<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

મહારાષ્ટ્રમાં ATSનું પાકિસ્તાની ગેંગસ્ટર નેટવર્ક સામે મોટું ઓપરેશન : મુંબઈ, નાગપુર, પુણે, નાશિક, જેવા અનેક શહેરોમાં એકસાથે દરોડા

પાકિસ્તાની ગેંગસ્ટર શાહજાદ ભટ્ટી ગેંગ અને ડોગર ગેંગ સાથે જોડાયેલા શંકાસ્પદ લોકો અને તેમના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા કાર્યવાહી

મહારાષ્ટ્રમાં ATS એ પાકિસ્તાની ગેંગસ્ટર નેટવર્ક સામે એક વ્યાપક અને મોટું ઓપરેશન હાથ ધર્યું છે. એટીએસની ટીમોએ નાલાસોપારા, મીરારોડ, મુંબઈ, નાગપુર, પુણે, નાશિક, જલગાંવ, અકોલા અને નાંદેડ જેવા અનેક શહેરોમાં એકસાથે દરોડા પાડતા ખળભળાટ મચી ગયો છે. આ કાર્યવાહી પાકિસ્તાની ગેંગસ્ટર શાહજાદ ભટ્ટી ગેંગ અને ડોગર ગેંગ સાથે જોડાયેલા શંકાસ્પદ લોકો અને તેમના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે કરવામાં આવી રહી છે.

 

તપાસ એજન્સીઓને ચોક્કસ ઇનપુટ્સ મળ્યા હતા કે પાકિસ્તાની ગેંગસ્ટરો સોશિયલ મીડિયા દ્વારા મહારાષ્ટ્રના યુવાનોને ટાર્ગેટ કરી રહ્યા છે. લક્ઝરી લાઈફસ્ટાઈલ અને પૈસાની લાલચ આપીને યુવાનોને ગુનાખોરીના રસ્તે વાળવાનું મોટું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. ATS અત્યારે એવા તમામ લોકોની કુંડળી ખંખેરી રહી છે જેઓ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર આ પાકિસ્તાની ગેંગ્સના સંપર્કમાં હતા અથવા તેમને ફોલો કરી રહ્યા હતા.

 

ATS નું મુખ્ય લક્ષ્ય આ ગેંગના સ્થાનિક નેટવર્ક અને સ્લીપર સેલને નેસ્તનાબૂદ કરવાનું છે. પાકિસ્તાની ગેંગસ્ટરો ભારતમાં હથિયારોની તસ્કરી કે કોઈ મોટી હિંસક ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હોવાની આશંકા છે. આ ઓપરેશન અંતર્ગત અનેક શંકાસ્પદ સ્થળોએ તપાસ કરીને એ જોવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે આ ગેંગના મૂળ મહારાષ્ટ્રમાં કેટલા ઉંડા ઉતરેલા છે, જેથી કોઈ પણ અપ્રિય ઘટનાને સમયસર રોકી શકાય.

 

દરોડા દરમિયાન ATS દ્વારા શંકાસ્પદોના મોબાઈલ ફોન, લેપટોપ અને અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ શંકાસ્પદ બેંક ખાતાઓ અને નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરવામાં આવી રહી છે. તપાસનીશ અધિકારીઓને શંકા છે કે આ ગેંગને ચલાવવા માટે હવાલા મારફતે વિદેશી ફંડિંગનો ઉપયોગ થઈ રહ્યો છે. જપ્ત કરાયેલા ડેટાના આધારે આગામી દિવસોમાં વધુ કેટલીક ધરપકડ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

(2:19 PM IST)