<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

દરિયાઈ માર્ગો પર નાગરિક જહાજો પરના હુમલા સહન નહીં કરાય: મનીલામાં પૂર્વ એશિયા સમિટ દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરનો આકરો વિરોધ!

મધ્ય પૂર્વ કટોકટી વચ્ચે વૈશ્વિક દરિયાઈ સુરક્ષા અને મુક્ત નેવિગેશન માટે હાકલ: વિદેશ મંત્રીએ ઓમાન, યુકે અને નેધરલેન્ડના વિદેશ મંત્રીઓ સાથે યોજી મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠકો

નવી દિલ્હી : પશ્ચિમ એશિયા અને ગલ્ફ ક્ષેત્રમાં સતત વધી રહેલા તણાવ વચ્ચે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે આંતરરાષ્ટ્રીય મંચ પરથી દરિયાઈ સુરક્ષા મુદ્દે અત્યંત સખત વલણ અપનાવ્યું છે. ફિલિપાઈન્સના મનીલા ખાતે યોજાયેલી ૨૧મી પૂર્વ એશિયા સમિટ (EAS) ને સંબોધતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે નાવિકો, વાણિજ્યિક શિપિંગ અને મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ પર થઈ રહેલા હુમલા કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. તેમણે આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદાનું કડક પાલન કરવા અને મુક્ત તેમજ અવરોધરહિત દરિયાઈ વાહતુક સુનિશ્ચિત કરવા ભારપૂર્વક અપીલ કરી હતી.

ગ્લોબલ સાઉથ પર આર્થિક સંકટ અને વૈશ્વિક પડકારો

સમિટ બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વિગતો શેર કરતા જયશંકરે જણાવ્યું હતું કે, "વૈશ્વિક અર્થતંત્ર હાલમાં ચાલુ સંઘર્ષોના કારણે ભારે દબાણ હેઠળ છે. ઊર્જા, ખાદ્ય અને આરોગ્ય સુરક્ષા જેવા મુદ્દાઓને હળવાશથી લઈ શકાય નહીં, ખાસ કરીને ગ્લોબલ સાઉથના દેશો માટે આ પરિસ્થિતિ વધુ ગંભીર છે."

· દક્ષિણ ચીન સમુદ્ર અંગે વલણ: દક્ષિણ ચીન સમુદ્ર વિવાદ પર ભારતે 1982 ના સંયુક્ત રાષ્ટ્ર કન્વેન્શન (UNCLOS) ને અનુરૂપ અને ત્રીજા પક્ષના કાયદેસર અધિકારોને નુકસાન ન પહોંચાડે તેવી કાયદાકીય રીતે બંધનકર્તા આચારસંહિતા (CoC) ના વહેલા અમલનું સમર્થન કર્યું છે.

· ભારતમાં આયોજનની જાહેરાત: જયશંકરે જાહેરાત કરી હતી કે ભારત ટૂંક સમયમાં કોચી ખાતે દરિયાઈ સુરક્ષા સહકાર પર ૭મી EAS પરિષદ અને લોથલ ખાતે 'EAS મેરીટાઇમ હેરિટેજ ફેસ્ટિવલ' નું આયોજન કરશે.

વિવિધ દેશો સાથે ઉચ્ચસ્તરીય દ્વિપક્ષીય બેઠકોનો દોર

મનીલા મુલાકાત દરમિયાન વિદેશ મંત્રીએ અનેક દેશોના વડાઓ અને વિદેશ મંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો કરી હતી:

· યુકે અને નેધરલેન્ડ: નવા નિયુક્ત યુકેના વિદેશ સચિવ એડવર્ડ મિલિબેન્ડ સાથે ભારત-યુકે મુક્ત વેપાર કરાર (FTA) ના અમલીકરણ અને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી પર ચર્ચા કરી. ડચ વિદેશ મંત્રી ટોમ બેરેન્ડસેન સાથે સેમિકન્ડક્ટર, ગ્રીન હાઇડ્રોજન અને જળ સંસાધન ક્ષેત્રે સહયોગ વધારવા સંમતિ દર્શાવી.

· ઓમાન અને ફિલિપાઈન્સ: ઓમાનના વિદેશ મંત્રી સૈયદ બદ્ર બિન હમાદ અલ બુસૈદી સાથે ગલ્ફ ક્ષેત્રની પ્રાદેશિક સુરક્ષા પર ચર્ચા કરી. આ ઉપરાંત ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ "બોંગબોંગ" માર્કોસ જુનિયર સાથે મુલાકાત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છાઓ પાઠવી હતી.

 

(7:02 PM IST)