<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th September 2026

ત્રણ વર્ષની ઉંમરે મીરાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ જોઈને ભક્તિમાં લીન થયાં હતા એ અનુપમ પ્રતિમા લીંબડી તાલુકાના શિયાણી ગામમાં બિરાજિત છે

- 3 વર્ષની ઉંમરથી જે મૂર્તિને મીરાંબાઈ પોતાના જીવની જેમ સાચવતાં હતાં, તે મૂર્તિની મીરાંબાઈએ પોતે જ ગામના ચોરામાં પ્રતિષ્ઠિત કરી. ત્યાર પછી મીરાંબાઈ દ્વારિકા જઈ ભગવાન શ્રી રણછોડરાયજીની મૂર્તિમાં લીન થઈ ગયાં

ત્રણ વર્ષની ઉંમરે મીરાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ જોઈને ભક્તિમાં લીન થયાં હતાં. એ અનુપમ પ્રતિમા લીંબડી તાલુકાના શિયાણી ગામમાં બિરાજિત છે! મીરાબાઈ જે મૂર્તિને ક્યારેય પોતાનાથી અળગી નહોતાં કરતાં, એ મૂર્તિ ઝાલાવાડમાં આસ્થાની અલખ જગાવી રહી છે. 

આ સંઘે એક દિવસ શિયાણી ગામના ચોરામાં રાતવાસો કર્યો હતો. સંઘનું રાત્રિરોકાણ હતું, ત્યાં જ લીંબડીના ભાયાત ઠાકોરસાહેબ વખતસિંહજીનો દરબાર હતો. ઠાકોરસાહેબને ગાંઠનું અસહ્ય દર્દ હતું. રાજાની પીડા મટાડવામાં કોઈ ઉપચાર, કોઈ ચિકિત્સા કામ નહોતાં લાગતાં. એ રાત્રે મીરાંબાઈએ ઉતારાના સ્થળે કૃષ્ણ ભગવાનની મૂર્તિની સ્થાપના કરી ભજન ગાવાનું શરૂ કર્યું.

 રાજાની પીડાથી વ્યાકુળ રાણીએ મૂર્તિને નમન કરી રાજાનું ગાંઠનું દર્દ દૂર કરવા પ્રાર્થના કરી અને ચમત્કાર થઈ ગયો! મીરાંબાઈનાં ભજનો અને રાણીની આજીજીની અસર થઈ! સવાર પડતાં રાજાની ગાંઠ ઓગળી ગઈ, પીડા શમી ગઈ! બસ, હવે તો આ મૂર્તિ ગામમાં જ રાખવા રાજા-રાણી, શિયાણીના બ્રાહ્મણો અને ગ્રામજનોએ મીરાંબાઈને આજીજી કરી. 3 વર્ષની ઉંમરથી જે મૂર્તિને મીરાંબાઈ પોતાના જીવની જેમ સાચવતાં હતાં, તે મૂર્તિની મીરાંબાઈએ પોતે જ ગામના ચોરામાં પ્રતિષ્ઠિત કરી. ત્યાર પછી મીરાંબાઈ દ્વારિકા જઈ ભગવાન શ્રી રણછોડરાયજીની મૂર્તિમાં લીન થઈ ગયાં. ત્યાર પછી વર્ષ 2010માં શિયાણીના લોકોએ એ જગ્યાએ શ્રી કેશવરાય દાદાના મંદિરનું નૂતન નિર્માણ કર્યું હતું.

મીરાંબાઈ 3 વર્ષનાં હતાં ત્યારે તેમના ઘેર એક સાધુ પધાર્યા હતા. સાધુએ મીરાંબાઈના પિતાને શ્રીકૃષ્ણની મૂર્તિ આપી હતી અને તેમણે આશીર્વાદ સમજીને મૂર્તિ સ્વીકારી લીધી. પ્રથમ દૃષ્ટિ પડતાં જ શ્રીકૃષ્ણની એ મૂર્તિ મીરાંબાઈના મનમાં વસી ગઈ હતી. તેમના માટે આ મૂર્તિ જાણે કૃષ્ણનું જીવંત અસ્તિત્વ બની ગઈ હતી.

