તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
અતિથિ દેવો ભવ: કેરળમાં વિદેશી પ્રવાસીના માનતાવાદી અનુભવે દુનિયાભરમાં ભારતનું ગૌરવ વધાર્યું, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
સોશિયલ મીડિયાની નકારાત્મક છબીને ભૂંસી ભારતની ઉદારતા જોઈ પ્રવાસીની આંખો છલકાઈ: મફત સારવાર અને અજાણ્યા લોકોની નિઃસ્વાર્થ મદદ જોઈ પ્રવાસીએ કહ્યું - 'આ છે અસલી ભારત'

તિરુવનંતપુરમ : કેરળમાં એક વિદેશી પ્રવાસી સાથે બનેલી હૃદયસ્પર્શી ઘટનાએ 'અતિથિ દેવો ભવ:'ની ભારતીય પરંપરાને વૈશ્વિક ફલક પર ફરી જીવંત કરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં આ પ્રવાસી કેરળના લોકોની ઉદારતા અને આતિથ્ય સત્કાર વિશે જણાવતા ભાવુક જોવા મળી રહ્યા છે. રસ્તા પર ચાલતા અચાનક પડી જવાથી ઈજાગ્રસ્ત થયેલા આ પ્રવાસીની મદદે સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. નવાઈની વાત એ છે કે લોકો તેને હોસ્પિટલ લઈ જવાને બદલે પોતાના ઘરે લઈ ગયા, પ્રાથમિક સારવાર આપી અને તેની માવજત કરી હતી, જે માટે કોઈ પણ વળતરની અપેક્ષા રાખી નહોતી.
આ પ્રવાસીએ પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું કે ભારત આવ્યા પહેલા સોશિયલ મીડિયા પર જે નકારાત્મક છબી જોઈ હતી, તેનાથી વાસ્તવિકતા સાવ અલગ છે. કેરળની હોસ્પિટલમાં જ્યારે તેઓ સારવાર માટે ગયા ત્યારે તેમને વિશ્વસ્તરીય સુવિધા મળી અને હોસ્પિટલ વહીવટીતંત્રે એક પણ રૂપિયો ચાર્જ લીધો નહીં. આ ઉપરાંત, રેસ્ટોરન્ટમાં ભાષાની મુશ્કેલી સમયે એક અજાણી મહિલાએ આગળ આવીને કરેલી મદદથી તેઓ ભારતની સંસ્કૃતિના ચાહક બની ગયા છે. આ કિસ્સાએ સાબિત કર્યું છે કે ભારતમાં મહેમાનોને આજે પણ ભગવાન સમાન માનવામાં આવે છે.
વીડિયો વાયરલ થતા જ હજારો લોકોએ 'આ અસલી ભારત છે' તેવી ટિપ્પણીઓ સાથે ગૌરવ વ્યક્ત કર્યું છે. અન્ય ઘણા વિદેશી પ્રવાસીઓએ પણ ભારતમાં મળેલા આવા જ હુંફાળા અનુભવો શેર કર્યા છે. આ ઘટના માત્ર એક સંયોગ નથી, પરંતુ વિશ્વને એ સંદેશ આપે છે કે માનવતા હજુ પણ જીવંત છે. કોઈપણ દેશ વિશે અભિપ્રાય બાંધતા પહેલા ત્યાંની સંસ્કૃતિને રૂબરૂ અનુભવવી કેટલી જરૂરી છે તે આ વાયરલ વીડિયો સ્પષ્ટ કરે છે. ભારતની આ ઉજળી છબીએ વિશ્વભરના પ્રવાસીઓ માટે ભારત પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો છે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
