<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

ગરીબીની આડમાં બાળપણની હરાજી: મધ્યપ્રદેશ-રાજસ્થાનથી મહારાષ્ટ્ર સુધી વિસ્તરેલું માનવ તસ્કરીનું કાળું નેટવર્ક

૩ થી ૫ લાખમાં વેચાતી દીકરીઓ અને કરોડોના સેક્સ ટ્રાફિકિંગ રેકેટ પર NHRCની લાલ આંખ : ત્રણ રાજ્યોના સચિવો અને પોલીસ વડાઓને ૨ અઠવાડિયામાં જવાબ રજૂ કરવા કડક નોટિસ

નવી દિલ્હી :   ભારતના હૃદયસમા રાજ્યો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદો પરથી એક એવો આઘાતજનક અને કાળજું કંપાવી દેનારો ખુલાસો થયો છે, જેણે માનવતાને શરમાવી દીધી છે. અત્યંત ગરીબી અને લાચારીનો લાભ ઉઠાવીને કેટલાક માતા-પિતા પોતાની જ સગીર દીકરીઓને માત્ર ૩ થી ૫ લાખ રૂપિયામાં દલાલો અને વચેટિયાઓના હાથમાં સોંપી રહ્યા છે. આ વચેટિયાઓ અત્યંત ચાલાકીપૂર્વક નકલી દસ્તાવેજો ઊભા કરી આ બાળકીઓને પોતાની "દત્તક લીધેલી પુત્રીઓ" તરીકે દર્શાવે છે. આ કાળી રમતમાં માસુમ બાળપણનો સોદો કરીને કુદરતી હકો અને સ્વપ્નોની બલી ચડાવવામાં આવી રહી છે.

જ્યારે આ બાળકીઓ પુખ્ત વયે પહોંચે છે, ત્યારે માનવ તસ્કરીનું આ કાળું નેટવર્ક તેમની ઓળખ સંપૂર્ણપણે ભૂંસી નાખે છે. તેમના નામ, સરનામા અને વ્યક્તિગત વિગતો બદલીને તેમને મહારાષ્ટ્રના મોટા શહેરોમાં ૩૫ થી ૪૦ લાખ રૂપિયાની જંગી રકમમાં વેચી દેવામાં આવે છે. ત્યાં પહોંચાડ્યા બાદ આ કમનસીબ છોકરીઓને પરાણે જબરદસ્તીથી સેક્સ ટ્રાફિકિંગના દલદલમાં ધકેલી દેવામાં આવે છે. મીડિયા અહેવાલોમાં આવા ચાર ચોક્કસ કિસ્સાઓનો પર્દાફાશ થયો છે, જે દર્શાવે છે કે આ કોઈ છૂટોછવાયો બનાવ નથી પરંતુ એક ખૂબ જ મોટું અને સંગઠિત ક્રાઇમ સિન્ડિકેટ છે.

આ સનસનાટીભર્યા અહેવાલ પર રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) એ સ્વતઃ સંજ્ઞાન (Suo Motu) લઈને અત્યંત સખત વલણ અપનાવ્યું છે. પંચે સ્પષ્ટ કર્યું છે કે જો આ દાવા સાચા છે, તો આ માસુમ છોકરીઓના માનવ અધિકારોનું અત્યંત ગંભીર અને અક્ષમ્ય ઉલ્લંઘન છે. આ મામલે NHRC એ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર - આ ત્રણેય રાજ્યોના મુખ્ય સચિવો તથા પોલીસ મહાનિર્દેશકો ને નોટિસ ફટકારીને આગામી બે અઠવાડિયામાં આ સમગ્ર આંતરરાજ્ય ટ્રાફિકિંગ રેકેટ પર વિગતવાર અને તપાસ અહેવાલ સુપ્રત કરવા કડક આદેશ આપ્યો છે.

(9:47 PM IST)