હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારતમાં લોકોનું સરેરાશ આયુષ્ય પાકિસ્તાન કરતાં વધુ
૨૦૨૩માં ભારતમાં જન્મ સમયે સરેરાશ આયુષ્ય ૭૧ વર્ષ હતું. જ્યારે પાકિસ્તાનમાં આ આંકડો ૬૮.૨ વર્ષ, બાંગ્લાદેશમાં ૭૨.૭ વર્ષ, અમેરિકામાં ૭૮.૫ વર્ષ અને કેનેડામાં ૮૧.૪ વર્ષ નોંધાયો

નવી દિલ્હી,તા.૫: ભારતમાં લોકોનું સરેરાશ આયુષ્ય પાકિસ્તાન કરતાં વધુ છે, પરંતુ બાંગ્લાદેશ, અમેરિકા અને કેનેડાની સરખામણીમાં ભારત હજુ પાછળ છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના તાજેતરના ‘ગ્લોબલ હેલ્થ એસ્ટિમેટ્સ' મુજબ વર્ષ ૨૦૨૩માં ભારતમાં જન્મ સમયે સરેરાશ આયુષ્ય ૭૧ વર્ષ હતું. જ્યારે પાકિસ્તાનમાં આ આંકડો ૬૮.૨ વર્ષ, બાંગ્લાદેશમાં ૭૨.૭ વર્ષ, અમેરિકામાં ૭૮.૫ વર્ષ અને કેનેડામાં ૮૧.૪ વર્ષ નોંધાયો હતો. આ અહેવાલમાં વર્ષ ૨૦૦૦થી ૨૦૨૩ સુધીના આયુષ્ય, સ્વસ્થ આયુષ્ય, મૃત્યુના કારણો અને બીમારીઓના બોજ સહિતના આંકડા સામેલ છે.
વધારે વિગતે વાત કરવામાં આવે તો, કોરોના મહામારી દરમિયાન ભારતમાં આયુષ્યમાં મોટો ઘટાડો નોંધાયો હતો. વર્ષ ૨૦૧૯માં ભારતીયોની સરેરાશ આયુષ્ય ૭૦.૫ વર્ષ હતું, જે ૨૦૨૧માં ઘટીને ૬૮.૧ વર્ષ થઈ ગયુ હતું. જોકે ત્યારબાદ સ્થિતિમાં ઝડપી સુધારો થયો અને ૨૦૨૨માં આ આંકડો ફરી ૭૦.૫ વર્ષ, જ્યારે ૨૦૨૩માં વધીને ૭૧ વર્ષ થયો હતો. એટલે કે માત્ર બે વર્ષમાં ભારતે આયુષ્યમાં લગભગ ૨.૯ વર્ષ પાછા મેળવ્યા હતા.
જોકે, લાંબું જીવન એટલે સંપૂર્ણ સ્વસ્થ જીવન એવું નથી. ભારતમાં ૨૦૨૩ની હેલ્ધી લાઈફ એક્સપેક્ટન્સી એટલે કે સ્વસ્થ આયુષ્ય ૬૦.૬ વર્ષ હતું, જ્યારે ૨૦૧૯માં તે ૬૦.૫ વર્ષ હતું. કોરોના દરમિયાન ૨૦૨૧માં આ આંકડો ઘટીને ૫૮.૪ વર્ષ થયો હતો અને ૨૦૨૨માં સુધરીને ૬૦.૨ વર્ષ થયો હતો. એટલે સામાન્ય આયુષ્યની સરખામણીમાં સ્વસ્થ જીવનના વર્ષોમાં સુધારો ઘણો ધીમો રહ્યો છે.
વૃદ્ધાવસ્થાના આંકડામાં પણ થોડો સુધારો જોવા મળ્યો છે. ૨૦૧૯માં ૬૦ વર્ષની ઉંમરે પહોંચેલી વ્યક્તિ વધુ ૧૮.૪ વર્ષ જીવશે તેવી અપેક્ષા હતી, જ્યારે ૨૦૨૩માં આ વધીને ૧૮.૮ વર્ષ થઈ હતી. જોકે આ વધારાના વર્ષોમાંથી આશરે ૧૩.૭ વર્ષ જ સારી તંદુરસ્તી સાથે પસાર થવાની અપેક્ષા હતી, જે ૨૦૧૯માં આ સ્વસ્થ જીવનનો આંકડો ૧૩.૪ વર્ષ હતો.
WHOના રિપોર્ટ પ્રમાણે, ભારતના રોગોના બદલાતા સ્વરૂપ તરફ પણ ધ્યાન દોરાઈ રહ્યું છે. વર્ષ ૨૦૦૦માં દેશમાં મૃત્યુના ટોચના ૧૦ કારણોમાં સંક્રામક બીમારીઓનો હિસ્સો આશરે ૬૨ ટકા હતો, જ્યારે નોન-કમ્યુનિકેબલ ડિસીઝ (NCDs) એટલે કે હૃદયરોગ, સ્ટ્રોક અને ડાયાબિટીસ જેવી બીમારીઓનો હિસ્સો લગભગ ૩૪ ટકા હતો. ૨૦૨૩ સુધીમાં સ્થિતિમાં મોટો ફેરફાર થયો અને ટોચના ૧૦ મૃત્યુકારણોમાં NCDsનો હિસ્સો વધીને લગભગ ૭૫ ટકા, જ્યારે સંક્રામક બીમારીઓનો હિસ્સો ઘટીને માત્ર ૧૬ ટકા રહ્યો, અને બાકીના મૃત્યુ ઈજાઓને કારણે થયા હતા









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
