<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

ઑક્ટોબર મહિનામાં ઓટોમોબાઈલના રિટેલ વેચાણમાં વાર્ષિક ધોરણે ૨૩.૮ ટકાનો નોંધપાત્ર ઘટાડો: ગયા વર્ષના ઊંચા બેઝ અને તહેવારોની બદલાયેલી તારીખોને કારણે આંકડાઓમાં દેખાયો મોટો તફાવત

દિવાળી અને ધનતેરસ મોડેથી આવવા તેમજ ગત વર્ષે જીએસટી દરમાં ઘટાડાને કારણે થયેલા અસાધારણ વેચાણને લીધે આ ઘટાડો માત્ર દેખીતો હોવાનું ફેડરેશનનું સ્પષ્ટીકરણ, ઈલેક્ટ્રિક વાહનોએ નોંધાવી રેકોર્ડ વૃદ્ધિ

નવી દિલ્હી : ભારતીય ઓટોમોબાઈલ ક્ષેત્રમાંથી ઓક્ટોબર મહિનાના વેચાણ અંગે એક મહત્વપૂર્ણ અને રસપ્રદ અહેવાલ સામે આવ્યો છે, જ્યાં ફેડરેશન ઑફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશન (FADA) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ ગત ઓક્ટોબર મહિનામાં ઓટોમોબાઈલનું કુલ રિટેલ વેચાણ વાર્ષિક ધોરણે ૨૩.૮ ટકા ઘટીને ૩૧.૭૨ લાખ યુનિટની સપાટીએ રહ્યું છે.

આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ સમજાવતા એસોસિયેશનના પ્રમુખ સાઈ ગિરધરે જણાવ્યું હતું કે ગયા વર્ષે (૨૦૨૫માં) સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં સરકારે જીએસટીના દરમાં ઘટાડો કર્યો હતો અને તે જ વર્ષે ઓક્ટોબર મહિનામાં જ નવરાત્રી તેમજ દિવાળીના તમામ મુખ્ય તહેવારો એકસાથે આવ્યા હોવાને કારણે ગત વર્ષનો ઓક્ટોબર મહિનો વેચાણની દૃષ્ટિએ અત્યંત અસાધારણ અને ઉંચા બેઝ વાળો રહ્યો હતો.

જ્યારે આ વર્ષે નવરાત્રી ઓક્ટોબરમાં આવી હતી પરંતુ ધનતેરસ અને દિવાળી નવેમ્બર મહિનામાં હોવાને કારણે તથા તહેવારોની આ બદલાયેલી કેલેન્ડર પેટર્નને લીધે ઓક્ટોબરના રિટેલ વેચાણમાં આ ઘટાડો જોવા મળ્યો છે, જે વાસ્તવમાં માત્ર દેખીતો જ છે અને વાહનોની માંગ મજબૂત બની રહી છે.

વિગતવાર આંકડાઓ પર નજર કરીએ તો, ઓક્ટોબર મહિનામાં દ્વિચક્રી વાહનોનું રિટેલ વેચાણ ૨૮.૩૫ ટકા ઘટીને ૨૩.૨૧ લાખ યુનિટ અને પેસેન્જર વાહનોનું વેચાણ ૪.૨૩ ટકા ઘટીને ૫.૦૮ લાખ યુનિટ રહ્યું હતું, જેમાં ગ્રામીણ વિસ્તારોમાં દ્વિચક્રી વાહનોનું વેચાણ ૩૩.૯૭ ટકા અને શહેરી વિસ્તારોમાં ૨૦.૭૭ ટકા ઘટ્યું હતું.
 

આ તમામ માહોલ વચ્ચે સૌથી રાહત અને ઉત્સાહજનક બાબત એ રહી કે ઈલેક્ટ્રિક વાહનો (EV) નું વેચાણ ૩.૫૫ લાખ યુનિટની વિક્રમજનક સપાટીએ પહોંચ્યું છે અને વૃદ્ધિદર અગાઉના ૬ ટકા સામે વધીને ૧૧.૫ ટકાના મજબૂત સ્તરે રહ્યો છે, જ્યારે બીજી તરફ કોમર્શિયલ વાહનો, ત્રિચક્રી વાહનો, ટ્રેક્ટર્સ અને બાંધકામ સાધનોના વેચાણમાં અનુક્રમે સકારાત્મક વૃદ્ધિ નોંધાઈ છે જે ભારતીય અર્થવ્યવસ્થાની મજબૂતાઈ દર્શાવે છે.

(8:50 PM IST)