News of Saturday, 16th May 2026
રૂ. 1.77 કરોડનું દેવું ચૂકવવામાં એસ્ટ્રોન પેપર ડિફોલ્ટ: NCLT અમદાવાદે કંપનીને નાદારી પ્રક્રિયામાં ધકેલી, તમામ એસેટ્સ પર કાયદાકીય સકંજો
ઓસ્ટ્રેલિયન વેસ્ટ પેપર સપ્લાયરની અરજી પર ટ્રિબ્યુનલનો મોટો આદેશ; કંપનીની "ભેજ અને ઓછી ડિલિવરી" ની બહાનાબાજીને કોર્ટે ગણાવી વાહિયાત, અતુલ જશવંતરાય શેઠ બન્યા વચગાળાના રિઝોલ્યુશન પ્રોફેશનલ

અમદાવાદ: ગુજરાતના કોર્પોરેટ જગતમાંથી એક ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) ની અમદાવાદ બેન્ચે એક મહત્વપૂર્ણ આદેશ જારી કરીને જાણીતી કંપની 'એસ્ટ્રોન પેપર એન્ડ બોર્ડ મિલ લિમિટેડ' (Astron Paper & Board Mill Ltd) ને નાદારીની કાર્યવાહી (Insolvency Proceedings) માં દાખલ કરી દીધી છે. ઓસ્ટ્રેલિયાની એક અગ્રણી કોરુગેટેડ વેસ્ટ પેપર સપ્લાયર કંપનીના કરોડો રૂપિયાના પેમેન્ટ ડિફોલ્ટના કેસમાં સુનાવણી કર્યા બાદ ટ્રિબ્યુનલે એસ્ટ્રોન પેપરના સંચાલકોને જોરદાર આંચકો આપ્યો છે.
આ હાઈ-પ્રોફાઈલ કેસનો ચુકાદો આપતા NCLT ના જ્યુડિશિયલ મેમ્બર ચિત્રા હંકરે અને ટેકનિકલ મેમ્બર ડૉ. વી.જી. વેંકટ ચલાપતિની ખંડપીઠે ૧૧ મેના રોજ એસ્ટ્રોન પેપર વિરૂદ્ધ નાદારીની અરજી સ્વીકારી લીધી હતી અને કંપની પર તાત્કાલિક અસરથી મોરેટોરિયમ (કાનૂની રોક) લાદી દીધું છે.
ઓસ્ટ્રેલિયન કંપનીના ₹૧.૭૭ કરોડ બાકી નીકળતા હતા
આ નાદારીની પ્રક્રિયા શરૂ કરવા માટે ઓપરેશનલ લેણદાર (Operational Creditor) કંપની 'એમ્પાયર સોની PTY લિમિટેડ' (Empire Sony PTY Ltd) દ્વારા NCLT માં અરજી કરવામાં આવી હતી. વિદેશી કંપનીના જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૨૩ માં અલગ-અલગ વેચાણ ઓર્ડર હેઠળ એસ્ટ્રોન પેપરને કાગળના મસમોટા કન્સાઇન્મેન્ટ સપ્લાય કરવામાં આવ્યા હતા. આ માલની ડિલિવરી મળી ગઈ હોવા છતાં એસ્ટ્રોન પેપરે ₹૧.૬૧ કરોડની મૂળ રકમ ચૂકવી ન હતી. વ્યાજ સહિત આ કુલ આંકડો ₹૧.૭૭ કરોડ પર પહોંચી ગયો હતો. વારંવાર ઈમેઈલ અને કાનૂની ડિમાન્ડ નોટિસ મોકલવા છતાં ભારતીય કંપનીએ પેમેન્ટ આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો.
એસ્ટ્રોન પેપરની બહાનાબાજી કોર્ટે ફગાવી
પોતાનો બચાવ કરતા એસ્ટ્રોન પેપરે કોર્ટમાં દલીલ કરી હતી કે સપ્લાય કરાયેલા કાગળના કન્સાઇન્મેન્ટમાં કરાર કરતાં ઓછો માલ મોકલાયો હતો. આ ઉપરાંત, કાગળમાં સંમત મર્યાદા કરતાં વધુ પ્રમાણમાં ભેજ (Moisture) હતો અને ગુણવત્તા પણ ખરાબ હતી, જેના કારણે પ્લાન્ટમાં ઉત્પાદન ખોરવાઈ ગયું હતું અને કંપનીને ભારે નાણાકીય નુકસાન વેઠવું પડ્યું હતું.
જો કે, સામે પક્ષે વિદેશી કંપનીએ પુરાવા રજૂ કર્યા હતા કે કથિત માલનો ઘટાડો માત્ર ૧.૮૫% જ હતો, જે આંતરરાષ્ટ્રીય વ્યાપારિક ધોરણો મુજબ સ્વીકૃત મર્યાદામાં આવે છે. ટ્રિબ્યુનલે બંને પક્ષોને સાંભળ્યા બાદ એસ્ટ્રોન પેપરના જવાબોને કાયદાની નજરમાં વિલંબિત અને માત્ર બહાનાબાજી (Moonshine Response) ગણાવીને ફગાવી દીધા હતા. કોર્ટે નોંધ્યું કે કંપનીએ માલ સ્વીકારી લીધા બાદ પેમેન્ટ લંબાવવા માટે આ કાવાદાવા કર્યા હતા.
નવા 'આઈઆરપી' કંપનીનો તમામ કંટ્રોલ હાથમાં લેશે:
કાનૂની મર્યાદા કરતા દેવાની રકમ વધારે હોવાથી NCLT એ આ કેસમાં કલમ ૧૪ હેઠળ પ્રતિબંધો લાગુ કર્યા છે. આ સાથે જ અદાલતે અતુલ જશવંતરાય શેઠની વચગાળાના ઠરાવ પ્રોફેશનલ (IRP) તરીકે સત્તાવાર નિમણૂક કરી દીધી છે. હવે આ આઈઆરપી કંપનીની તમામ મિલકતો, બેંક ખાતાઓ અને રેકોર્ડ્સનો વહીવટ પોતાના કંટ્રોલમાં લેશે અને કંપની ચાલુ રહે તે રીતે નાદારીના ઉકેલ માટે ટ્રિબ્યુનલ સમક્ષ સમયાંતરે રિપોર્ટ સબમિટ કરશે. આ કેસમાં અરજદાર વતી એડવોકેટ દિવ્યા શર્મા અને યુવરાજ ઠાકોરે ધારદાર રજૂઆતો કરી હતી.
(8:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