 મીરાબાઈએ શ્રીકૃષ્ણની મૂર્તિને શિયાણી ગામે સ્થાપના કર્યા પછી તેમનો કોઈ ચમત્કારિક ઈતિહાસ અમે સાંભળ્યો નથી. શ્રીકૃષ્ણની મૂર્તિના હાથની આંગળી ખંડિત થઈ હતી. મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે રાજસ્થાનના મૂર્તિના કારીગરને આ અંગે સ્વપ્ન આવ્યું અને તે શિયાણી ગામે આવી મૂર્તિની આંગળીઓ જોડી ગયો હતો. અમે લોકો જ્યારે પણ દ્વારકાધીશના દર્શન કરવા દ્વારકા જઈએ છીએ ત્યારે ત્યાંના સાધુ શિયાણી ગામનું નામ સાંભળીને અમને પગે લાગે છે. તેઓ કહે છે કે તમારે દ્વારકા આવવાની ક્યાં જરૂર છે! સાક્ષાત્ ભગવાન શ્રીકૃષ્ણ તો શ્રીકેશવરાયદાદાના સ્વરૂપે શિયાણી ગામે બિરાજમાન છે.’ - બટુકભાઈ રાવલ, પૂજારી શ્રીકેશવરાયજી મંદિર, શિયાણી

 ભગવાન દ્વારકાધીશનો સેવાક્રમ અને દિનચર્યા રાજભાવથી કરવામાં આવે છે કારણ કે દ્વારકાધીશ રાજાધિરાજ છે. સૌ પ્રથમ ભગવાનને દાતણ કરાવવામાં આવે છે. જેવી રીતે આપણે મનુષ્ય દાતણ - બ્રશ કરીએ છીએ. ત્યાર બાદ કોગળાં કરાવવામાં આવે છે. પછી ભગવાનના મુખારવિંદને ખાસું (પાણીથી ધોવું) કરવામાં આવે છે. જેમ આપણે મોં ધોઇએ છીએ તેમ દ્વારકાધીશના મુખારવિંદને ખાસા કરાવાય છે. પછી તેમના ચરણો પખાળવામાં આવે છે અને અત્તર વડે મુખનો શૃંગાર કરવામાં આવે છે. ચંદનનો પણ શંૃગાર થાય છે. તુલસી અર્પણ કરી, ભગવાનને મંગલ ભોગ ધરાવાય છે. જેમાં મોહનથાળ, સાટા, મેસૂબ, બુંદીના લાડુ અને ભગવાનને પ્રિય છે તે મગજના લાડુ ધરાવાય છે. ભોગ બાદ ભગવાનને બીડાં ધરાવાય છે.

 સવારે 6.30 કલાકે ભગવાનની મંગળા આરતી થાય છે જેમાં કડછા આરતી થાય છે. 8 વાગ્યા સુધી ભક્તો મંગળા દર્શનનો લાભ લઇ શકે છે. ત્યાર બાદ પ્રભુના અભિષેક એટલે કે દૂધ, દહીં, ઘી, મધ, સાકર, કેસર, અત્તર, ફળ અને શંખથી અભિષેક કરવામાં આવે છે. પુરુષસૂક્ત અને શ્રીસૂક્તથી અભિષેક કરાય છે. બાદમાં પૂજારી ભગવાનના શ્રીઅંગને અંગુચ્છો કરે છે. જેવી રીતે આપણે શરીર લૂછતા હોઇએ તેવી રીતે. પછી દ્વારકાધીશના શ્રીઅંગને અત્તરના શૃંગાર થાય છે. સૌ પહેલાં વસ્ત્રની અંદર પીતાંબર ધરાવાય છે અને ત્યારબાદ વસ્ત્ર જેમ કે સોમવારે ગુલાબી, મંગળવારે પીળા, બુધવારે લીલા, ગુરુવારે કેસરિયા, શુક્રવારે સફેદ, શનિવારે ભૂરો, રવિવારે લાલ વસ્ત્ર અંગીકાર કરાવાય છે. ત્યાર બાદનો ભોગ છે સ્નાન ભોગ. જેમાં પ્રભુને ઘીની પૂરી, દહીં, તમામ પ્રકારના શાકભાજી અને શાકભાજીના ભજિયાં ધરાવાય છે. પછી શૃંગાર સેવાનો ક્રમ ચાલુ રહે છે.

દ્વારકાધીશને શૃંગાર પૂજારી દ્વારા કરવામાં આવે છે. સવારે 10.30 કલાકે શૃંગાર ભોગ ધરાવાય છે. જેમાં ફરી ઘીની પૂરી, દહીંવડા, શાકભાજીના ભજિયાં, ચોળાફળી, બુંદીના લાડુ, મેસૂબ, મોહનથાળ, ખાજા પૂરી જેવી વિવિધ સામગ્રી ધરાવાય છે. પછી જે ક્રમ આવે છે તેને શૃંગાર આરતી કહે છે. સૌ પ્રથમ ભગવાનને છડી અને બંસી ધારણ કરાવાય છે. આ શૃંગાર માત્ર આરતીમાં જ ધારણ કરાવાય છે. પછી ભગવાનના સ્વરૂપને અરીસામાં દર્શન કરાવાય છે. પછી શંખથી આરતી થાય છે. ત્યાર બાદ ધૂપદાનીથી, 51 થી 61 વાટની આરતી થાય છે. બાદમાં દ્વારકાધીશની પુષ્પાંજલિ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે કરવામાં આવે છે.

