તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈ ફરી વિવાદોમાં: શાલીગ્રામ ગર્ગ પર ખેડૂતને ગોળી મારવાનો સનસનાટીભર્યો આરોપ, કાન અને માથામાં વાગી ગોળી, હાલત નાજુક!
મધ્યપ્રદેશના છતરપુરમાં જમીન વિવાદે લીધું લોહિયાળ સ્વરૂપ; ગંભીર હાલતમાં હોસ્પિટલના બિછાને પડેલા ખેડૂતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ; તપાસ બાદ કડક કાર્યવાહીની ખાતરી આપતા પોલીસ અધિક્ષક

છતરપુર : દેશભરમાં લાખો અનુયાયીઓ ધરાવતા અને બાગેશ્વર ધામના વડા તરીકે જાણીતા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના નાના ભાઈ શાલીગ્રામ ગર્ગ ફરી એકવાર ભયાનક કાનૂની વિવાદમાં ફસાયા છે. મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના રાજનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા કોડા ગામમાં એક ખેડૂત પર અંધાધૂંધ ગોળીબાર કરવાનો ગંભીર આરોપ શાલીગ્રામ ગર્ગ પર લાગ્યો છે. મંગળવારે બનેલી આ સનસનાટીભર્યા ઘટનામાં મોતીલાલ કુશવાહા નામનો ખેડૂત લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ હિંસક હુમલા પાછળ લાંબા સમયથી ચાલી રહેલો એક જમીન વિવાદ મુખ્ય કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘાયલ ખેડૂતના ભાઈના જણાવ્યા મુજબ, શાલીગ્રામ ગર્ગ પોતાના અસામાજિક સાથીદારો અને હથિયારો સાથે અચાનક ગામમાં ધસી આવ્યા હતા અને કોઈ કંઈ સમજે તે પહેલા જ મોતીલાલ પર તૂટી પડ્યા હતા. આ હુમલા દરમિયાન કરવામાં આવેલા ફાયરિંગમાં મોતીલાલને કાન અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે. સૂત્રોના મતે એક ગોળી હજુ પણ ખેડૂતના શરીરમાં ફસાયેલી છે, જોકે હોસ્પિટલ પ્રશાસન દ્વારા સત્તાવાર મેડિકલ રિપોર્ટ જાહેર થવાનો બાકી છે.
સોશિયલ મીડિયા પર ઘાયલ ખેડૂતનો નિવેદન આપતો વીડિયો વાયરલ
આ લોહિયાળ ડ્રામા બાદ સોશિયલ મીડિયા પર ઘટનાના ઘણા ચોંકાવનારા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. હોસ્પિટલના ખાટલા પરથી જખમી હાલતમાં નિવેદન આપતા મોતીલાલ કુશવાહા વીડિયોમાં સ્પષ્ટપણે કહી રહ્યા છે કે, "ધીરેન્દ્ર મહારાજના ભાઈ શાલીગ્રામ ગર્ગે જ મને ગોળી મારી છે. ગામના એક ગરીબ બ્રાહ્મણ પરિવારની જમીન પર ગેરકાયદેસર અતિક્રમણ (કબજો) કરવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. હું તે પરિવારની મદદ કરવા અને વહીવટીતંત્રમાં અરજી આપવા માટે તેમની સાથે ગયો હતો. આ વાતની અદાવત રાખીને શાલીગ્રામ મારા પર ગુસ્સે ભરાયા અને મને ગોળી મારીને ઘટનાસ્થળેથી ભાગી ગયા."
અન્ય વાયરલ વીડિયોમાં પોલીસની હાજરી વચ્ચે બેભાન ખેડૂતને સ્ટ્રેચર પર તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જેના કારણે સ્થાનિક પંથકમાં ભારે તણાવ અને હંગામાનો માહોલ સર્જાયો છે.
પોલીસ એક્શન મોડમાં; બાગેશ્વર ધામ મૌન
આ હાઈ-પ્રોફાઈલ મામલાની ગંભીરતાને જોતા છતરપુરના પોલીસ અધિક્ષક (SP) રજત સકલેચાએ મીડિયાને જણાવ્યું છે કે, પોલીસ આ કેસની અત્યંત ઝીણવટપૂર્વક અને કડક તપાસ કરી રહી છે. પીડિત ખેડૂતના એક્સ-રે રિપોર્ટ, ઈજાઓની તીવ્રતા અને ઘટનાસ્થળેથી મળી આવેલા હથિયારોના અવશેષોની ફોરેન્સિક તપાસ કર્યા બાદ કાયદાના આધારે ગુનેગારો વિરૂદ્ધ કડક કાનૂની પગલાં ભરવામાં આવશે. બીજી તરફ, આટલો મોટો વિવાદ થવા છતાં બાગેશ્વર ધામ અથવા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી તરફથી આ લખાય છે ત્યાં સુધી કોઈ પણ સત્તાવાર પ્રતિક્રિયા કે નિવેદન સામે આવ્યું નથી.
(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
