તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
યુપીમાં 'બાબા'નું બુલડોઝર ગર્જ્યું: મુરાદાબાદમાં હાઈકોર્ટના આદેશ બાદ ૨૫ વર્ષ જૂના મદ્રેસાનું ગેરકાયદે બાંધકામ જમીનદોસ્ત!
મદ્રેસા જામિયા અરબિયાના મુખ્ય ગેટ સહિતના હિસ્સાઓ પર ૫ બુલડોઝર ફરી વળ્યા; ૧૦ એકર જમીન પર વહીવટી તંત્રએ મેળવ્યો કબજો, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મોટી કાર્યવાહી

મુરાદાબાદ : ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં શનિવાર, ૯ મે ૨૦૨૬ના રોજ વહીવટી તંત્રએ મોટી કાર્યવાહી કરતા 'મદ્રેસા જામિયા અરબિયા હયાતુલ ઉલૂમ' પર બુલડોઝર ચલાવ્યું છે. અલ્હાબાદ હાઈકોર્ટના મહત્વના આદેશ બાદ મુરાદાબાદ ડેવલપમેન્ટ ઓથોરિટી (MDA) દ્વારા આ તોડી પાડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ૨૫ વર્ષથી ચાલી રહેલા કાયદાકીય વિવાદ બાદ આખરે તંત્રએ ગેરકાયદે બાંધકામ દૂર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે.
૫ બુલડોઝર અને પોલીસ છાવણીમાં ફેરવાયો વિસ્તાર: મઝોલા વિસ્તારમાં આવેલા આ મદ્રેસા પર કાર્યવાહી કરવા માટે તંત્રએ એકસાથે ૫ બુલડોઝર કામે લગાડ્યા હતા. કલાકો સુધી ચાલેલી આ કામગીરીમાં મદ્રેસાનો મુખ્ય ગેટ અને અન્ય ગેરકાયદે હિસ્સાઓ તોડી પાડવામાં આવ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આસપાસના વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો અને ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ શાંતિપૂર્ણ રીતે કાર્યવાહી આટોપવામાં આવી હતી.
૨૫ વર્ષ જૂનો જમીન વિવાદ અને કોર્ટનો ફેંસલો: આ મામલો છેલ્લા અઢી દાયકાથી કોર્ટમાં પેન્ડિંગ હતો. અહેવાલો મુજબ, આ મદ્રેસાનો પાયો ૧૯૮૦માં નાખવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં જમીનની માલિકી હક્ક અંગે વિવાદ ઉભો થયો હતો. વર્ષ ૨૦૦૦માં આ જમીન મુરાદાબાદ ડેવલપમેન્ટ ઓથોરિટીના હસ્તક આવી ગઈ હતી. મદ્રેસા કમિટીએ આ જમીન પર પોતાનો કબજો જાળવી રાખવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેને અલ્હાબાદ હાઈકોર્ટે તાજેતરમાં જ ફગાવી દીધી હતી.
૧૦ એકર જમીન કરાઈ કબજે: હાઈકોર્ટે MDA ના પક્ષમાં ચુકાદો આપતા વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું હતું. આશરે ૧૦ એકર જેટલી વિશાળ જમીન પરથી દબાણ દૂર કરીને તંત્રએ પોતાનો કબજો મેળવી લીધો છે. ઉત્તર પ્રદેશમાં ગેરકાયદે બાંધકામો સામે ચાલી રહેલી 'બુલડોઝર નીતિ' અંતર્ગત આ એક મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે.
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