 સવારે 11.15 કલાકે ભગવાન ગ્વાલ ભોગ આરોગે છે. આ ભોગનો ભાવ એ છે કે જે ભાગવતજીની અંદર વર્ણન છે, પ્રભુના બાળ સ્વરૂપના સખાઓને લઇ વ્રજમાં ગાયો ચરાવવા જતા ત્યારે જે ભોગ આરોગતા તે ગ્વાલ ભોગ તરીકે ઓળખાય છે. જેમાં ઘીની પૂરી, તમામ પ્રકારના વ્યંજન, થપડી, શાકભાજીના ભજિયાં, મગજના લાડુ આરોગાવાય છે. ત્યાર બાદ દ્વારકાધીશના રાજભોગ દર્શન થાય. મધ્યદિને 12 વાગ્યે દ્વારકાધીશના રાજભોગમાં દાળભાત, શાક, રોટલી, કઢી હોય છે. એવો કોઇ દિવસ નહીં હોય જ્યારે ભગવાને કઢી નહીં આરોગી હોય. ફરસાણ, મિષ્ટાન સહિત અલગ અલગ ઋતુ પ્રમાણે સામગ્રી ધરાવાય છે. 12.30 થી 12.45 સુધી ભગવાનને કેસર જલ આરોગાવાય છે. 1 વાગ્યે મંદિર બંધ થાય છે.

 સાંજે 5 થી 5.30 કલાક સુધી ભગવાનના ઉત્થાપન દર્શન થાય છે. પછી ભગવાનને ઉત્થાપન ભોગ આરોગાવાય છે જેમાં ઋતુ પ્રમાણે ફળ અને સુકામેવા હોય છે. વિશેષમાં પ્રિય એવા મગજના લાડુ, ખાજા પૂરી પણ ધરાવાય છે. ત્યાર બાદ સંધ્યા આરતીનો સમય થાય. સાંજે 7.30 કલાકે પ્રભુને સંધ્યા ભોગ આરોગાવાય છે. સંધ્યા ભોગમાં જ દૂધનો ભોગ ધરાવાય છે અને પછી સંધ્યા આરતી થાય છે તેમાં પણ દ્વારકાધીશને શૃંગારમાં કમરના ભાગે છડી અને મુખારવિંદમાં બંસી ધરાવાય છે. સાંજે અરીસાનો ક્રમ હોતો નથી. સંધ્યા આરતીમાં પણ ધૂપદાનની આરતી થાય છે. વેદોક્ત મંત્રોચ્ચાર સાથે પુષ્પાંજલિ કરાય છે અને આરતી પૂર્ણ થાય છે.

 હવે શયન ભોગ આવે છે. જેમાં દૂધ અને પૂરી હોય છે. આ ઉપરાંત મેસૂબ, મગજના લાડુ, ખાજા પૂરી અને શાકભાજીના ભજિયાં આરોગાવાય છે. 8.25 કલાકે દ્વારકાધીશજીના સન્મુખ શયન થાય છે. એટલે કે પ્રભુની સન્મુખ ચોપાટ રાખવામાં આવે છે. જેમાં ચાંદીના ચોકઠાં અને સુવર્ણના પાસાંથી ભગવાનને રમાડવામાં આવે છે, બાદ શયન આરતી થાય છે. શયન આરતીમાં 8.30 થી 8.35 વચ્ચે કડછા આરતી થાય છે જેનો ભાવિકો લાભ લઇ શકે છે. પછી ભગવાનના શયન દર્શન થાય છે.

 રાત્રિના 9 કલાકે ભગવાનના શૃંગાર બડા થાય છે. એટલે કે શૃંગાર વિસર્જન, 9.15 કલાકે ભક્તો દ્વારકાધીશના શયન દર્શન કરી શકે છે. જે 15 મિનિટ સુધી થાય છે. પછી વૈષ્ણવો દ્વારા સ્તુતિ કરવામાં આવે છે અને સ્તુતિથી ભગવાનને પોઢાડવામાં આવે છે. 9.45 કલાકે ઠાકોરજીના શયન થાય છે અને મંદિર બંધ થાય છે. દ્વારકાધીશજીની આરતીનો ક્રમ છે તેમાં નગારા, ઘંટ અને ઝાલર જેવાં વાજિંત્રો હોય છે. સાંજની સ્તુતિમાં કોઇપણ વાજિંત્રો વગર ભક્તો સ્તુતિ કરે છે.

(3:27 PM IST)