<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

આશા ભોંસલેનો ‘છેલ્લો’ વીડિયો સામે આવ્યો : સફેદ સાડીમાં સ્મિત રેલાવતા ગાયિકાની અંતિમ ઝલક જોઈ ફેન્સની આંખો થઈ ભીની : જુઓ વિડીયો

સચિન તેંડુલકરના પુત્રના લગ્નમાં છેલ્લીવાર જાહેરમાં જોવા મળ્યા હતા આશા ભોંસલે : ‘આશા તાઈ’ના નિધનથી દેશભરમાં શોકની લહેર : સોમવારે મુંબઈમાં કરાશે અંતિમ સંસ્કાર

મુંબઈ : ભારતીય સંગીત જગતનો એક ચમકતો સિતારો કાયમ માટે શાંત થઈ ગયો છે. પોતાની જાદુઈ અને મધુર અવાજથી કરોડો દિલો પર રાજ કરનાર દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું રવિવારની સવારે નિધન થયું છે. 92 વર્ષની વયે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના સમાચાર મળતા જ ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ દરમિયાન તેમનો એક અંતિમ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને ચાહકો ભાવુક થઈ રહ્યા છે.

 

હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન:

મળતી માહિતી મુજબ, શનિવારે અચાનક હૃદય અને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટરોએ તેમને તરત જ આઈસીયુ (ICU) માં શિફ્ટ કર્યા હતા અને તેમની હાલત ખૂબ જ નાજુક હોવાનું જણાવાયું હતું. રવિવારે સવારે તેમના પુત્ર આનંદ ભોંસલેએ આ દુખદ સમાચારની પુષ્ટિ કરી હતી. પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમના અંતિમ સંસ્કાર સોમવારે સાંજે 4 વાગ્યે મુંબઈમાં કરવામાં આવશે.

 

સચિનના પુત્રના લગ્નમાં જોવા મળી હતી છેલ્લી ઝલક:

આશા ભોંસલે પોતાની ઉંમરના આ પડાવ પર પણ ખૂબ જ સક્રિય હતા. તેમને છેલ્લીવાર જાહેર પ્રસંગમાં આ વર્ષે માર્ચ મહિનામાં જોવામાં આવ્યા હતા. મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર અને સાનિયા ચંદોકના લગ્નની વિધિઓમાં તેઓ સામેલ થવા પહોંચ્યા હતા. 5 માર્ચના રોજ મુંબઈની હોટલ 'ધ સેન્ટ રેજિસ' ખાતે યોજાયેલા આ હાઈ-પ્રોફાઈલ લગ્નમાં આશા ભોંસલે સફેદ સાડી પહેરીને અત્યંત ગરિમામય અને સુંદર લાગતા હતા.

 

સ્મિત સાથે કરી હતી વિદાય:

વીડિયોમાં જોઈ શકાય છે કે આશા ભોંસલેએ ત્યાં હાજર ફોટોગ્રાફરોને હાથ જોડીને નમસ્તે કર્યું હતું અને સ્મિત સાથે તસવીરો ખેંચાવી હતી. તે સમયે તેઓ એકદમ સ્વસ્થ દેખાતા હતા. કોઈએ વિચાર્યું પણ નહોતું કે પોતાની મુસ્કાનથી સૌના દિલ જીતનાર આશા તાઈ આટલી જલ્દી આપણને છોડીને ચાલ્યા જશે. લગ્ન પ્રસંગનો આ વીડિયો હવે તેમની અંતિમ યાદગીરી બનીને રહી ગયો છે. આ વીડિયો જોઈને કોઈને વિશ્વાસ નથી થઈ રહ્યો કે આશા ભોંસલે હવે આપણી વચ્ચે નથી રહ્યા. સંગીત પ્રેમીઓ માટે આ એક ક્યારેય ન પુરાય તેવી ખોટ છે.

(3:44 PM IST)