તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
ઓસ્ટ્રેલિયામાં ભણવા જવાનું વિચારતા ભારતીય વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર: વિઝા નિયમોમાં મોટો ફેરફાર, પરિવારને સાથે લઈ જવા પર સરકારે મૂક્યો સંપૂર્ણ પ્રતિબંધ
ચોખ્ખું સ્થળાંતર ઘટાડવા અને 'વિઝા હોપિંગ' રોકવા ફેડરલ સરકારનો આકરો નિર્ણય; પીએચડી અને સંશોધન વિદ્યાર્થીઓને અપાઈ મુક્તિ, યુનિવર્સિટીઓએ વ્યક્ત કરી ભારે ચિંતા

કેનબરા, તા.17: ઓસ્ટ્રેલિયા જવા ઈચ્છતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ફેડરલ સરકારે એક અત્યંત મહત્વનો અને આકરો નિર્ણય લીધો છે. દેશમાં વધી રહેલા વિદેશી સ્થળાંતરને અંકુશમાં લેવા અને વિઝા પ્રણાલીને મજબૂત બનાવવાના હેતુથી ઓસ્ટ્રેલિયન સરકારે મોટાભાગના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર પોતાના પરિવારના સભ્યો (ડિપેન્ડન્ટ્સ) ને સાથે લાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી છે. આ નવા સુધારાથી ખાસ કરીને દક્ષિણ એશિયાઈ દેશો અને ભારતથી ઓસ્ટ્રેલિયા અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ પર મોટી અસર પડવાની શક્યતા છે.
ગૃહમંત્રી ટોની બર્કે આ ઐતિહાસિક ફેરફારોની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ નિર્ણયો પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય રોગચાળા પછી દેશમાં ઝડપથી વધેલા વિદેશી સ્થળાંતરને અટકાવવાનો છે. સરકારી આંકડા મુજબ, દેશનું ચોખ્ખો વિદેશી સ્થળાંતર તેના પીક લેવલથી 47% ઘટીને 2,92,000 પર પહોંચ્યું છે, જેને ચાલુ નાણાકીય વર્ષમાં ઘટાડીને 2,45,000 અને વર્ષ 2027-28 સુધીમાં 2,25,000 સુધી લાવવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. નવા નિયમો હેઠળ શોર્ટકટ અથવા વિઝાનો દુરુપયોગ કરીને ઓસ્ટ્રેલિયામાં રોકાણ લંબાવનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ નવા નિયમો હેઠળ ગૌણ અરજદારો એટલે કે વિદ્યાર્થીઓના પતિ/પત્ની અને બાળકો પર પ્રતિબંધ રહેશે. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ નિયમો ભવિષ્યની નવી અરજીઓ પર જ લાગુ થશે. જે વિદ્યાર્થીઓ હાલમાં ઓસ્ટ્રેલિયામાં પરિવાર સાથે વસવાટ કરી રહ્યા છે, તેમને અલગ કરવામાં આવશે નહીં. આ ઉપરાંત, પીએચડી (PhD) પ્રોગ્રામમાં નોંધાયેલા ઉચ્ચ સંશોધકો તથા દક્ષિણ-પૂર્વ એશિયા અને પેસિફિક દેશોના નાગરિકો માટે આ પ્રતિબંધમાં ચોક્કસ મુક્તિઓ આપવામાં આવશે, જેની વિગતવાર માહિતી ટૂંક સમયમાં જાહેર કરાશે.
સરકારે કડક વલણ અપનાવતા 'વિઝા હોપિંગ' ની પ્રવૃત્તિ પર પણ રોક લગાવી દીધી છે. ઘણા વિદ્યાર્થીઓ દેશમાં રોકાણ લંબાવવા માટે નીચલી કક્ષાના કોર્સમાં ટ્રાન્સફર લઈ લેતા હતા. હવેથી વિદ્યાર્થીઓને ફક્ત તેમની લાયકાતનું ધોરણ વધારવાની જ પરવાનગી મળશે; નીચલી લાયકાતના કોર્સમાં સ્થાનાંતરિત થવા માટે નવા વિઝાની અરજી કરવી પડશે. આ સિવાય, વર્કિંગ હોલિડે મેકર પ્રોગ્રામમાં બેલોટ પ્રણાલી અને વિઝિટર વિઝાધારકો માટે ઓન-શોર રોકાણ લંબાવવા પર પણ નવી શરતો લાદવામાં આવી છે.
બીજી તરફ, ઓસ્ટ્રેલિયાની અગ્રણી યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓએ સરકારના આ નિર્ણય સામે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. ઓસ્ટ્રેલિયાના અર્થતંત્રમાં આંતરરાષ્ટ્રીય શિક્ષણ ક્ષેત્ર 55 અબજ ઓસ્ટ્રેલિયન ડોલરનું યોગદાન આપે છે અને તે દેશનો ચોથો સૌથી મોટો નિકાસ ઉદ્યોગ છે. 'યુનિવર્સિટીઝ ઓસ્ટ્રેલિયા'ના ચીફ એક્ઝિક્યુટિવ લ્યુક શીહી અને પ્રાદેશિક યુનિવર્સિટી નેટવર્કના અધ્યક્ષ ક્રેગ મોરને ચેતવણી આપી છે કે પરિવાર પરના પ્રતિબંધથી વૈશ્વિક સ્તરે ઓસ્ટ્રેલિયાનું શૈક્ષણિક આકર્ષણ ઘટશે અને સ્થાનિક પ્રાદેશિક અર્થતંત્રને મોટો ફટકો પડશે.
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
