<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

પંજાબમાં ડરનો માહોલ: અમૃતસર અને જાલંધરમાં સેનાના બેઝ પાસે ઉપરાઉપરી બે વિસ્ફોટ, ખાલિસ્તાની સંગઠને લીધી જવાબદારી!

BSF કેમ્પ અને કન્ટોનમેન્ટ વિસ્તારને નિશાન બનાવતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ: પાકિસ્તાની ગેંગસ્ટર સાથે કનેક્શન હોવાની આશંકા, રાજ્ય સરકાર પર વિપક્ષના આકરા પ્રહાર

અમૃતસર: પંજાબની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવી ગંભીર ઘટના સામે આવી છે. અમૃતસર અને જાલંધરમાં સુરક્ષા દળોના કેમ્પ નજીક થયેલા બે અલગ-અલગ વિસ્ફોટોએ આખા દેશને ચોંકાવી દીધો છે. આ ઘટના બાદ ફોરેન્સિક અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ વિસ્ફોટો પાછળ આતંકવાદી કાવતરું હોવાનું સામે આવી રહ્યું છે, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે.
ખાલિસ્તાની લિબરેશન આર્મીએ લીધી જવાબદારી
અહેવાલો મુજબ, જાલંધરમાં BSF ચોક પાસે થયેલા વિસ્ફોટની જવાબદારી ખાલિસ્તાની લિબરેશન આર્મી (KLA) નામના પ્રતિબંધિત સંગઠને સ્વીકારી છે. પોલીસે જણાવ્યું કે જાલંધરમાં એક ડિલિવરી સ્કૂટરમાં વિસ્ફોટ થયો હતો, જેને શરૂઆતમાં સામાન્ય આગ ગણવામાં આવતી હતી, પરંતુ તપાસ બાદ તે આતંકી હુમલો હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં પાકિસ્તાની ગેંગસ્ટર શહેઝાદ ભટ્ટીની સંડોવણી હોવાની દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે.
અમૃતસરમાં સેનાના કેમ્પ પાસે અફરાતફરી
બીજી તરફ, અમૃતસરના ખાસા કન્ટોનમેન્ટ વિસ્તારમાં પણ મોડી રાત્રે વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. અમૃતસર ગ્રામીણ એસપી આદિત્ય વરિયરે જણાવ્યું કે રાત્રે અંદાજે ૧૦:૫૦ વાગ્યે પોલીસને આ અંગે માહિતી મળી હતી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે સેનાના જવાનો અને વરિષ્ઠ અધિકારીઓ તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આસપાસના રસ્તાઓ સીલ કરી દેવામાં આવ્યા છે અને સીસીટીવી ફૂટેજ દ્વારા શકમંદોની શોધખોળ ચાલી રહી છે. સદનસીબે આ બંને ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
રાજકીય ગરમાવો: સરકાર પર માછલા ધોવાયા
આ ઘટના બાદ પંજાબમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિન્દર સિંહ રાજા વારિંગ, અકાલી દળના બિક્રમ સિંહ મજીઠિયા અને ભાજપના નેતાઓએ આમ આદમી પાર્ટીની સરકાર પર નિષ્ફળતાના આક્ષેપો કર્યા છે. નેતાઓએ સવાલ ઉઠાવ્યા છે કે સેનાના અતિ સંવેદનશીલ વિસ્તારોમાં આ રીતે વિસ્ફોટો કેવી રીતે થઈ શકે? મજીઠિયાએ આક્ષેપ કર્યો કે પોલીસ આ ઘટનાને દબાવવા માટે તેને માત્ર 'ટાયર ફાટવાની' કે 'ગેસ વિસ્ફોટ'ની ઘટના ગણાવી રહી છે. હાલમાં સમગ્ર પંજાબમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

(7:35 PM IST)