તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ ડિનર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાનો પ્રયાસ : સિક્રેટ સર્વિસે શૂટરને દબોચી લીધો
વોશિંગ્ટન હિલ્ટન હોટલના સ્ક્રીનિંગ એરિયામાં અંધાધૂંધ ગોળીબાર કરનાર ૩૧ વર્ષીય શિક્ષક કોલ ટોમસની ધરપકડ : ટ્રમ્પે સોશિયલ મીડિયા પર શૂટરની તસવીરો શેર કરી

વોશિંગ્ટન ડીસી: અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં શનિવારે રાત્રે વ્હાઇટ હાઉસ કોરેસ્પોન્ડન્ટ્સ ડિનર દરમિયાન ગોળીબારની ઘટના બનતા સનસનાટી મચી ગઈ હતી. આ કાર્યક્રમમાં જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સ્ટેજ પર ઉપસ્થિત હતા, ત્યારે જ હોટલના મુખ્ય બોલરૂમની બહાર સિક્યુરિટી સ્ક્રીનિંગ એરિયામાં ફાયરિંગ થયું હતું. સુરક્ષા ટીમોએ તાત્કાલિક હરકતમાં આવીને ટ્રમ્પને સ્ટેજ પરથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ હુમલામાં સીક્રેટ સર્વિસના એક અધિકારીને ગોળી વાગી હતી, પરંતુ બુલેટપ્રૂફ વેસ્ટને કારણે તેમનો જીવ બચી ગયો હતો.
શૂટરની ઓળખ અને ધરપકડ:
આ હુમલાખોરની ઓળખ ૩૧ વર્ષીય કોલ ટોમસ તરીકે થઈ છે, જે કેલિફોર્નિયાના ટોરેન્સ શહેરનો વતની છે અને વ્યવસાયે શિક્ષક છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર શંકાસ્પદ હુમલાખોરની તસવીરો અને વીડિયો શેર કર્યા છે. તસવીરમાં જોઈ શકાય છે કે શૂટર શર્ટ વગર જમીન પર પડેલો છે અને તેના હાથ પાછળથી બાંધેલા છે. સુરક્ષા એજન્સીઓએ તેને વોશિંગ્ટન હિલ્ટન હોટલની સીડીઓ પાસે જ દબોચી લીધો હતો.
ટ્રમ્પે સુરક્ષા દળોની બહાદુરીને બિરદાવી:
ઘટના બાદ પત્રકારોને સંબોધતા ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે શંકાસ્પદ વ્યક્તિ અનેક ઘાતક હથિયારોથી સજ્જ હતો. સીક્રેટ સર્વિસના બહાદુર જવાનોએ પોતાની જાનના જોખમે હુમલાખોરને અટકાવ્યો હતો. ટ્રમ્પે ઈજાગ્રસ્ત અધિકારી સાથે વાત કરી તેમના હાલચાલ જાણ્યા હતા. તેમણે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા કહ્યું કે હુમલાખોર એક માનસિક બીમાર વ્યક્તિ જેવો જણાય છે અને તેના પર ગેરકાયદે હથિયાર રાખવા તથા ગોળીબાર સહિતના અનેક ગંભીર ગુનાઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
હોટલમાં મચી ગઈ હતી નાસભાગ:
ગોળીબારના અવાજને કારણે હજારો મહેમાનો વચ્ચે ભાગદડ મચી ગઈ હતી. અનેક મહાનુભાવો જીવ બચાવવા ટેબલો નીચે છુપાઈ ગયા હતા. સીક્રેટ સર્વિસે પુષ્ટિ કરી છે કે શંકાસ્પદ વ્યક્તિ હાલ તેમની કસ્ટડીમાં છે અને સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે વોશિંગ્ટનમાં સાંજ ખૂબ જ રોમાંચક રહી અને કાયદો અમલીકરણ એજન્સીઓએ શાનદાર કામ કર્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આ કાર્યક્રમને આગામી ૩૦ દિવસમાં ફરીથી વધુ ભવ્ય રીતે આયોજિત કરવામાં આવશે.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
