાળાના જામીન આપવા માટે પાત્ર છે કે કેમ. જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ પીબી વરાળેની ખંડપીઠે રાજસ્થાન સરકારના વકીલને જણાવ્યું હતું કે, કૃપા કરીને આ અંગે યોગ્ય સૂચનાઓ મેળવો, અમે કોઈ અનિચ્છનીય ઘટના બને તેવું ઈચ્છતા નથી. જો સ્થિતિ ગંભીર જણાશે તો અમે માત્ર તે ચોક્કસ હેતુ માટે થોડા સમય માટે જ જામીન આપીશું. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો રાજ્ય સરકાર કહેશે કે જામીનની કોઈ જરૂર નથી, તો કોર્ટ જામીન મંજૂર નહીં કરે.
સોલિસિટર જનરલ તુષાર મહેતાની દલીલો:
રાજસ્થાન સરકાર વતી કોર્ટમાં હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સ્વાસ્થ્યના આધારે વચગાળાના જામીન આપવા સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે ખંડપીઠને જણાવ્યું કે આસારામબાપુ એકદમ ફિટ છે અને ત્રણ મહિના પહેલા જ તેઓ અયોધ્યા તથા કાશી વિશ્વનાથ ગયા હતા અને ત્યાં બધે પગપાળા ચાલ્યા હતા. તેમણે ઉમેર્યું કે આસારામને કેટલીક જીવનશૈલીમાં ફેરફાર કરવાની જરૂર છે. ગેસ્ટ્રોની સમસ્યાના કારણે તેમને થોડો રક્તસ્ત્રાવ થઈ રહ્યો છે, જે અસ્થાયી છે અને તેઓ તેની દવાઓ લઈ રહ્યા છે. રાજ્ય સરકાર આ મામલે ૨૦ જુલાઈ સુધીમાં પોતાનો સત્તાવાર જવાબ દાખલ કરશે, જ્યારે સુપ્રીમ કોર્ટે આ કેસની આગામી સુનાવણી ૨૧ જુલાઈના રોજ નિયત કરી છે. બીજી તરફ આસારામના વકીલે દલીલ કરી હતી કે તેમના અસીલની તબિયત અત્યંત ગંભીર છે અને તેઓ હાઈ રિસ્ક પર છે.
શું છે સમગ્ર મામલો?
આ કેસ ઓગસ્ટ ૨૦૧૩ નો છે, જેમાં જોધપુરના મનાઈ સ્થિત આશ્રમની કુટિરમાં એક સગીર ભક્તને ગેરકાયદેસર રીતે ગોંધી રાખીને તેની પર જાતીય અત્યાચાર ગુજારવાનો અને ગુનાહિત ધમકી આપવાનો આસારામ પર આરોપ હતો. ટ્રાયલ કોર્ટે આસારામ બાપુ અને અન્ય બે સહ-આરોપીઓ, હોસ્ટેલ વોર્ડન સંચિતા શિલ્પી અને સ્કૂલ ડાયરેક્ટર શરદ ચંદ્રને દોષિત ઠેરવ્યા હતા. ચાલુ વર્ષના મે મહિનામાં રાજસ્થાન હાઈકોર્ટે આસારામની સજાને યથાવત રાખી હતી, પરંતુ ગુનાહિત કાવતરું અને સામૂહિક દુષ્કર્મના આરોપો સાબિત ન થતા હાઈકોર્ટે ત્રણેયને તે કલમોમાંથી મુક્ત કર્યા હતા. હાઈકોર્ટના આ નિર્ણયને આસારામે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે અને અપીલ પેન્ડિંગ હોવાથી વચગાળાના જામીન માટે ગુહાર લગાવી છે.
(12:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
