તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
ગિરના એશિયાઈ સિંહો પર તોળાતું સંકટ : CDV અને બેબીસાયા જેવા ચેપી રોગોના વહેલા નિદાન માટે પરિમલભાઈ નથવાણીની વનમંત્રીઓને પત્ર લખી રજૂઆત
આઠ કે તેથી વધુ સિંહોના મૃત્યુ અંગે સિંહપ્રેમી અને રાજ્યસભા સાંસદ પરિમલભાઈએ ચિંતા વ્યક્ત કરી : ફિલ્ડ સ્ટાફ માટે વિશેષ પ્રોટોકોલ લાગુ કરવા અને કૂતરાઓના રસીકરણ સહિતના લાંબા ગાળાના પગલાં લેવા વિનંતી

જામનગર: ગિર તથા બૃહદ્ ગિર વિસ્તારમાં વસતા એશિયાઈ સિંહોમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) અને બેબીસીયા નામના જીવલેણ રોગચાળાના કારણે આઠ કે તેથી વધુ સિંહોના અકાળે મૃત્યુ થયા હોવાના અહેવાલોથી વન્યજીવ પ્રેમીઓમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. સિંહોના આ આકસ્મિક મૃત્યુને અટકાવવા, બીમાર સિંહોને તાત્કાલિક ધોરણે શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવા અને આ ચેપી રોગચાળાને આગળ વધતો નિયંત્રિત કરવા માટે રાજ્યસભા સાંસદ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર અને સુપ્રસિદ્ધ સિંહપ્રેમી પરિમલભાઈ નથવાણીએ વહીવટી તંત્રને સજ્જ કરવા માટે પત્ર લખીને તાકીદ કરી છે. પરિમલભાઈએ આ ગંભીર મુદ્દે કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભુપેન્દ્રભાઈ યાદવ તેમજ ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને પત્ર પાઠવીને તાત્કાલિક અસરથી યુદ્ધના ધોરણે કડક પગલાં લેવા ભારપૂર્વક વિનંતી કરી છે.
પરિમલભાઈ નથવાણીએ સિંહોના ક્રમિક મૃત્યુની ઘટનાને અત્યંત ગંભીર અને ચિંતાજનક ગણાવી છે. જોકે, તેમણે પત્રમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગિર નેશનલ પાર્ક મેનેજમેન્ટ તથા રાજ્ય સરકારનો વન વિભાગ આ નાજુક મુદ્દે પૂરતી સતર્કતા અને કાળજી રાખી રહ્યો જ હશે, તેમજ સિંહોના અમૂલ્ય જીવનને બચાવવા માટે વન વિભાગનો સ્ટાફ દિવસ-રાત કાર્યરત હશે. પરિમલભાઈએ પોતાના પત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે ગિર અને બૃહદ્ ગિર વિસ્તારમાં એશિયાઈ સિંહોની વસતિમાં જે રીતે સતત વધારો નોંધાઈ રહ્યો છે, તેની સાથે તેમના આરોગ્ય સંબંધિત જોખમો અને પડકારો પણ કદમાં મોટા થઈ રહ્યા છે. ખાસ કરીને CDV અને બેબીસીયા જેવા રોગો આખી વસતિ માટે ઘાતક સાબિત થઈ શકે છે. આથી આવા રોગોના વહેલા નિદાન, ઝડપી પ્રતિસાદ અને અસરકારક નિયંત્રણ માટે ફિલ્ડ સ્તરે વન વિભાગની અવલોકન અને રિપોર્ટિંગ વ્યવસ્થાને વધુ આધુનિક અને સચોટ બનાવવી અનિવાર્ય છે.
જંગલના પાયાના સ્ટાફ માટે "Field Observation Protocol" જરૂરી:
પરિમલભાઈએ જંગલમાં રાઉન્ડ ધ ક્લોક ફરતા ટ્રેકર્સ, બીટ ગાર્ડ, રાઉન્ડ સ્ટાફ તથા વેટરનરી ટીમ માટે તાત્કાલિક ધોરણે “Field Observation Protocol” અમલમાં મુકવા માટે વનમંત્રીઓનું વિશેષ ધ્યાન દોર્યું છે. આ પ્રોટોકોલ અંતર્ગત ફિલ્ડ સ્ટાફ દ્વારા સિંહોની ચાલ અને વર્તણૂક પર નજર રાખવામાં આવે, ખાસ કરીને સિંહોમાં દેખાતું કોઈ પણ અસામાન્ય વર્તન, શારીરિક નબળાઈ, શ્વસન લેવામાં તકલીફ, ટિક્સનો ભારે ઉપદ્રવ, અસ્થિર ચાલ કે દિશાભ્રમ જેવા લક્ષણોનું નિયમિત વૈજ્ઞાનિક અવલોકન કરવામાં આવે. વધુમાં તેમણે સૂચન કર્યું છે કે, જો કોઈ એક ચોક્કસ વિસ્તારમાં એકથી વધુ સિંહોમાં આવા સમાન રોગના લક્ષણો જણાય તો તેને તાત્કાલિક “High Alert” તરીકે ગણીને વરિષ્ઠ અધિકારીઓ તથા વેટરનરી રેપિડ રિસ્પોન્સ ટીમને સ્થળ પર દોડાવવી જોઈએ. દરેક શંકાસ્પદ કેસની તારીખ, સમય, ચોક્કસ GPS લોકેશન, ઉંમર અને ફોટોગ્રાફિક રેકોર્ડ રાખવો જોઈએ. તેમજ મૃત કે બીમાર પ્રાણીઓનું બિનઅધિકૃત હેન્ડલિંગ ટાળીને માત્ર નિર્ધારિત SOP મુજબ જ વન વિભાગે કાર્યવાહી કરવી જોઈએ.
કૂતરાઓ મારફતે ફેલાતા સંક્રમણને અટકાવવા કડક સૂચનો:
સાંસદ પરિમલભાઈએ લાંબા ગાળાના ઉપાયો પર ભાર મૂકતા જણાવ્યું છે કે, સિંહોમાં ફેલાતા કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) નું સંક્રમણ મોટેભાગે જંગલ આસપાસના રખડતા કૂતરાઓ મારફતે ફેલાવાની સૌથી વધુ શક્યતા રહેલી હોય છે. આથી વન વિભાગે ગિર બોર્ડર પર આવેલા આસપાસના તમામ ગામડાઓના કૂતરાઓનું વ્યાપક રસીકરણ (વેક્સિનેશન) કરવું જોઈએ. સાથોસાથ ટિક નિયંત્રણ કાર્યક્રમ, વન્યજીવોનું નિયમિત હેલ્થ મોનીટરીંગ, ઝડપી લેબ ડાયગ્નોસ્ટિક લેબોરેટરીની વ્યવસ્થા અને ફિલ્ડ સ્ટાફ માટે આધુનિક તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવું ખૂબ જ જરૂરી છે. પત્રના અંતે પરિમલભાઈએ તબીબી વિશ્લેષણ આપતા ઉમેર્યું કે, બેબીસીયા જેવી સ્થિતિના કારણે સિંહોની આંતરિક રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) નબળી પડી જાય છે, જેના લીધે CDV જેવો ઘાતક વાયરસજન્ય ચેપ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરીને સિંહોનો ભોગ લે છે. તેથી વન વિભાગે આ બંને રોગોને એકબીજા સાથે સંકળાયેલા ગંભીર જોખમ તરીકે ધ્યાનમાં રાખીને જ બ્લુપ્રિન્ટ તૈયાર કરવી પડશે.
(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
