<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

આયુષ્માન કાર્ડ પર સંકટ: 5 જૂનથી ખાનગી હોસ્પિટલોમાં મફત સારવાર બંધ થવાના એંધાણ: IMAની ગંભીર ચેતવણી

સરકાર પાસે કરોડો રૂપિયાનું પેમેન્ટ બાકી હોવાથી ઈન્ડિયન મેડિકલ એસોસિએશને લીધો આકરો નિર્ણય : જો લેણી રકમ નહીં ચૂકવાય તો હજારો ગરીબ દર્દીઓ સારવારથી વંચિત રહી જશે

રોહતક  :  ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદ સમાન ગણાતી 'આયુષ્માન ભારત યોજના' પર અત્યારે જોખમના વાદળો છવાયા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનએ સરકાર સામે આરપારની લડાઈના મંડાણ કરતા જાહેરાત કરી છે કે જો હોસ્પિટલોના બાકી નાણાંની ચૂકવણી ત્વરિત નહીં કરવામાં આવે, તો આગામી 5 જૂનથી કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ સ્વીકારવામાં આવશે નહીં. રોહતક જિલ્લાની જ વાત કરીએ તો, અંદાજે 34 જેટલી મોટી ખાનગી હોસ્પિટલો આ હડતાળમાં જોડાઈ શકે છે, જેના કારણે ગંભીર બીમારીઓની સારવાર કરાવી રહેલા હજારો લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ શકે તેમ છે.

IMA ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સરકાર પર ખાનગી હોસ્પિટલોના કરોડો રૂપિયા બાકી છે અને છેલ્લા એક વર્ષથી અનેક હોસ્પિટલોને ફંડ મળ્યું નથી. હોસ્પિટલ સંચાલકોનો આરોપ છે કે નાણાકીય કટોકટી એટલી વધી ગઈ છે કે હવે કર્મચારીઓના પગાર ચૂકવવા, નવી દવાઓની ખરીદી કરવી અને હોસ્પિટલનો રોજિંદો ખર્ચ કાઢવો પણ લોઢાના ચણા ચાવવા જેવું કામ થઈ ગયું છે. વારંવાર રજૂઆતો કરવા છતાં સરકાર તરફથી માત્ર આશ્વાસનો જ મળ્યા છે, પરંતુ કોઈ નક્કર ઉકેલ ન આવતા આખરે ડોક્ટરોએ સારવાર બંધ કરવાનો કઠોર નિર્ણય લેવો પડ્યો છે.

જો 5 જૂન સુધીમાં આ વિવાદનો ઉકેલ નહીં આવે, તો ડાયાલિસિસ, હૃદયરોગ અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ માટે ખાનગી હોસ્પિટલો પર નિર્ભર ગરીબ દર્દીઓ માટે આરોગ્ય સેવાઓ મેળવવી અશક્ય બની જશે. IMA એ સ્પષ્ટ કર્યું છે કે તેઓ દર્દીઓની સેવા કરવા માંગે છે, પરંતુ આર્થિક બોજ હેઠળ દબાયેલી સિસ્ટમને હવે વધુ સમય ચલાવવી શક્ય નથી. હવે આખો દડો સરકારના મેદાનમાં છે; જો સમયસર બાકી રકમ મુક્ત કરવામાં આવશે તો જ આ સંકટ ટળી શકશે, અન્યથા ગરીબ દર્દીઓએ સરકારી હોસ્પિટલોના લાંબા વેઈટિંગ લિસ્ટમાં ધક્કા ખાવા પડશે.

(10:39 PM IST)