તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd October 2026
'અતિથિ દેવો ભવ'ના ધજાગરા કે દલેર મહેંદીનો વિવાદ? ઉત્તરાખંડમાં મંત્રીના અપમાન બાદ સીએમ ધામી મેદાને : મામલો થાળે પાડવા દોડધામ!
કુંજપુરી ફેસ્ટિવલમાં કેબિનેટ મંત્રી સુબોધ ઉનિયાલ દ્વારા 'દારૂ પીને ગાવા'ના ગંભીર આક્ષેપે મચાવ્યો હાહાકાર : મંત્રી માફી માંગવાના મૂડમાં નથી ત્યારે સીએમ પુષ્કર સિંહ ધામીએ દલેર મહેંદી અને મિકા સિંહ સાથે ફોન પર કરી ખાસ વાતચીત

દેવભૂમિ ઉત્તરાખંડની પવિત્ર ધરતી પર કલા અને સંસ્કૃતિના સન્માનને લઈને એક મોટો રાજકીય અને સામાજિક વિવાદ ફાટી નીકળ્યો છે. પ્રખ્યાત પંજાબી ગાયક દલેર મહેંદી અને ઉત્તરાખંડના કેબિનેટ મંત્રી સુબોધ ઉનિયાલ વચ્ચે ચાલી રહેલો આ વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. કુંજપુરી સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન મંત્રી સુબોધ ઉનિયાલે જાહેરમાં દલેર મહેંદી પર સ્ટેજ પર દારૂ પીને ગાવાનો અત્યંત ગંભીર આરોપ મૂકીને તેમનું અપમાન કર્યું હતું. આ ઘટના બાદ સંગીત જગત અને સોશિયલ મીડિયામાં ભારે આક્રોશ ફેલાઈ ગયો હતો, જેને શાંત કરવા માટે ખુદ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દરમિયાનગીરી કરવી પડી છે.
વિવાદ વધુ ન વકરે તે માટે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તાત્કાલિક એક્શનમાં આવીને પહેલાં ગાયક મિકા સિંહ સાથે અને બાદમાં ખુદ દલેર મહેંદી સાથે ફોન પર લાંબી વાતચીત કરી હતી. સીએમ ધામીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સ્પષ્ટ કર્યું કે દેવભૂમિ 'અતિથિ દેવો ભવ' અને ઉષ્માભર્યા આતિથ્ય માટે જાણીતી છે, જ્યાં કલાકારોનું હંમેશા સન્માન થાય છે. આ વિવાદને પાછળ છોડીને પરસ્પર સંવાદ અને સકારાત્મકતા સાથે આગળ વધવાની અપીલ કરતા સીએમે મામલો થાળે પાડવાના પ્રયાસો શરૂ કર્યા છે. બીજી તરફ, મિકા સિંહે પણ સીએમ ધામીના વખાણ કરતા માંગ કરી છે કે જો મંત્રી સુબોધ ઉનિયાલ એક નાનો સ્પષ્ટતાનો વિડીયો બનાવીને માફી માગી લે, તો દલેર ભાઈનું સન્માન જળવાઈ રહેશે અને મામલો શાંત થઈ જશે.
જોકે, આ સમગ્ર વિવાદમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે વિવાદના કેન્દ્રમાં રહેલા કેબિનેટ મંત્રી સુબોધ ઉનિયાલ નમતું જોખવાના બદલે પોતાની જીદ પર અડગ જોવા મળ્યા છે. મંત્રી ઉનિયાલ માફી માંગવાના મૂડમાં બિલકુલ નથી અને ઉલટાનું એવું નિવેદન આપી દીધું કે જો દલેર મહેંદી બીમાર હતા, તો તેમણે શોમાં આવવું જ ન જોઈતું હતું. મંત્રી હજુ પણ પોતાના એ દાવા પર અડગ છે કે દલેર મહેંદી સ્ટેજ પર નશાની હાલતમાં જ હતા. એક તરફ સીએમ ધામી 'દેવભૂમિની મર્યાદા' સાચવવા માટે ડેમેજ કંટ્રોલ કરી રહ્યા છે, તો બીજી તરફ મંત્રીના અડિયલ વલણને કારણે આ વિવાદ ઉત્તરાખંડના રાજકારણમાં આગામી દિવસોમાં વધુ મોટું સ્વરૂપ ધારણ કરે તેવી પૂરી સંભાવના છે.
(10:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
