<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

૩૦ લાખ દીવડાથી અયોધ્‍યાનો સરયૂ ઘાટ જગમગી ઉઠશે

ઐતિહાસિક આયોજનને સફળ બનાવવા માટે અવધ વિશ્વવિદ્યાલયના લગભગ ૩૫ હજાર સ્‍વયંસેવક રાત દિવસ એક કરીને કામ કરી રહ્યા છે : ઉપરાષ્ટ્રપતિને મુખ્‍ય અતિથિ તરીકે અયોધ્‍યા આગામનથી આ વખતે દીપોત્‍સવ વધુ ખાસ બનવા જઈ રહ્યો છે

અયોધ્‍યા : રામનગરી અયોધ્‍યામાં ૧૦માં દીપોત્‍સવને લઈ તૈયારીઓ યુદ્ધ સ્‍તર પર શરુ થઈ ગઈ છે. રામ કી પૈડીથી લઈ સરયૂ નદીના ઘાટ સુધી દીવડા ગોઠવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. ઘાટ પર ગિનીઝ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડની ટીમ તરફથી નિર્ધારિત માપદંડો અનુરુપ દીવડા પાથરવામાં આવી રહ્યા છે. સાત નવેમ્‍બરના રોજ આયોજિત થનારા દીપોત્‍સવમાં આ વખતે ૩૦ લાખથી વધારે દીવડા પ્રજ્‍વલિત કરી નવો કીર્તિમાન બનાવવાનો ટાર્ગેટ રાખ્‍યો છે. આ ઐતિહાસિક આયોજનને સફળ બનાવવા માટે અવધ વિશ્વવિદ્યાલયના લગભગ ૩૫ હજાર સ્‍વયંસેવક રાત દિવસ એક કરીને કામ કરી રહ્યા છે. ઉપરાષ્ટ્રપતિને મુખ્‍ય અતિથિ તરીકે અયોધ્‍યા આગામનથી આ વખતે દીપોત્‍સવ વધુ ખાસ બનવા જઈ રહ્યો છે.

દીપોત્‍સવની તૈયારીઓ વચ્‍ચે રામનગરી અયોધ્‍યાના ઘાટો પર ઉત્‍સવનો માહોલ જોવા મળી રહ્યો છે. રામ કી પૈડી સહિત અનેક ઘાટો પર દીવડાં ગોઠવવાનું કામ શરૂ થઈ ગયું છે. સ્‍વયંસેવકો નિર્ધારિત અંતર અને માપદંડો અનુસાર વ્‍યવસ્‍થિત રીતે દીવડાં પાથરી રહ્યા છે, જેથી દીવા પ્રગટાવતી વખતે કોઈ મુશ્‍કેલી ન સર્જાય.

ચાર અને પાંચ નવેમ્‍બર સુધીમાં ઘાટો પર દીવડાં પાથરવાનું કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્‍યો છે. ત્‍યારબાદ છ નવેમ્‍બર સુધીમાં દીવડાંમાં દિવેટ મૂકવાની અને તેલ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. સાત નવેમ્‍બરે દીપોત્‍સવના અવસરે એકસાથે લાખો દીવડાં પ્રગટાવવામાં આવશે, જેના કારણે સમગ્ર અયોધ્‍યા રોશનીથી ઝળહળી ઊઠશે.

અયોધ્‍યા દીપોત્‍સવમાં દર વર્ષે નવો ઇતિહાસ રચવાનો પ્રયાસ કરવામાં આવે છે. ગયા દીપોત્‍સવમાં ૨૬ લાખ ૧૭ હજાર ૫૧૨ દીવડાં પ્રગટાવીને વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવ્‍યો હતો. આ વખતે આયોજનને વધુ ભવ્‍ય બનાવવા માટે ૩૦ લાખથી વધુ દીવડાં પ્રગટાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્‍યો છે.

આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે અવધ યુનિવર્સિટી પ્રશાસન સાથે હજારો સ્‍વયંસેવકો કામે લાગી ગયા છે. યુનિવર્સિટી પરિસરથી લઈને દીપોત્‍સવ માટે નિર્ધારિત ઘાટો સુધી દીવડાંની વ્‍યવસ્‍થા કરવામાં આવી રહી છે. સ્‍વયંસેવકોને અલગ-અલગ ઘાટોની જવાબદારી સોંપવામાં આવી છે, જેથી દીવડાં ગોઠવવાનું કામ સમયસર પૂર્ણ થઈ શકે.

અવધ યુનિવર્સિટી દ્વારા ઘાટ નંબર ૧થી ૩૫ અને ભજન સંધ્‍યા સ્‍થળ પર દીવડાં અગાઉથી જ પહોંચાડી દેવામાં આવ્‍યાં છે. બાકીના ઘાટો પર પણ દીવડાં પહોંચાડવાનું કામ ચાલુ છે. દીવડાંને નિર્ધારિત ક્રમમાં ગોઠવ્‍યા બાદ તેમાં દિવેટ અને તેલ નાખવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ માટે સ્‍વયંસેવકોની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે.

અવધ યુનિવર્સિટીના એક સ્‍વયંસેવકે લોકલ ૧૮ને જણાવ્‍યું કે આ વખતે દીપોત્‍સવમાં ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્‍ણનના આગમનને લઈને તમામ લોકો ખૂબ જ ઉત્‍સાહિત છે. આજથી ઘાટો પર દીવડાં ગોઠવવાનું કામ શરૂ કરવામાં આવ્‍યું છે. આગામી બે દિવસ સુધી દીવડાં ગોઠવવામાં આવશે. ત્‍યારબાદ તેમાં દિવેટ મૂકવામાં આવશે અને પછી તેલ ભરવાનું કામ કરવામાં આવશે.

આ ઐતિહાસિક આયોજનનો ભાગ બનીને અમે ખૂબ જ ઉત્‍સાહિત છીએ.

૩૫ હજાર સ્‍વયંસેવકોની મહેનત, પ્રશાસનની તૈયારીઓ અને લાખો દીવડાંની રોશની વચ્‍ચે સાત નવેમ્‍બરે અયોધ્‍યા ફરી એકવાર સમગ્ર વિશ્વનું ધ્‍યાન પોતાની તરફ આકર્ષિત કરવાની તૈયારીમાં છે.

(10:44 AM IST)