<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટની હાઈ-પ્રોફાઈલ બેઠક હવે સમય કરતાં વહેલી ૬ જુલાઈએ યોજાશે: ભવિષ્યની રણનીતિ અને મંદિર નિર્માણ પર લેવાશે મોટા નિર્ણયો!

ચોમાસાની અસર અને સુવિધાઓની સમીક્ષા માટે રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે તારીખ બદલી; દેશભરના અગ્રણી સભ્યો લખનૌ અને અયોધ્યામાં મંથન કરશે

લખનૌ : અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ અને તેની વ્યવસ્થાઓ સંભાળતા ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ’ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રસ્ટે તેની અગાઉથી નિર્ધારિત આગામી મહત્વપૂર્ણ બેઠકની તારીખ લંબાવવાના બદલે વહેલી કરી દીધી છે. હવે આ હાઈ-લેવલ બેઠક ૬ જુલાઈના રોજ યોજાશે, જેમાં મંદિરના આગામી તબક્કાના નિર્માણ કાર્ય અને ભક્તોની સુવિધાઓને લઈને ભવિષ્યની રણનીતિ નક્કી કરવામાં આવશે.

ચોમાસા અને સુરક્ષા વ્યવસ્થા વચ્ચે વહેલી બેઠકનો નિર્ણય

રાજકીય અને ધાર્મિક વર્તુળોમાં આ વહેલી યોજાનારી બેઠકને લઈને ભારે ઉત્સુકતા છે. અહેવાલો અનુસાર, ચોમાસાની શરૂઆત થતાં જ અયોધ્યા અને મંદિર પરિસરમાં ઉભી થતી પરિસ્થિતિઓ, જળાભિષેક અને ભક્તોની ભારે ભીડને નિયંત્રિત કરવા માટે વહીવટી વતૂળો સાથે સંકલન સાધવા આ નિર્ણય લેવાયો છે. ટ્રસ્ટના વરિષ્ઠ હોદ્દેદારો આ બેઠકમાં વ્યક્તિગત રીતે અથવા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે.

બાકી રહેલા નિર્માણ કાર્યની ઝડપ પર નજર

આ બેઠકનો મુખ્ય એજન્ડા રામ મંદિર સંકુલમાં ચાલી રહેલા બીજા તબક્કાના નિર્માણ કાર્યની પ્રગતિની સમીક્ષા કરવાનો છે.

જેમાં પરિક્રમા પથ, સપ્ત ઋષિ મંદિર અને લોઅર પ્લિન્થના કામો સમયસર પૂરા કરવા માટે એન્જિનિયરો અને એલએન્ડટી (L&T) ના અધિકારીઓ સાથે સીધી ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત, ભક્તો માટે પીવાના પાણી, શેડ અને તબીબી સુવિધાઓ વધારવા અંગે પણ ફંડની ફાળવણી મંજૂર કરવામાં આવી શકે છે.

ભવિષ્યના રોડમેપ પર ટ્રસ્ટીઓનું મંથન

ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, ૬ જુલાઈની આ બેઠકમાં દેશભરમાંથી આવતા દાન (ડોનેશન) ના ઓડિટ અહેવાલો અને ભવિષ્યમાં યોજાનારા ધાર્મિક ઉત્સવોના આયોજન પર પણ વિગતવાર ચર્ચા થશે. મંદિરની સુરક્ષા વ્યવસ્થાને વધુ સદ્રઢ બનાવવા અને સોશિયલ મીડિયા પર મંદિર વિરુદ્ધ ફેલાતી અફવાઓ પર લગામ લગાવવા માટે એક વિશેષ કમિટીની રચના પણ આ બેઠકમાં થઈ શકે છે. ધાર્મિક દ્રષ્ટિએ આ બેઠક બાદ અયોધ્યા માટે કેટલાક મોટા નિર્ણયોની જાહેરાત થવાની પૂરેપૂરી સંભાવના છે.

(5:14 PM IST)