<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

અયોધ્યા રામ મંદિર દાનપેટી કૌભાંડ: ભક્તોના દાનના પૈસે આરોપીઓએ કરી જલસા, વૈભવી બંગલા અને આઈફોન ખરીદ્યા

દાન ગણતરીના સ્ટાફે જ રચી હતી આતંકવાદી જેવી સંગઠિત ટોળકી, લાખોની રોકડ અને સોના-ચાંદીના દાગીના સાથે કરોડોની સંપત્તિનો થયો પર્દાફાશ

અયોધ્યા :રામ મંદિરના દાનપેટીમાંથી રોકડ ગણનારા સ્ટાફે જ સંગઠિત ગુનાખોરી આચરી ભક્તોના દાનની રકમમાં મોટાપાયે ચોરી કરી હોવાની ચોંકાવનારી વિગતો તપાસમાં સામે આવી છે. SIT ની તપાસ બાદ 25 જૂને નોંધાયેલી FIRમાં ખુલાસો થયો છે કે, આઠ આરોપીઓની ટોળકીએ આ ચોરીના પૈસામાંથી મોંઘા પ્લોટ, લક્ઝરી ગાડીઓ, આઈફોન અને વૈભવી મકાનો બનાવી પોતાનું ભવિષ્ય સુરક્ષિત કર્યું હતું. પોલીસે આ કૌભાંડમાં કુલ 79 લાખથી વધુની રોકડ, વિદેશી ચલણ અને દાગીના કબજે કર્યા છે.

તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ આયોજનબદ્ધ રીતે દાનની રકમ વહેંચી લીધી હતી. અવિનાશ પાંડે પાસેથી 20 લાખથી વધુ રોકડ અને યુએસ ડોલર મળી આવ્યા હતા, જ્યારે લવકુશ મિશ્રા અને અનુકલ્પ મિશ્રાએ કરોડોના મૂલ્યના વૈભવી ઘર અને જમીનમાં રોકાણ કર્યું હતું. આરોપીઓએ માત્ર પોતાની જ નહીં, પરંતુ સંબંધીઓના નામે પણ મિલકતો ખરીદી હતી. કેટલાક આરોપીઓએ ભાગવત કથા અને અન્ય ધાર્મિક કાર્યો પાછળ પણ આ ચોરીના પૈસા વાપરીને પોતાની છબી સુધારવાનો પ્રયાસ કર્યો હતો.

આ કૌભાંડની ગંભીરતા ત્યારે વધી જ્યારે જાણવા મળ્યું કે, કલંકિત રેકોર્ડ ધરાવતા સુભાષચંદ્ર શ્રીવાસ્તવને રિટાયરમેન્ટ બાદ પણ ગણતરી ઇન્ચાર્જ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જેમણે ઘર નિર્માણમાં આ નાણાં વાપર્યા હોવાના પુરાવા મળ્યા છે. પોલીસે આરોપીઓના ઠેકાણાઓ પર દરોડા પાડીને જે રિકવરી કરી છે, તેમાં નાની નોટોથી લઈને વિદેશી ડોલર અને કિંમતી ધાતુઓનો મોટો જથ્થો સામેલ છે, જે આ ગઠિયાઓની લાલચ અને સંગઠિત ચોરીની હદ દર્શાવે છે.

હાલમાં તમામ આઠ આરોપીઓ જેલના સળિયા પાછળ છે અને પોલીસ તેમની બાકીની સંપત્તિઓની ઓળખ કરી રહી છે. આ કૌભાંડ બાદ હવે મંદિર ટ્રસ્ટ દ્વારા દાનની ગણતરી અને સુરક્ષા વ્યવસ્થામાં મોટા ફેરફારો કરવામાં આવે તેવી શક્યતા છે. SIT હવે આ સમગ્ર નેટવર્ક પાછળ અન્ય કોઈ મોટા માથાનો હાથ છે કે કેમ, તે દિશામાં તપાસ આગળ વધારી રહી છે. આ મામલો મંદિરની પવિત્રતા અને સુરક્ષા પ્રત્યેના ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

(12:19 PM IST)