<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

અયોધ્યા રામ મંદિર દાન કૌભાંડ પર કેજરીવાલનો પીએમ મોદી પર સીધો પ્રહાર: "ધરપકડ કરાયેલા તો માત્ર પ્યાદા, અસલી ગુનેગાર કોણ? વડાપ્રધાન કોને બચાવી રહ્યા છે?"

૧૪ કરોડની જમીન ટ્રસ્ટને ૯૫ કરોડમાં પધરાવી ભ્રષ્ટાચાર આચર્યાનો AAP નેતાનો ગંભીર આરોપ; સવાલ ઉઠાવતા પૂછ્યું—"કરોડો ભક્તોની આસ્થા સાથે રમત કરનારાઓ પર યુપી સરકારનું બુલડોઝર કેમ નથી ચાલતું?"

નવી દિલ્હી, તા.૦૨: અયોધ્યામાં પ્રભુ શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ અને ભક્તો દ્વારા આપવામાં આવેલા પવિત્ર દાનની રકમમાં થયેલી કથિત ઉચાપતને લઈને દેશનું રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આજે એક પત્રકાર પરિષદ યોજીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા સવાલોનો મારો ચલાવ્યો છે. કેજરીવાલે સનસનાટીપૂર્ણ આરોપ લગાવતા કહ્યું છે કે, અયોધ્યા દાન કૌભાંડમાં કાવતરું ઘડનારા અસલી "શક્તિશાળી" ગુનેગારો મુક્ત ફરી રહ્યા છે અને જનતાની આંખમાં ધૂળ નાખવા માટે માત્ર નાના "પ્યાદાઓ" ની ધરપકડ કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
વડાપ્રધાન અજાણ હોય તે શક્ય જ નથી: કેજરીવાલ
ધગધગતા આરોપો લગાવતા અરવિંદ કેજરીવાલે પત્રકારોને જણાવ્યું કે, અયોધ્યામાં જમીનની ખરીદી, મંદિરનું નિર્માણ અને દેશ-વિદેશના ભક્તો દ્વારા મોકલવામાં આવેલા અબજો રૂપિયાના દાનના સંચાલનમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. તેમણે પીએમ મોદીને આડે હાથ લેતા કહ્યું કે, "આ બધું રામ મંદિરની આસપાસ ચાલી રહ્યું હતું અને દેશના વડાપ્રધાન તેનાથી તદ્દન અજાણ હતા, તે વાત ગળે ઉતરે તેવી નથી." કેજરીવાલે દાવો કર્યો કે રામ મંદિર ટ્રસ્ટના તમામ પદાધિકારીઓની પસંદગી ખુદ વડાપ્રધાને કરી છે અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારી પણ આ ટ્રસ્ટનો મુખ્ય હિસ્સો છે, તો પછી પીએમ મોદીએ આ આખી 'ચોરી' રોકવા માટે સમયસર કડક પગલાં કેમ ન લીધા?
૧૪ કરોડની જમીન ૯૫ કરોડમાં વેચી, બાંધકામમાં લેવાયું કમિશન!
કેજરીવાલે કૌભાંડના આંકડા રજૂ કરતા આરોપ લગાવ્યો કે, કેટલાક ખાનગી સ્થાપિત હિતોએ રામ મંદિર ટ્રસ્ટને અંધારામાં રાખીને અથવા મિલીભગત કરીને માત્ર ૧૪ કરોડ રૂપિયાની બજાર કિંમત ધરાવતી જમીન અધધ ₹૯૫ કરોડ રૂપિયામાં વેચી દીધી હતી. એટલું જ નહીં, મંદિર નિર્માણના વિવિધ કરારો (કોન્ટ્રેક્ટ) આપવા માટે પણ મોટા પાયે કમિશન લેવામાં આવ્યું હોવાનો તેમણે દાવો કર્યો છે. આપ વડાએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર પણ નિશાન સાધતા પ્રશ્ન કર્યો કે, જેઓ નાની નાની વાતોમાં ગુનેગારોની સંપત્તિ પર બુલડોઝર ચલાવે છે, તેઓ કરોડો રામભક્તોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનારા આ મોટા માથાઓ વિરુદ્ધ 'બુલડોઝર એક્શન' કેમ નથી લઈ રહ્યા?
SIT રિપોર્ટ બાદ ચંપત રાયના રાજીનામાની ઓફર, ૬ જુલાઈએ બેઠક
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ગઠિત વિશેષ તપાસ ટીમ (SIT) એ ગત ૨૩ જૂને આ મામલે પોતાનો પ્રારંભિક તપાસ અહેવાલ રજૂ કર્યો હતો. આ રિપોર્ટના આધારે ૨૫ જૂને સત્તાવાર એફઆઈઆર (FIR) નોંધવામાં આવી હતી અને મંદિરના દાન-ગણતરીની પ્રક્રિયા સાથે સંકળાયેલા આઠ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસકર્તાઓએ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયનું નિવેદન પણ નોંધ્યું છે. આ વિવાદ બાદ ચંપત રાયે તાજેતરમાં જ "નૈતિક જવાબદારી" સ્વીકારીને પોતાના પદ પરથી રાજીનામું આપવાની ઓફર કરી છે, જેના પર આગામી ૬ જુલાઈના રોજ યોજાનારી ટ્રસ્ટની હાઈ-પ્રોફાઈલ બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. કેજરીવાલના આ આક્રમણ બાદ આગામી દિવસોમાં આ મુદ્દે સંસદથી લઈને રસ્તા સુધી મોટો રાજકીય સંગ્રામ ખેલાય તેવા એંધાણ છે.

(4:50 PM IST)