News of Tuesday, 5th May 2026
ખગોળપ્રેમીઓ તૈયાર થઈ જાવ! ૨૦૨૭માં સર્જાશે સદીનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ; ૬ મિનિટથી વધુ સમય સુધી પૃથ્વી પર છવાઈ જશે કાળોડિબાંગ અંધકાર
ભરબપોરે રાત જેવો નજારો: ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી દેતા તાપમાનમાં પણ આવશે ઘટાડો, વિજ્ઞાનીઓએ આ ખગોળીય ઘટનાને ગણાવી અત્યંત દુર્લભ

નવી દિલ્હી: આકાશી ઘટનાઓમાં રસ ધરાવતા લોકો માટે એક રોમાંચક સમાચાર સામે આવ્યા છે. ૨ ઓગસ્ટ ૨૦૨૭ના રોજ સદીનું સૌથી લાંબુ અને ઐતિહાસિક સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. આ દિવસે આકાશમાં એવી દુર્લભ ઘટના બનશે કે દિવસના સમયે પૃથ્વી પર અંધકાર છવાઈ જશે અને રાત જેવો નજારો જોવા મળશે. આ ગ્રહણ એટલા માટે ખાસ છે કારણ કે તે ૨૧મી સદીનું સૌથી લાંબી અવધિનું પૂર્ણ સૂર્યગ્રહણ હશે.
૬ મિનિટ અને ૨૩ સેકન્ડ સુધી અંધકાર
સામાન્ય રીતે પૂર્ણ સૂર્યગ્રહણ બે થી ત્રણ મિનિટ સુધી ચાલતું હોય છે, પરંતુ ૨ ઓગસ્ટ ૨૦૨૭ના રોજ થનારું ગ્રહણ ૬ મિનિટ અને ૨૩ સેકન્ડ સુધી ચાલશે. આટલા લાંબા સમય સુધી સૂર્ય સંપૂર્ણપણે ચંદ્રની પાછળ ઢંકાયેલો રહેશે. આ સમયગાળા દરમિયાન આકાશમાં તારા પણ દેખાવા લાગશે અને પક્ષીઓ પણ રાત પડી ગઈ હોવાનું માનીને માળામાં પાછા ફરવા લાગશે.
શા માટે આ ગ્રહણ આટલું લાંબુ હશે?
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, તે દિવસે પૃથ્વી સૂર્યથી તેના સૌથી દૂરના બિંદુ પર હશે, જેના કારણે સૂર્ય કદમાં નાનો દેખાશે. બીજી તરફ, ચંદ્ર પૃથ્વીની ખૂબ નજીક હશે, જેથી તે કદમાં મોટો દેખાશે. આ સંયોગને કારણે ચંદ્ર સૂર્યના પ્રકાશને લાંબા સમય સુધી રોકી શકશે, પરિણામે આ સદીનું સૌથી લાંબુ ગ્રહણ સર્જાશે. ૧૯૯૧ થી ૨૧૧૪ ની વચ્ચે આ સૌથી લાંબી અવધિનું પૂર્ણ સૂર્યગ્રહણ હશે.
ક્યાં-ક્યાં જોવા મળશે આ નજારો?
આ ગ્રહણ દક્ષિણ યુરોપ, ઉત્તર આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોમાં સ્પષ્ટપણે જોવા મળશે. નાસાના જણાવ્યા મુજબ, તેની શરૂઆત મોરોક્કો અને દક્ષિણ સ્પેનથી થશે અને અલ્જીરિયા, ટ્યુનિશિયા, લિબિયા, ઇજિપ્ત તથા સાઉદી અરેબિયા થઈને યમન અને સોમાલિયાના દરિયાકાંઠે પૂર્ણ થશે. ઇજિપ્તના લક્ઝર શહેરમાં આ ગ્રહણની અવધિ સૌથી વધુ જોવા મળશે.
ભારતમાં શું સ્થિતિ હશે?
ભારતના ખગોળપ્રેમીઓ માટે થોડા નિરાશાજનક સમાચાર છે કે આ પૂર્ણ સૂર્યગ્રહણ ભારતમાં સંપૂર્ણપણે દેખાશે નહીં. જોકે, ભારતના કેટલાક ભાગોમાં આંશિક સૂર્યગ્રહણ (Partial Solar Eclipse) ચોક્કસપણે જોઈ શકાશે. પૂર્ણ સૂર્યગ્રહણનો અદભૂત નજારો જોવા માટે લોકો અત્યારથી જ ઇજિપ્ત જેવા દેશોમાં જવાનું આયોજન કરી રહ્યા છે.
(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
